અમિત શાહની દેશવાસીઓને અપીલ,- સ્વદેશી અપનાવવાનો સંકલ્પ લેશો, તો ભારતને દુનિયાનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બનતા કોઈ રોકી નહીં શકે'

સારામાં સારા ડોક્ટર અને સારામાં સારા સાધનો હોસ્પિટલમાં લાવી શકાય તેવી વ્યવસ્થા સાથે 350 બેડની હોસ્પિટલ થકી કલોલના નગરજનો માટે સારામાં સારી આરોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 23 Sep 2025 09:09 PM (IST)Updated: Tue, 23 Sep 2025 09:09 PM (IST)
gandhinagar-news-amit-shah-appeal-to-nation-by-swadeshi-things-so-india-become-world-third-economy
HIGHLIGHTS
  • કલોલમાં રૂ. 144 કરોડ જેટલી રકમના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ સંપન્ન

Gandhinagar: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે કલોલના ભારત માતા ટાઉન હોલમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત અમૃત યોજના હેઠળ STPનું લોકાર્પણ,અમૃત સરોવર યોજના અંતર્ગત જ્યોતેશ્વર તળાવનું લોકાર્પણ, દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ શેલ્ટર હાઉસનું ઉદ્ઘાટન, સફાઈ કર્મચારીઓને સાધનોનું વિતરણ ઉપરાંત અન્ય વિકાસ કાર્યો મળી કુલ રૂપિયા 144 કરોડ જેટલી રકમના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા છે.

કલોલ ખાતે યોજાયેલા વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભારત માતા ટાઉનહોલ ખાતે કલોલના નગરજનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આસોની પવિત્ર નવરાત્રીના બીજા દિવસે કલોલ વિધાનસભા ક્ષેત્રમાં કુલ 144 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા જ્યારે આવવાનું થયું છે.

આ પ્રસંગે વર્ષો પૂર્વેના કલોલ અને વર્તમાન સમયમાં વિકાસશીલ કલોલના રોડ રસ્તા,સ્વચ્છતા, મોટા મોટા તળાવની સંરચના,રેનબસેરાની સંરચના,ગટરનું પાણી ચોખ્ખું કરવાની વ્યવસ્થા, STPનું આયોજન તથા કલોલના ઇતિહાસમાં છેલ્લા 5 થી 10 વર્ષની અંદર કલોલનો જે વિકાસ થયો છે,તે જોતાં હળવી શૈલીમાં જણાવ્યું હતું કે,10 વર્ષમાં કલોલ અને અમદાવાદ બંને ભેગું થઈ જાય તો નવાઈ નહીં.

આ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, અનેક પ્રકારના વિકાસના કામો આજે શરૂ થયા છે, લગભગ 53 કરોડની પાંચ યોજનાઓ, જેમાં 35 કરોડનો ગંદા પાણીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ,11 કરોડના ખર્ચે જ્યોતિશ્વર તળાવ નિર્માણ, 100 લોકો સૂઈ શકે એવું ગરીબો માટેનું આશ્રય સ્થાન,સફાઈ ઉપકરણો અને 13 અલગ અલગ બોરવેલના કામોનું આજે લોકાર્પણ થયું છે.

જ્યારે 91 કરોડના ખર્ચે સ્વર્ણિમજયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજના હેઠળ અનેક કામો ચાલુ છે. આ સાથે જ આવનારા વર્ષ 2029 સુધી ગ્રામીણ ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર બંને મળી કલોલ વિધાનસભા એક આદર્શ વિધાનસભા બને એ દિશામાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 350 બેડની મોટી હોસ્પિટલ ભારત સરકાર દ્વારા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. જેનું લગભગ 2027 સુધીમાં ઉદઘાટન થશે. જે બાદ કલોલથી કોઈ પણ પ્રકારની આરોગ્યની સુવિધા માટે કલોલના કોઈપણ નગરજનોએ અમદાવાદ કે ગાંધીનગર જવું નહીં પડે.

આ હોસ્પિટલ થકી અનેક પ્રકારની મોટામાં મોટી આરોગ્યની સુવિધાઓ કલોલ નગરપાલિકામાંજ શક્ય બનશે. આ હોસ્પિટલ જોડે પબ્લિક હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બંનેને જોડવાની વ્યવસ્થા કરવામાં આવી છે, ડાયાબિટીસ રિપોર્ટ કરવો હોય, એન્જીઓગ્રાફી કરવી હોય કે પછી એમ.આર.આઇ અથવા એન્જિઓપ્લાસ્ટિ કરવાનું હોય, આવી કોઈ પણ પ્રકારની તપાસ અને ઓપરેશન માટેની વ્યવસ્થા કલોલમાં થશે. આટલું જ નહીં પણ કલોલમાં જે પેથોલોજી લેબોરેટરી છે તે પણ સર્વશ્રેષ્ઠ બનાવાશે.

