Mukhyamantri Yantrikaran Yojana: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ અને ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2026-27 માટે 'મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના' હેઠળ કૃષિ ઓજારો અને ટ્રેક્ટર સંચાલિત સાધનોની ખરીદી કરવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોની ખરીદીની સમયમર્યાદામાં વધારાના 15 દિવસની મુદત લંબાવી આપવામાં આવી છે.
આ અંગે વિગતો આપતા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ચાલુ વર્ષ 2026-27 માટે 'મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના' હેઠળ રાજ્ય સરકારે ખેડૂતો માટે રૂ. 750 કરોડથી વધુની માતબર રકમની જોગવાઈ કરી છે.
રાજ્યના તમામ ખેડૂતોને આ યોજનાનો સમાન લાભ મળે તે હેતુથી 'આઈ-ખેડૂત' પોર્ટલ પર અરજીઓ મંગાવીને પાત્રતા ધરાવતા ખેડૂતોને નિયત સમયમર્યાદામાં કૃષિ ઓજારો અને સાધનોની ખરીદી કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી.
એક સાથે અનેક ખેડૂતોની અરજીઓ મંજૂર થતાં ઓજારો અને સાધનોના ઉત્પાદકો ખેડૂતોને નિયત સમયમર્યાદામાં સાધનો પહોંચાડી શકે તેમ ન હોવાથી વિવિધ ખેડૂતો, ધારાસભ્યો, સંસદસભ્યો તેમજ અન્ય આગેવાનો તરફથી રાજ્ય સરકારને ખરીદીની સમયમર્યાદા વધારવા અંગે રજૂઆતો મળી હતી.
આ વ્યાવહારિક મુશ્કેલીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ દાખવીને મંજૂરી મેળવેલા પાત્ર ખેડૂતો માટે ખરીદીની મુદતમાં વધુ 15 દિવસનો વધારો કર્યો છે. જેથી હવે ખેડૂતોએ તેમને ખરીદી માટે આપવામાં આવેલી છેલ્લી તારીખ પછીના આગામી 15 દિવસ સુધીમાં આ કૃષિ સાધનોની ખરીદી કરવાની રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'ના આહ્વાનને ઝીલીને આપણા રાજ્યમાં પણ અનેક ઉત્પાદકો સ્વયં આત્મનિર્ભર બનીને ઉત્કૃષ્ટ કૃષિ ઓજારો બનાવી રહ્યા છે.
કૃષિ મંત્રીએ આ તમામ ઉત્પાદકોને પણ નમ્ર અપીલ કરી છે કે, તેઓ સમયસર ખેડૂતોને આ સાધનો પહોંચાડે, જેથી ખેડૂતો પોતાના ખેતરોમાં સમયસર તેનો ઉપયોગ કરી શકે. આ સાથે કૃષિ મંત્રીએ રાજ્યના તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોને સરકારની આ કલ્યાણકારી યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે.
