Nepal Flash Flood: કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયેલા ગુજરાતના 23 શ્રદ્ધાળુઓ હજુ પણ સંપર્ક વિહોણા, પરિવારો ચિંતાતુર

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડને કારણે 500થી વધુ લોકોના મોત થયા છે અને 2500 ગુમ છે. કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલા 23થી વધુ ગુજરાતી શ્રદ્ધાળુઓ હજુ પણ સંપર્કવિહોણા છે, જેનાથી તેમના પરિવારો ચિંતિત છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 29 Aug 2026 06:13 PM (IST)Updated: Sat, 29 Aug 2026 06:13 PM (IST)
nepal-flash-flood-23-gujarati-pilgrims-missing-on-kailash-mansarovar-yatra

Nepal Flash Flood Missing List: નેપાળમાં તિબેટ તરફથી આવેલા વિનાશક ફ્લેશ ફ્લડે ભારે તારાજી સર્જી છે. આ જળ પ્રલયની ઘટનાને આજે ચોથો દિવસ છે, ત્યારે અત્યાર સુધીમાં 500થી વધુ લોકોના મોત તેમજ 2500ની આસપાસ લોકો ગુમ થયા હોવાની પુષ્ટિ થઈ છે. જેમ-જેમ દિવસો વીતતા જાય છે, તેમ-તેમ મૃત્યુઆંક તેમજ ગુમ થયેલા લોકોનો આંકડો પણ વધી રહ્યો છે.

એવામાં ભયાનક પૂર અને જળપ્રલયની હોનારત બાદ કૈલાસ માનસરોવર યાત્રા અને ટ્રેકિંગ માટે ગયેલા 23થી વધુ ગુજરાતી યાત્રાળુઓ ગુમ અથવા સંપર્કવિહોણા થયા હોવાના ચિંતાજનક સમાચાર પ્રાપ્ત થયા છે.

આ અંગે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર યાદી અનુસાર, પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા આ શ્રદ્ધાળુઓમાં ગુજરાતના સ્થાનિક રહિવાસીઓ ઉપરાંત વિદેશી નાગરિકત્વ ધરાવતા ભારતીય મૂળના (NRI) ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે.

ઓસ્ટ્રેલિયાથી આવેલા મૂળ વડનગરના ભાવિન રાવલ નેપાળમાં લાપત્તા

મૂળ વડનગરના વતની અને અમદાવાદમાં રહેતા તેમજ ઓસ્ટ્રેલિયન નાગરિક્તા ધરાવતા ભાવિન રાવલ પણ પોતાના મિત્રો સાથે ગ્રુપમાં કૈલાશ માનસરોવરની યાત્રા પર જવા નીકળ્યા હતા. જો કે બુધવારે નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. જેના પગલે તેમના પરિવારજનો ચિંતાતૂર બન્યા છે.

નેપાળમાં પૂર હોનારત બાદ ગુમ થયેલા અન્ય શ્રદ્ધાળુઓ

અશોક કાપડી: અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા અશોકભાઈ સાથે છેલ્લે ચાઈના બોર્ડર ઈમિગ્રેશન સેન્ટર નજીક પહોંચતી વખતે સવારે સાડા 8 વાગ્યાની આસપાસ સંપર્ક થયો હતો, જે બાદ તેઓ સંપર્કવિહોણા છે.

કિન્નરી પટેલ અને મિહિર પટેલ: અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા અને ન્યુઝીલેન્ડનું નાગરિકત્વ ધરાવતું આ દંપતી રિચા ટૂર્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કૈલાસ માનસરોવર યાત્રાએ ગયું હતું. જો કે 23 ઓગસ્ટ બાદથી તેમનો કોઈ પતો નથી.

અમિતા અમીન, તેજલ પટેલ અને જિતેન્દ્ર પટેલ: ગાંધીનગરના આ ત્રણેય અમેરિકન નાગરિકો 'નેપાળ ટ્રેકિંગ પ્લાનર' સાથે પ્રવાસે ગયા હતા. જેઓ બાગમતી નદી તથા ફ્રેન્ડશિપ બ્રિજ નજીકથી સંપર્કવિહોણા બન્યા છે.

