Surat: ચાલુ ટ્રેનમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરીનો પર્દાફાશ, જાગૃત મુસાફરોએ જાતે જ કોચમાં સર્ચ ઑપરેશન કરી જથ્થો ઝડપી પાડ્યો

બાન્દ્રાથી ભુજ જતી ટ્રેનમાં મુસાફરોએ દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો, જેમાં 3 આરોપી ઝડપાયા. સુરત સ્ટેશને RPF અને GRPએ દારૂનો જથ્થો જપ્ત કરી 5 FIR નોંધી તપાસ શરૂ કરી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 29 Aug 2026 03:56 PM (IST)Updated: Sat, 29 Aug 2026 03:56 PM (IST)
surat-news-passengers-catch-illegal-alcohol-consignment-on-running-train

Surat Train Liquor Seizure: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટના હજુ શમી નથી ત્યાં ટ્રેનમાં દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું છે. બાન્દ્રાથી ભુજ જઈ રહેલી ટ્રેનના કોચમાં મુસાફરોએ દારૂની પેટીઓ ઝડપી પાડી હતી. આ મામલે રેલવે પોલીસ મથકે કુલ 5 અલગ-અલગ FIR દાખલ કરવામાં આવી છે. મુસાફરોની સતર્કતાથી 3 આરોપી ઝડપાઈ ગયા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, બાન્દ્રા ટર્મિનસથી ભુજ જઈ રહેલી ટ્રેન નંબર 09037 સુપરફાસ્ટ સ્પેશિયલના થર્ડ એસી (3 AC) કોચમાં દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું છે. ટ્રેન જયારે વાપી સ્ટેશનથી રવાના થઇ ત્યારબાદ ટ્રેનમાં રહેલા મુસાફરોને ત્યાં ઘણા સમયથી રહેલી બિન વારસી બેગો પર ધ્યાન ગયું હતું. આ બેગો શંકાસ્પદ લાગતા તેમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો તેમજ બીયરના ટીન મળી આવ્યા હતા.

ટ્રેનમાં દારૂની ખેપ મળી હોવાની ઘટનાને પગલે મુસાફરોએ જાતે જ આખા કોચમાં સર્ચ ઓપરેશન શરુ કરી દીધું હતું અને એક પછી એક સીટ નીચે અને ખૂણાઓમાં છુપાવેલી 10થી વધુ પેટીઓ, થેલીઓ અને પ્લાસ્ટિકની કોથળીઓ બહાર કાઢવામાં આવી હતી.

મુસાફરોએ આ સમગ્ર જથ્થો કોચના ટોઇલેટ પાસે અને વેસ્ટિબ્યુલ વિસ્તારમાં એકઠો કર્યો હતો. થોડી જ વારમાં ત્યાં દારૂનો મોટો ઢગલો થઈ ગયો હતો અને મુસાફરોએ તાત્કાલિક ટ્રેનના TTEને જાણ કરી રેલવે સુરક્ષા સામે રોષ વ્યક્ત કર્યો હતો.

બીજી તરફ કોચમાં રહેલા 3 ઈસમોએ ભાગવાનો પ્રયાસ કરતા તેઓને લોકોએ ઝડપી પાડ્યા હતા, જયારે બે ઈસમો ભીડ અને હોબાળાનો લાભ લઈને ત્યાંથી નાસી છૂટયા હતા. જ્યારે ટ્રેન સુરત સ્ટેશન પર પહોચતા જ RPF અને GRPનો મોટો કાફલો પ્લેટફોર્મ પર દોડી આવ્યો હતો. મુસાફરોએ પકડી રાખેલા ત્રણેય શંકાસ્પદ બુટલેગરો અને ટોઇલેટ પાસે ખડકાયેલો દારૂનો જથ્થો પોલીસને સોંપ્યો હતો.

હાલ આ સમગ્ર મામલે પોલીસે ૫ બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુના નોંધી તપાસ હાથ ધરી છે અને પોલીસે સ્થળ પરથી 3 મોટી ટ્રાવેલ બેગ અને 6 જેટલા પ્લાસ્ટિક પાર્સલ કબજે કર્યા હતા.