Mahavirsinh Sindhav Death: અમદાવાદના બોપલ વિસ્તારમાં માથાભારે મહાવીરસિંહ સિંધવના મોતના મામલામાં દરરોજ નવા વળાંકો આવી રહ્યા છે. શરૂઆતમાં આ ઘટનાને પોલીસથી બચવા માટે ચોથા માળેથી લગાવેલો કૂદકો ગણવામાં આવતી હતી, પરંતુ હવે તેમના વકીલ અને મિત્રો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોએ સમગ્ર કેસને શંકાના દાયરામાં લાવી દીધો છે.
પોલીસની ભૂમિકાથી લઈને ઘટનાસ્થળની સ્થિતિ સુધીના અનેક મુદ્દાઓ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, જેના કારણે આ આકસ્મિક મોત છે કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.
ઘટનાની પૃષ્ઠભૂમિ અને પોલીસની થિયરી
મૂળ સુરેન્દ્રનગરના ચોકડી ગામના વતની મહાવીરસિંહ સિંધવ બોપલના 'અક્ષર લક્ઝ્યુરિયા' ફ્લેટમાં રહેતો હતો. 8 જૂનની રાત્રે પાડોશી સાથે થયેલી માથાકૂટ બાદ પોલીસની 112 નંબરની PCR વાન ત્યાં પહોંચી હતી. પોલીસના જણાવ્યા મુજબ, પોલીસને જોઈને પકડાઈ જવાના ડરે મહાવીરસિંહે ચોથા માળે રસોડાની બારીમાંથી કૂદવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં લપસી પડતા નીચે પટકાવાથી તેમનું મોત નિપજ્યું હતું.
મહાવીરસિંહ પોલીસથી ડરે તેવો માણસ જ નહતોઃ વકીલ
મહાવીરસિંહના મિત્ર અને વકીલ કશ્યપ શુક્લએ આ થિયરી સામે વાંધો ઉઠાવતા જણાવ્યું કે, મહાવીરસિંહ એક 'એક્સ આર્મીમેન' હતા અને તેમના પર અગાઉ ગુજસીટોક જેવા ગંભીર ગુના નોંધાયેલા હોવા છતાં તેઓ ક્યારેય પોલીસથી ડર્યા નહોતા.
માત્ર પાડોશી સાથેના સામાન્ય ઝઘડામાં પોલીસ પકડવા આવે અને તેનાથી ડરીને આર્મીનો જવાન કૂદકો મારે તે વાત ગળે ઉતરતી નથી. રસોડામાં લાગેલી કબૂતરની જાળી જે રીતે ખુલેલી હતી તે શંકાસ્પદ છે; કટોકટીના સમયે કોઈ વ્યક્તિ જાળી ખોલવા ન બેસે પણ તેને તોડી નાખે.
ઘટનાસ્થળ પર લોહીનો ડાઘ કેમ નહીં?
તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, જ્યાં મહાવીરસિંહ પટકાયા હતા ત્યાં લોહીનો એક પણ ડાઘ જોવા મળ્યો નહોતો. વકીલે સવાલ કર્યો છે કે ચોથા માળેથી પડ્યા પછી પણ જો ત્યાં લોહી ન હોય, તો શું તે જગ્યા ધોઈ નાખવામાં આવી હતી? જો હા, તો કોણે અને શા માટે ધોઈ?
આ ઉપરાંત ઘટનાસ્થળની નજીક જ હોસ્પિટલ હોવા છતાં પોલીસ તેમને 5 મિનિટના અંતરે આવેલી હોસ્પિટલને બદલે સીધી સોલા સિવિલ હોસ્પિટલ કેમ લઈ ગઈ, તે પણ એક મોટો પ્રશ્ન છે.
ફ્લેટમાં હાજર યુવતી અને ગાયબ મિત્રની ભૂમિકા પર શંકા
તપાસમાં વધુ એક ખુલાસો થયો છે કે, મહાવીરસિંહના ફ્લેટમાં એક યુવતી પણ રહેતી હતી. આ યુવતી મહાવીરસિંહની મિત્ર હતી અને તેનું ઘર ખાલી કરવાનું હોવાથી તે થોડા દિવસો માટે અહીં રહેવા આવી હતી. જે રાત્રે આ ઘટના બની ત્યારે ફ્લેટમાં ભોલો અને જીગ્નેશ ભટ્ટી નામના બે મિત્રો પણ હાજર હતા. જે પૈકી ભોલો પોલીસ સમક્ષ હાજર છે, પરંતુ જીગ્નેશ ભટ્ટી ઘટના બાદથી જ ગાયબ છે અને તેનો કોઈ સંપર્ક થઈ રહ્યો નથી. વકીલે આ ગાયબ મિત્રની ભૂમિકા પર પણ શંકા વ્યક્ત કરી છે.
ઝઘડાનું સાચું કારણ અને પોલીસની કામગીરી
વકીલે દાવો કર્યો છે કે પાડોશી સાથેનો ઝઘડો એ યુવતીની છેડતીને કારણે થયો હતો. પાડોશમાં રહેતા એક યુવાને મહાવીરસિંહની મહિલા મિત્રનો હાથ પકડ્યો હોવાથી મહાવીરસિંહે તેની સાથે મારામારી કરી હતી. વધુમાં, મહાવીરસિંહના પડ્યા પછી પોલીસે પંચોની હાજરી વગર ઘરના કબાટ અને તિજોરીઓ કેમ તોડી તે સામે પણ વકીલે રોષ વ્યક્ત કર્યો છે.
હાલમાં પરિવાર અને વકીલ આ ઘટનાને પ્રાથમિક દ્રષ્ટિએ આકસ્મિક ગણતા હોવા છતાં, મનમાં રહેલી શંકાઓને કારણે પૂરતી તપાસની માંગ કરી રહ્યા છે. સીસીટીવી ફૂટેજની તપાસ અને ગાયબ મિત્રની પૂછપરછ બાદ જ આ આખા કેસનું સત્ય બહાર આવશે તેવું મનાઈ રહ્યું છે.
