Gandhinagar: ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ નજીકથી પસાર થતી મેશ્વો નદીમાં ડૂબેલા 9 યુવકો પૈકી 8ના મોત થયા હોવાની ઘટના સામે આવી હતી, જ્યારે એક યુવક બચી ગયો હતો. આ તમામ યુવકો ગણેશ વિસર્જન માટે આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું હતુ, પરંતુ ગ્રામજનો અને બચી ગયેલા યુવકે તેઓ ન્હાવા પડ્યા હોવાનું જણાવ્યું છે.
આ ઘટના અંગે ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ દુ:ખની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસેની મેશ્વો નદીમાં આજે નવ વ્યક્તિઓ નાહવા માટે આવ્યા હતા. જેમાંથી આઠ વ્યક્તિઓ ડૂબી ગયા હોવાના સમાચાર ગાંધીનગર જિલ્લા વહીવટની તંત્રને મળતા જ મારા સાથે પ્રાંત અધિકારી બ્રિજેશ મોડિયા અને સ્થાનિક અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
આ અંગે ગ્રામજનો સાથે વાત કરી હતી, ત્યારે માલૂમ પડ્યું હતું કે, ડૂબનારા વ્યક્તિઓ ગણેશ વિસર્જન કરવા માટે નહતા આવ્યા, પરંતુ તમામ વ્યક્તિઓ તેમની રીતે અહીં નાહવા માટે આવ્યા હતા.
તેઓ નદીએ નાહી રહ્યા હતા. આ દરમિયાન આઠ વ્યક્તિઓ ડૂબી જવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા ડૂબી ગયેલા આઠ વ્યક્તિઓના મૃતદેહો બહાર કાઢવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી. આ ઘટનામાં બચી ગયેલા વ્યક્તિના જણાવ્યા અનુસાર, તેઓ ગણેશ વિસર્જનમાં આવેલા ન હતા, પરંતુ ત્યાં આગળ નહાવા માટે આવ્યા હતા.
આ ઘટનામાં મૃતકોની ઓળખ સોલંકી વિજયજી (ઉં.વ. 30, રહે. કપડવંજ, ખેડા), ચૌહાણ ચિરાગકુમાર (19), ચૌહાણ ધર્મેન્દ્રસિંહ (18), ચૌહાણ મુન્નાભાઈ (23), ચૌહાણ રાજુકુમાર (25), ચૌહાણ પૃથ્વી (20), ચૌહાણ યુવરાજસિંહ (17), ચૌહાણ સિદ્ધરાજસિંહ (17) તમામ રહે. વાસણા સોગઠી ગામ, તાલુકો દહેગામ તરીકે થઈ છે.