આ ઉપરાંત જે હોસ્પિટલ બનશે તેમાં દર્દી સાથે આવેલ તેમના સગા સંબંધીઓને રાત્રી રોકાણ માટેની તથા દર્દી માટે હોસ્પિટલમાં જમવાની અને દર્દીની જોડે આવેલા સગા‌સંબધીઓ માટે પણ પૂર્ણ રૂપે મફતમાં જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.આ સાથે જ આયુષ્યમાન કાર્ડ અને ગુજરાત સરકારના સહયોગથી આ હોસ્પિટલમાં રૂપિયા 10 લાખ સુધીનો સારવાર ખર્ચ મફત કરવામાં આવશે, જેનાથી કલોલના નાગરિકો માટે સારામાં સારી આરોગ્યની વ્યવસ્થા થાય એ પ્રકારનું જનજીવન મિશનનું કામ પણ આપણે ત્યાં ખૂબ સુંદર રીતે થયું છે.

આ કાર્યક્રમ અંતર્ગત તેમણે સીધા જ નગરજનોને સંબોધી કહ્યું હતું કે, વિવિધ કારણોસર હજુ કલોલમાં જે પાણીનો ભરાવો થાય છે, તે એક વર્ષ પછી 70% ઓછું થઈ જશે અને બે વર્ષ પછી ક્યાંય પણ એક ટીપુ પાણી આખા કલોલ તાલુકામાં ન ભરાય એવી વ્યવસ્થાની ગોઠવણી થઈ રહી છે.

આ સાથે જ જિલ્લાના તળાવો અંગે તેમણે ઉમેર્યું હતું કે, ટોરેન્ટ કંપની સાથે એક એમ.ઓ.યુ કર્યા છે, જેમાં આ તળાવ સંભાળવાની વ્યવસ્થા ટોરન્ટ કંપનીને સોંપવામાં આવી છે.જેમાં તળાવના બગીચા, વૃક્ષારોપણ અને ગાંધીનગર જિલ્લામ તથા કલોલ તાલુકામાં બધા તળાવની આજુબાજુમાં બાળકોના રમત ગમતના સાધનો અને તળાવમાં બોટથી ફરવાની વ્યવસ્થા, શુદ્ધ ખાણી પીણીની વ્યવસ્થા કરવામાં આવશે.

આ સાથે જ હમણાં જ વડાપ્રધાન મોદીએ જીએસટીમાં ખાવા પીવાની બધી જ વસ્તુઓ પરથી ટેક્સ હટાવી નાખવાનું અને ખેડૂતોની બધી વસ્તુઓ પર ટેક્સ અડધાથી ઓછો કરી નાખવાનું કામ કર્યું છે. તે અંગે જાણકારી આપતા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉમેર્યું હતું કે, ઘરમાં એકે પણ વિદેશી વસ્તુ ન લાવતા દેશમાં બનેલી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખો. જો આપણે સૌ આટલું કરીશું તો આપણું અર્થતંત્ર દુનિયાનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બનતુ કોઈ નહીં અટકાવી શકે.

આ માટે ઉપસ્થિત સૌને અપીલ કરતા જણાવ્યું હતું કે, આપણે સૌએ સ્વદેશી અપનાવવાનો સંકલ્પ લેવો જોઈએ અને વિદેશી વસ્તુ નાજ ખરીદવી એવું સંકલ્પ કરી આપણે સૌ આગળ વધીએ તો નિશ્ચિત રૂપે દેશના અર્થતંત્રને ખૂબ મોટો ફાયદો થાય.

અંતે તેમણે‌ ઉમેર્યું હતું કે, એક સંસદ સભ્ય તરીકે જેટલું આવવું જોઈએ એટલું કલોલ આવી શકાતું નથી.પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે ,મારા દસ વર્ષ પૂરા થાય એટલે તમને બધાને હિસાબ કિતાબ કરવાની પાક્કી છૂટ છે. 10 વર્ષમાં દેશભરના બધા જ મત વિસ્તારમાં સૌથી વધુ વિકાસ કામો જો કોઈ એક જગ્યાએ થયા હશે તો, આપણા ગાંધીનગરમાં એની બધી જ ચિંતા કરવાની જવાબદારી મારી અને મારા સાથી ધારાસભ્યો સહિત મારી ટીમની છે. દિવાળી મોજથી ઉજવવાનુ જણાવતા ફરી એકવાર સ્વદેશી અપનાવી દેશના અર્થતંત્રની મજબૂત કરવામાં સહયોગી બનવા ઉપસ્થિત સૌને અપીલ કરી હતી.