Mahavirsinh Sindhav Death CCTV: ગત 8 જૂનની મોડી રાતે શહેરના બોપલ વિસ્તારમાં આવેલા 'અક્ષર લક્ઝ્યુરિયા' ફ્લેટના ચોથા માળેથી નીચે પટકાયેલા કુખ્યાત મહાવીર સિંધવનું ગંભીર ઈજા થવાના કારણે મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જેનું નામ જોડાયેલું હતુ તે માથાભારે મહાવીરસિંહ સિંધવ થોડા દિવસ પહેલા જ બોપલના અક્ષર લક્ઝુરિયા ફ્લેટમાં ભાડેથી રહેવા માટે આવ્યો હતો.
ગત 8 જૂનની મોડી રાતે મહાવીરસિંહે દારૂના નશામાં ધૂત થઈને ફ્લેટમાં હોબાળો મચાવ્યો હતો. આથી ફ્લેટના રહીશો ટપારવા જતાં મહાવીરસિંહે મારમારી કરી દીધી હતી. જે બાદ ફ્લેટના રહીશોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને જાણ કરી હતી.
બોપલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો
કંટ્રોલ રૂમમાંથી ફોન આવતા સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક અક્ષર લક્ઝુરિયા ફ્લેટમાં પહોંચ્યો હતો. પોલીસ આવી હોવાની જાણ થતાં ચિક્કાર પીધેલ મહાવીરસિંહ બચવા માટે ભાગ્યો હતો. આ દરમિયાન મહાવીરસિંહે સંતુલન ગુમાવતા તે ચોથા માળની બાલ્કનીમાંથી નીચે પટકાયો હતો. જેમાં ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતુ.
બોપલના 'અક્ષર લક્ઝ્યુરિયા' ફ્લેટના ચોથા માળેથી પટકાઈને મોતને ભેટેલા માથાભારે મહાવીરસિંહના CCTV ફૂટેજ સામે આવ્યા pic.twitter.com/XnVr1wGWto
— Gujarati Jagran (@gujaratijagran) June 11, 2026
આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. જેમાં વહેલી પરોઢના 3:39 કલાકે ફ્લેટનો બંધ ગેટ જોવા મળી રહ્યો છે. જ્યારે ગેટની બહાર પોલીસની PCR વાન ઉભી રહેલી જોઈ શકાય છે. આ સમયે અચાનક ઉપરથી મહાવીરસિંહ ધડામ કરતો નીચે પટકાય છે.
પોલીસનું કહેવું છે કે, મહાવીરસિંહ એની જાતે જ પડી જતાં મોતને ભેટ્યો છે. જેના પગલે હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મૂળ સુરેન્દ્રનગરના ચુડાનો વતની મહાવીરસિંહ ઈસ્કોન સર્કલ નજીક સ્પા સાથે સંકળાયેલો હતો. તેમજ મહાવીરસિંહ વિરુદ્ધ ગુજસીટોક, મારામારી અને ડ્રગ્સ સહિત 6 જેટલા ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે.
