Surat: શહેરના પાસોદરા વિસ્તારમાં એક મહિલાએ પાડોશીઓના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મહિલાએ સોશિયલ મીડિયામાં લાઈવ થઈને ફિનાઈલ ગટગટાવ્યું છે. હાલ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
આપઘાતનો પ્રયાસ કરતાં પહેલા મહિલાએ સોશિયલ મીડિયામાં વીડિયો બનાવ્યો છે. જેમાં તે કહી રહી છે કે, આજે મારી સહનશક્તિની હદ પુરી થઈ ગઈ છે. છેલ્લા 6 મહિનાથી બાજુવાળીનો ત્રાસ વધી ગયો છે. હું સાવ કંટાળી ગઈ છું. હું જે કંઈ પગલું ભરી રહી છું, તેના માટે અલ્પા ટાંક એનો ભાઈ નિલેશ પરમાન અને તેમને સાથ આપવાવાળા જવાબદાર રહેશે.
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી મહિલાએ જણાવ્યું કે, 6 મહિનાથી અલ્પા ટાંક અને તેના ભાઈ નિલેશ પરમારનો ત્રાસ વધી ગયો હતો, જેથી કંટાળીને મેં આ પગલું ભર્યું છે. આ મામલે બે વખત પોલીસમાં અરજી આપી હતી, પરંતુ કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નહતો. મારી પોલીસ વિભાગને એક જ વિનંતી છે કે, અમને ન્યાય મળવો જોઈએ.
જ્યારે મહિલાના પતિએ આક્ષેપ કરતાં જણાવ્યું કે, અમારા ઘરની બાજુમાં રહેલી અલ્પા ટાંક અને નિલેશ પરમાર અવારનવાર ફ્લેટની સીડીમાં કચરો નાંખીને અમને હેરાન કરે છે. આ બાબતે અમે બે વખત પોલીસમાં અરજી પણ આપી હતી, પરંતુ કોઈ પગલા લેવાયા નથી. આખરે કંટાળીને મારી પત્નીએ આવું પગલું ભર્યું છે. મારી પોલીસને અપીલ છે કે, અમને ન્યાય મળે.
