ખેડૂતોને નુકસાનમાંથી બેઠા કરવા સરકાર પ્રતિબદ્ધ, કૃષિ રાહત પેકેજમાં રૂ. 190 કરોડનો વધારો થતાં કુલ રકમ 11,137 કરોડ પર પહોંચીઃ વાઘાણી

ખેડૂતોના હિતમાં બે સંવેદનશીલ કૃષિ પેકેજ અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિ માટે રાજ્ય મંત્રી મંડળે મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 12 Nov 2025 06:27 PM (IST)Updated: Wed, 12 Nov 2025 06:27 PM (IST)
gandhinagar-news-agricultural-relief-package-worth-with-an-increase-of-rs-190-crore
HIGHLIGHTS
  • જળશક્તિ મંત્રાલયે જાહેર કરેલા છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડ્સમાં ગુજરાતે જળ સંરક્ષણ ક્ષેત્રે દ્વિતીય સ્થાન મેળવ્યું
  • સિવિલ સોસાયટી શ્રેણીમાં બનાસ ડેરીને અને ઇનસાઇડ કેમ્પસ શ્રેણીમાં IIT-ગાંધીનગરને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ વિષયો અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં તાજેતરના વરસેલા કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોને થયેલા નુકસાનમાંથી તેમને ફરી બેઠા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનશીલ અભિગમથી જાહેર કરેલા અગાઉ રૂ. 947 કરોડ અને તાજેતરમાં રૂ. 10,000 કરોડના એમ બે ઉદારતમ કૃષિ રાહત પેકેજ બદલ રાજ્ય મંત્રી મંડળે તેમને ગુજરાતના ખેડૂતો વતી અભિનંદન પાઠવીને આભાર વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત મુખ્યમંત્રીએ ઉદાર અભિગમ અપનાવીને અગાઉના રૂ. 947 કરોડના પેકેજમાં પિયત અને બિન પિયત માટે એક સમાન ધોરણે સહાય આપવાનો નિર્ણય કરતાં વધુ રૂ. 190 કરોડ ફાળવતા સહાય પેકેજની રકમ હવે રૂ. 1137 કરોડ થઈ છે. આમ સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદનો માર સહન કરેલા ધરતીપુત્રોને રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. 11,137 કરોડનું માતબર પેકેજ મુખ્યમંત્રીએ આપ્યું છે.

વધુમાં વાઘાણીએ જણાવ્યું હતું કે, જળ વ્યવસ્થાપન ક્ષેત્રે પણ ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં ઐતિહાસિક સિદ્ધિઓ મેળવી છે. ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા જાહેર કરેલા છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડ્સમાં ગુજરાતે જળ સંરક્ષણ ક્ષેત્રે દ્વિતીય સ્થાન મેળવ્યું છે.

આ ઉપરાંત શ્રેષ્ઠ સિવિલ સોસાયટી શ્રેણીમાં બનાસ ડેરીને પ્રથમ સ્થાન, શ્રેષ્ઠ ઇનસાઇડ કેમ્પસ શ્રેણીમાં IIT-ગાંધીનગરને પ્રથમ સ્થાન તેમજ શ્રેષ્ઠ અર્બન લોકલ બોડી શ્રેણીમાં ભાવનગર મહાનગરપાલિકાને દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયું છે. આ સિદ્ધિ માટે પણ રાજ્ય મંત્રી મંડળની બેઠકે અભિનંદન પાઠવ્યા હતા.