Indian Oil First Petrol Pump: દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઑઈલના સૌથી પહેલા પેટ્રોલ પંપની સફર પણ ખૂબ જ ગજબ છે. વર્ષ 1961માં ગુજરાતના કચ્છ જિલ્લાના એકદમ શાંત ગણાતા ઔદ્યોગિક શહેર ગણાતા અંજારમાં ઈન્ડિયન ઑઈલે પોતાના સૌ પ્રથમ રિટેલ આઉટલેટ પંપની શરૂઆત કરી હતી. આજે લગભગ 65 વર્ષો બાદ આ ઐતિહાસિક પેટ્રોલ પંપને એક નવું સ્વરૂપ આપીને દેશના પ્રથમ 'હેરિટેજ આઉટલેટ' તરીકે દેશને સમર્પિત કરવામાં આવ્યું છે.
ઈન્ડિયન ઑઈલના પ્રથમ ડીલર ભોગીલાલ ગાંધી હતા
આ ઐતિહાસિક સફરની શરૂઆત કરનાર ભોગીલાલ ગાંધી હતી. જેઓ ઈન્ડિયન ઑઈલના આ પ્રથમ પેટ્રોલ પંપ (પંપ નંબર IND 001)ના પહેલા ડીલર બન્યા હતા. 2023માં જ ઈન્ડિયન ઑઈલના પૂર્વ ચેરમેન એસ.એમ. વૈદ્યએ આ ઐતિહાસિક સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે પહેલા 'હેરિટેજ રિટેલ આઉટલેટ' અશોકકુમાર એન્ડ કંપની તરીકે તેનું ઉદ્ઘઘાટન કર્યું હતુ.
જ્યારે ઊંટલારીઓમાં 3600 લીટર ડીઝલ પહોંચાડ્યું હતુ
આ પેટ્રોલ પંપ સાથે સંકળાયેલો એક કિસ્સો ખૂબ જ રસપ્રદ છે, જે જાણીને આજની પેઢીને ચોક્કસ નવાઈ લાગશે. વર્ષ 1961માં જ્યારે આ પંપની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે કંડલા ઈન્સ્ટોલેશનથી ડીઝલની પ્રથમ ખેપ અહીં મોકલવામાં આવી હતી. જો કે તે સમયે રોડનું માળખું અને ટ્રાન્સપોર્ટ માટે આજના જેના આધુનિક વાહનોના અભાવે 3600 ડીઝલ ઊંટગાડીમાં ભરીને પેટ્રોલ પંપ સુધી પહોંચાડવામાં આવ્યું હતુ. આમ આજથી 65 વર્ષ પહેલા ઊંટલારીથી ડીઝલનો પૂરવઠો પ્રાપ્ત કરનાર આ પેટ્રોલ પંપ આજે સંપૂર્ણ બદલાઈ ગયું છે.
કચ્છી સંસ્કૃતિની ઝલક અને ટાઈમલેસ તસવીરો
આ હેરિટેજ પેટ્રોલ પંપને માત્ર એક કોમર્શિયલ હબ તરીકે જ નહીં, પરંતુ સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે પણ ઢાળવામાં આવ્યું છે. જેથી લોકો તેના ભવ્ય ઈતિહાસનો અનુભવ કરી શકે. ઈન્ડિયન ઑઈલના જણાવ્યા પ્રમાણે, આ આખા પેટ્રોલ પંપને કચ્છની પારંપારિક લિંપણ કળાથી સજાવવામાં આવ્યું છે. આ સાથે જ અહીં એક વ્યૂઈંગ ગેલેરી પણ બનાવવામાં આવી છે. જ્યાં દર્શાવેલી દુર્લભ અને ટાઈમલેસ તસવીરો થકી ઈન્ડિયન ઑઈલના 6 દાયકાથી વધુ લાંબી સફરને જીવંત બનાવે છે. એક સમયે ઊંટની મદદથી શરૂ કરવામાં આવેલ ઈન્ડિયન ઑઈલનો બિઝનેસ અત્યારે રૂ.1.96 કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતું મોટું સામ્રાજ્ય બની ચૂક્યું છે.
