Agricultural Assistants Appointment: ગુજરાતના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં 415 યુવા કર્મયોગીઓનો નવો વર્ક ફોર્સ જોડાયો

ખેતી મદદનીશ તરીકેની લાંબી કારકિર્દીમાં યુવાઓને કાર્ય પદ્ધતિમાં વૈવિધ્યતા-ટેકનોલોજીનો ઉપયોગ અને પોતાને અપગ્રેડ કરતા રહીને અન્નદાતાને મદદરૂપ થવા મુખ્યમંત્રીનું આહવાન

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 02 Jun 2026 08:18 PM (IST)Updated: Tue, 02 Jun 2026 08:18 PM (IST)
gandhinagar-news-a-new-workforce-of-415-young-karma-yogis-joined-agricultural-assistants-appointment
HIGHLIGHTS
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેતી મદદનીશ સંવર્ગના ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કર્યા

Agricultural Assistants Appointment: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં નવી નિમણૂંક મેળવી રહેલા યુવાઓને ગાંધીનગરમાં યોજાયેલા સાદગી પૂર્ણ છતાં ગૌરવશાળી સમારોહમાં નિમણૂંક પત્રો એનાયત કર્યા હતા.

વડાપ્રધાન મોદીએ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં દેશવાસીઓને કરેલી અપિલનો પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી આ નિમણૂંક પત્ર વિતરણ અન્વયે ગાંધીનગરમાં પ્રતિક રૂપે 21 યુવાઓને નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્રતયા રાજ્યભરના 415 યુવાઓ ખેતી મદદનીશ તરીકે પસંદગી પામ્યા છે તેમને ઈ-મેઈલ દ્વારા નિમણૂંક પત્રો પહોંચાડવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારમાં નવા જોડાઈ રહેલા આ યુવા વર્કફોર્સને પ્રેરણા આપતા જણાવ્યું કે, વર્તમાન વૈશ્વિક સ્થિતિમાં આત્મનિર્ભરતા માટે ખાતરનો ઓછો ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વાળીને અનેક લોકોને સ્વાસ્થ પ્રદ જીવનનો મોટો લાભ આપવાની ઈશ્વરીય તક તમને મળી છે.

PM મોદીએ ખાતરની અછતના પરિપ્રેક્ષમાં આયાત ઘટાડવા, પ્રાકૃતિક ખેતી અપનાવવા અને કાયમી રીતે આત્મનિર્ભર થવાની જે અપિલ કરી છે તેને વધુને વધુ ખેડૂતો સુધી પહોંચાડવાનું દાયિત્વ નવનિયુક્ત યુવાઓના શિરે છે.

વધુમાં તેમણે યુવા ઉમેદવારોને આ સંવેદનાસ્પર્શી અવસરને તક તરીકે ઝડપી લેવાનું આહવાન કરતાં કહ્યું કે, તેમની લાંબી કારકિર્દીની શરૂઆતમાં જ જે સેવાતક મળી છે તેને કાર્યપદ્ધતિમાં વૈવિધ્યતા, ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ અને પોતાની જાતને સતત અપગ્રેડ કરતા રહીને ખેડૂતોને મદદરૂપ થવાની નૈતિક જવાબદારીરૂપે યુવા ઉમેદવારો સુપેરે અદા કરે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારતના નિર્માણના ચાર પિલ્લરમાંના એક પિલ્લર એવા ખેડૂતને યોગ્ય માર્ગદર્શન, મદદ અને સહાય પહોંચાડીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત-આત્મનિર્ભર ગુજરાત માટે સેવારત રહેવા નવનિયુક્ત ઉમેદવારોને અનુરોધ કર્યો હતો.

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ નવનિયુક્ત ઉમેદવારોને અભિનંદન પાઠવતા જણાવ્યું કહ્યું હતું કે, રાજ્ય સરકારની પારદર્શક નીતિને કારણે આજે યુવાનો કોઈપણ પ્રકારના વચેટિયા કે ભલામણ વગર માત્ર જાત મહેનત અને મેરિટના આધારે સરકારી સેવામાં જોડાઈ રહ્યા છે.

નવનિયુક્ત ઉમેદવારોને ‘કર્મયોગી’ તરીકે સંબોધતા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, કૃષિ ક્ષેત્ર એ સમગ્ર દેશના અર્થતંત્રનો પાયો છે અને કૃષિ વિભાગમાં જોડાવાની તક એ ખેડૂતોની સેવા માટેની ઉત્તમ તક છે.

તેમણે યુવાનોને અનુરોધ કર્યો હતો કે, રાજ્ય સરકારની વિવિધ ખેડૂત હિતલક્ષી યોજનાઓના લાભ છેવાડાના ખેડૂત સુધી પહોંચાડવા એ તમારા સૌની પ્રાથમિક જવાબદારી છે. ખેડૂત હિતના કાર્યો એ માત્ર નોકરીનો ભાગ નથી પણ એક પરોપકારનું કાર્ય છે, જેનો સંતોષ ઈશ્વરીય કાર્ય જેટલો જ મોટો છે.

કૃષિ મંત્રીએ વર્તમાન સમયની જરૂરિયાત સમજાવતા ‘ખેતી બચાઓ અભિયાન’ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, જમીનને બચાવવા માટે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો બેફામ ઉપયોગ અટકાવવો અનિવાર્ય છે. તેમણે નવનિયુક્ત કર્મયોગીઓને ખેડૂતોમાં અવેરનેસ લાવી તેમને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે કાઉન્સિલિંગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

મંત્રીએ સૌને સલાહ આપી હતી કે, નોકરીના શરૂઆતના વર્ષોમાં બદલી કે સરળતા શોધવાને બદલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફિલ્ડ વર્ક કરી અનુભવ મેળવવો જોઈએ, જે તેમને ભવિષ્યમાં એક કુશળ અને સક્ષમ અધિકારી બનાવવામાં મદદરૂપ થશે.