Gandhinagar: દહેગામના વાસણા સોગઠી ગામમાં એકસાથે 8 અર્થી ઉઠતા શોકાતૂર વાતાવરણ, સ્વજનોના હૈયાફાટ રૂદનથી મોટું ફળિયું કંપી ઉઠ્યું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 14 Sep 2024 04:32 PM (IST)Updated: Sat, 14 Sep 2024 04:32 PM (IST)
gandhinagar-news-8-youth-died-due-to-drown-in-meshwo-river-body-taken-out-together-mourning-in-village

Gandhinagar: ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામેથી પસાર થતી મેશ્વો નદીમાં ડૂબી જવાથી ગઈકાલે 8 યુવકોના મોત નીપજ્યા હોવાનો કરુણ બનાવ બન્યો હતો. જે બાદ આજે તમામ મૃત યુવકોની એકસાથે અર્થી નીકળતા સમગ્ર ગામમાં શોકાતૂર માહોલ જોવા મળ્યો હતો.

હકીકતમાં વાસણા સોગઠી ગામના મોટા ફળિયામાં રહેતા યુવકો ગઈકાલે બપોરના સમયે ગણેશ વિસર્જન માટે ગામમાંથી પસાર થતી મેશ્વો નદીમાં ગયા હતા. જ્યાં મેશ્વો નદીના ચેકડેમમાં 9 જેટલા યુવકો ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન એક યુવકનો પગ લપસતા તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેને બચાવવા જતાં એક પછી એક 9 યુવકો ડૂબી ગયા હતા.

આ બાબતની જાણ થતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા 8 યુવકોના મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ કરીને આજે તમામ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.

આ ઘટનામાં મૃતકોની ઓળખ સોલંકી વિજયજી (ઉં.વ. 30, રહે. કપડવંજ, ખેડા), ચૌહાણ ચિરાગકુમાર (19), ચૌહાણ ધર્મેન્દ્રસિંહ (18), ચૌહાણ મુન્નાભાઈ (23), ચૌહાણ રાજુકુમાર (25), ચૌહાણ પૃથ્વી (20), ચૌહાણ યુવરાજસિંહ (17), ચૌહાણ સિદ્ધરાજસિંહ (17) તમામ રહે. વાસણા સોગઠી ગામ, તાલુકો દહેગામ તરીકે થઈ છે.

આજે વહેલી સવારથી મોટા ફળિયામાં મૃતકોના સગા-સબંધીઓ એકઠા થઈ ગયા હતા. હોસ્પિટલ દ્વારા પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા તે સાથે જ મોટા ફળિયામાં 8-8 યુવકોના મૃતદેહ જોઈને ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ હતી. જે બાદ જેવી એકસાથે 8 યુવકોની અંતિમ યાત્રા નીકળી તે સાથે જ મૃતકના પરિવારજનોના હૈયાફાટ રૂદનથી સમગ્ર વિસ્તાર કંપી ઉઠ્યો હતો.