Gandhinagar: માણસામાં ઑવરટેક કરવાના ચક્કરમાં બાઈક ચાલક નીચે પટકાયો, માથા પરથી ટાયર ફરી વળતા કમકમાટીભર્યું મોત

પાછળથી પુરપાટ આવી રહેલ બાઈકના ચાલક ઓવરટેક કરવા જતા નીચે પટકાઈ ટાયર નીચે ચગદાઈ ગયો. ટ્રકના ચાલકે માણસા પોલીસ મથકમાં મૃતક બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 27 Mar 2026 06:17 PM (IST)Updated: Fri, 27 Mar 2026 06:17 PM (IST)
gandhinagar-news-biker-dies-after-falling-while-overtaking-near-mansa
HIGHLIGHTS
  • પાંજરાપોળ નજીક વળાંક પર અકસ્માતથી અરેરાટી

Gandhinagar: ગાંધીનગર જિલ્લાના માણસામાં આવેલ પાંજરાપોળ નજીકના વળાંક પર ટર્બો ટ્રકની અડફેટે બાઈક ચાલક યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે બાઈકની પાછળ બેઠેલો શખ્સ ઈજાગ્રસ્ત થયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કલસીપુરા ગામમાં રહેતા કાનાભાઈ ખાંટ આજે પોતાના 10 ટાયરવાળા ટર્બો ટ્રકમાં રાજપુરા સ્થિત આકાશ સિરામિકમાંથી ટાઈલ્સ ભરીને લુણાવાડા જવા માટે નીકળ્યા હતા.

કાનાભાઈનો ટર્બો ટ્રક માણસાના પાંજરાપોળના વળાંક પાસે પહોંચ્યો, ત્યારે પાછળથી પુરપાટ બાઈક પર ડબલ સવારી આવી રહેલા યુવકો ઓવરટેક કરવાના ચક્કરમાં નીચે પટકાયા હતા. આ સાથે જ બાઈક ચાલકના માથા પરથી ટ્રકનું તોતિંગ ટાયર ફરી વળ્યું હતુ.

આ અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જે બાદ 108ની મદદથી બન્ને ઈજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે માણસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બાઈક ચાલક યુવકનું મોત નીપજ્યું હતુ.

આ મામલે ટ્રક ચાલક કાનાભાઈ ખાંટે માણસા પોલીસ મથકમાં બાઈક ચલાવી રહેલા યુવક વિરુદ્ધ ફરિયાદ આપી હતી. હાલ તો પોલીસે ફરિયાદના આધારે મૃતક વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બાઈક ચાલકની ઓળખ આનંદ રાવળ (રહે. ઉબખલ ગામ, વિજાપુર તાલુકા) તરીકે થઈ છે.