Gandhinagar: ગાંધીનગરના ચિલોડા નજીક ધણપ ગામની એક હોટલમાં હત્યાની ઘટના સામે આવી છે. જેમાં પ્રેમીએ પોતાની પ્રેમિકાનું ગળું કાપીને પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનામાં મધ્ય પ્રદેશથી ભાગીને ગુજરાત આવેલા પ્રેમી પંખીડાના પ્રેમપ્રકરણનો કરુણ અંત આવ્યો છે.
મધ્ય પ્રદેશની પોલીસ અને યુવતીના માતા-પિતા ગાંધીનગર આવ્યા
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મધ્ય પ્રદેશના રજની ધાકડ (21) અને સંતોષ જાટવ (24) વચ્ચે પ્રેમસબંધ હતો. આ પ્રેમી પંખીડા પોતાના ઘરેથી ભાગીને ગુજરાત આવી ગયા હતા. આ મામલે યુવતીના પરિવારજનો દ્વારા મધ્ય પ્રદેશમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી પ્રેમી પંખીડા ઘરેથી ભાગીને રાજકોટમાં છૂપાયા હોવાની જાણ થઈ હતી.
આથી મધ્ય પ્રદેશ પોલીસની સાથે યુવતીના માતા-પિતા ગુજરાત આવ્યા હતા અને પ્રેમી યુગલને કસ્ટડીમાં લીધા હતા. રાજકોટથી પ્રેમી યુગલ સહિત પોલીસની ટીમનો કાફલો મધ્ય પ્રદેશ જવા રવાના થયો હતો. જો કે મોડી રાત થઈ જતાં ધણપ ગામની હોટલમાં રોકાઈ ગયા હતા.
જાલીમ જમાનો એક નહીં થવા દે તે બીકે ખૂની ખેલ ખેલ્યો
મોડી રાતે પ્રેમિકા પોતાના પ્રેમીના ખોળામાં માથું મૂકીને સૂઈ રહી હતી. આ સમયે જ યુવકને પોતાની પ્રેમિકા ગુમાવવાનો ડર પેસી ગયો હતો. આથી પ્રેમીએ આવેશમાં આવીને તિક્ષ્ણ હથિયાર વડે ખોળામાં સૂતેલી પ્રેમિકાનું માથું ધડથી અલગ કરી દીધુ હતુ.પ્રેમિકાની હત્યા બાદ પ્રેમીએ એજ હથિયાર વડે પોતાનું પણ ગળું કાપીને જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટનાની જાણ થતાં ચિલોડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાંથી પોલીસે ઘાયલ પ્રેમીને રક્તરંજિત હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પ્રેમિકાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