બીના પરીખ: અમદાવાદના ઉસ્માનપુરામાં રહેતા અને અમેરિકન સિટીઝનશિપ ધરાવતા બીનાબેન સાથે છેલ્લો 24 ઓગસ્ટે વ્હોટ્સએપ દ્વારા થયો હતો અને તેઓ ભોટે કોશી નદી નજીકના રૂટ પર હોવાની આશંકા છે.

પૂનમ ઠક્કર: અમદાવાદના વતની અને USA-કેનેડાની બેવડી નાગરિકતા ધરાવતા પૂનમબેન સાથે છેલ્લો સંપર્ક 26 ઓગસ્ટ 2026ના રોજ સવારે હિમાલયન ગ્લેશિયર ટૂર દરમિયાન રસૂવાગઢી બોર્ડર નજીક 'હોટેલ કૈલાશ' ખાતે થયો હતો.

વિમલકુમાર અને જૈમિના પટેલ: આણંદના વિદ્યાનગર રોડના વતની અને અમેરિકન નાગરિકત્વ ધરાવતું આ દંપતી કૈલાસ માનસરોવર યાત્રા દરમિયાન 16 ઓગસ્ટ 2026ના પ્રવાસ બાદથી ગુમ છે.

પદ્માબેન જગદીશભાઈ પટેલ અને જગદીશભાઈ ઉમેશભાઈ પટેલ: ખંભાતના જાલુન્દ ગામના વતની અને કેનેડિયન નાગરિકત્વ ધરાવતા આ શ્રદ્ધાળુઓ સાથે છેલ્લે 25 ઓગસ્ટ 2026ના રોજ સંપર્ક થયો હતો, જે બાદ તેઓ સંપર્ક વિહોણા છે.

શિલ્પાબેન પટેલ: પેટલાદના ધર્મજ ગામના વતની અને યુએસ નાગરિક એવા શિલ્પાબેન દિલ્હીથી નેપાળ પ્રવાસે ગયા હતા. જેઓ 25 ઓગસ્ટની સાંજથી સંપર્કવિહોણા છે.

ઉમેશ પટેલ, આકાંક્ષા પટેલ અને ઈશાન પટેલ: નડિયાદના રહેવાસી અને કેનેડિયન તથા અમેરિકન નાગરિકત્વ ધરાવતા આ પરિવારના ત્રણેય સભ્યો દિલ્હીથી નેપાળ ફ્લાઈટ દ્વારા ગયા હતા. જેઓ 25 ઓગસ્ટથી સંપર્ક વિહોણા છે.


વલસાડના રોમાબેન અને અમરેલીના ગોમતીદાસ બાપુ હેમખેમ

નેપાળ પૂરને પગલે ચિંતા અને આશંકાની આ પળો વચ્ચે રાહત આપનારા સમાચાર પણ આવ્યા છે. વલસાડના વતની રોમાબેન ઈંટવાલા હાલ નેપાળમાં સુરક્ષિત હોવાની પુષ્ટિ વલસાડના મામલતદાર દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત અમરેલીના જાફરાબાદના વતની અને ખંઢેરી હનુમાન મંદિરના મહંત ગોમતીદાસ બાપુ પણ હાલ સુરક્ષિત છે.

ગઈકાલે જ ગોમતીદાસ બાપુની તેમના સેવક સાથે વાતચીત થઈ હતી. જેમાં ગોમતીદાસ બાપુએ પોતે નેપાળના જનકપુરમાં આવેલા એક આશ્રમમાં સુરક્ષિત હોવાનું જણાવ્યું હતુ. તેમણે 6 સપ્ટેમ્બરના રોજ અયોધ્યા જવા માટે ટ્રેનનું બુકિંગ પણ કરાવી દીધુ હોવાનું માલૂમ પડ્યું છે.