સુરતની શર્મશાર ઘટનાઃ 'ગુડ ટચ-બેડ ટચ'ના સેશનમાં ખુલાસો, વેકેશનમાં માતા પાસે ઉધના આવેલી બે માસૂમ બહેનો પર દુષ્કર્મ ગુજારનાર આધેડ કોન્ટ્રાક્ટર ઝડપાયો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 29 Aug 2026 05:20 PM (IST)Updated: Sat, 29 Aug 2026 05:20 PM (IST)
surat-news-56-year-old-contractor-arrested-for-assaulting-minor-sisters-after-good-touch-bad-touch-session-disclosure

Surat Crime News: મહારાષ્ટ્રના નંદુરબારથી પોતાની વિધવા માતા સાથે મજૂરી કરવા માટે ઉધના વિસ્તારમાં આવેલી બે સગીર બહેનો પર આધેડ બાંધકામ કોન્ટ્રાક્ટરે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

નંદુરબારની આશ્રમ શાળામાં યોજાયેલા 'ગુડ ટચ અને બેડ ટચ'ના સેમિનારમાં બન્ને બહેનોએ પોતાની આપવીતી જણાવતા આખરે સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચ્યો હતો. આ મામલે બાળકીઓની માતાએ નંદુરબાર પોલીસ મથકમાં ઝીરો નંબર પરથી ફરિયાદ નોંધાવ્યા બાદ તેને ઉધના ટ્રાન્સફર કરવામાં આવી છે. જેના પગલે પોલીસે આરોપી લેબર કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મહારાષ્ટ્રના નંદુરબારની એક આશ્રમ શાળામાં અભ્યાસ કરતી 11 અને 14 વર્ષની બે સગી બહેનોના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે. જ્યારે તેમની માતા પરિવારનું ગુજરાન ચલાવવા માટે સુરતના ઉધના વિસ્તારમાં રહી બાંધકામની સાઈટો પર મજૂરી કામ કરે છે.

ગત મે મહિનામાં ઉનાળું વેકેશનમાં માતા પોતાની બન્ને બાળકીઓને લઈને ઉધના સાઈટ પર લઈને આવી હતી. જો કે સ્કૂલો શરૂ થતાં બન્ને બાળકીઓ પાછી નંદુરબાર જતી રહી હતી.

'ગુડ ટચ અને બેડ ટચ'ના સેમિનાર દરમિયાન બાળકીએ ઉભી થઈ ભાંડો ફોડ્યો

ગત 25 ઓગસ્ટના રોજ નંદુરબારની આશ્રમશાળામાં બાળકોમાં જાગૃતિ માટે 'ગુડ ટચ અને બેડ ટચ' અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યાં આશ્રમશાળાના અધિક્ષક બેડ ટચ કોને કહેવાય તે વિશે સમજાવતા હતા, ત્યારે 11 વર્ષની બાળકી ઉભી થઈ ગઈ હતી. બાળકીએ વેકેશનમાં માતા સાથે સુરત ગઈ, ત્યારે ત્યાંના લેબર કોન્ટ્રાક્ટર પીરીયા વળવીએ પોતાની સાથે બળજબરીથી શરીર સબંધ બાંધ્યા બાદ કોઈને ના કહેવા માટે ધમકી આપી હોવાનું જણાવ્યું હતુ.

આથી આશ્રમ શાળાના અધિક્ષકે બાળકીની માતાને બોલાવીને વાત કરી હતી. જ્યાં માતાએ બાળકીને પૂછતા આ સમયગાળામાં 14 વર્ષની મોટી બહેન સાથે પણ કોન્ટ્રાક્ટરે શરીર સબંધ બાંધ્યા હોવાનું જણાવ્યું હતુ. આથી મોટી દીકરીને પૂછતા તેણે પણ પોતાના પર દુષ્કર્મ થયું હોવાનું જણાવતા માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

આખરે માતાએ નંદુરબાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે ગુનો સુરતના ઉધના વિસ્તારમાં બન્યો હોવાથી નંદુરબાર પોલીસે ફરિયાદ ટ્રાન્સફર કરી દીધી હતી. જેના આધારે ઉધના પોલીસે લેબર કોન્ટ્રાક્ટર પિરીયા વળવી (ઉં.વ.56, રહે. ઉધના, મૂળ વતનઃ મોગરાળી ગામ, નંદુરબાર, મહારાષ્ટ્ર)ની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં આધેડ આરોપી પોતે પણ પરિણીત હોવાનો તેમજ તેને 3 સંતાનો હોવાનું સામે આવ્યું છે.