અમદાવાદવાસીઓ માટે સારા સમાચાર: 800 સ્માર્ટ AMTS બસ સ્ટોપ બનશે, ઘરે બેઠા જાણી શકશો બસનો સમય

GPS આધારિત રિયલ-ટાઇમ ETA ડિસ્પ્લે, રૂટ મેપ, LED લાઇટિંગ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે. મેટ્રો, BRTS અને AMTS માટે સિંગલ વિન્ડો ટિકિટ સિસ્ટમ વિકસાવવાશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 23 Nov 2026 03:06 PM (IST)Updated: Mon, 23 Nov 2026 03:06 PM (IST)
ahmedabad-smart-bus-stops-800-hightech-shelters-with-gps-tracking

Ahmedabad Smart Bus Stops: 'કોમનવેલ્થ ગેમ્સ-2030' તેમજ 'અમદાવાદ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-2029' જેવા આંતરરાષ્ટ્રીય રમતગમતના આયોજનોની યજમાનીને ધ્યાનમાં રાખીને અમદાવાદના શહેરી માળખાકીય સુવિધાઓને વધુ સુવ્યવસ્થિત, આધુનિક અને ભવિષ્યલક્ષી બનાવવાની દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પહેલ કરવામાં આવી રહી છે. આ દિશામાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુવિધાજનક અને આધુનિક બનાવવા AMTSના કુલ અંદાજે 800 મુખ્ય બસ સ્ટોપને સ્માર્ટ બસ સ્ટોપ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી અઢીથી ત્રણ વર્ષમાં આ તમામ બસ સ્ટોપનું આધુનિકીકરણ કરવામાં આવશે. ભવિષ્યમાં જરૂરિયાત જણાય તો વધારાના બસ સ્ટોપને પણ સ્માર્ટ બસ સ્ટોપ તરીકે વિકસાવવામાં આવશે. મોબાઇલ એપ દ્વારા ઘરે બેઠા બસના આગમનનો સમય જાણી શકાશે અને રિઝર્વેશનની સુવિધા મળશે.

અમદાવાદ શહેરમાં હાલના અનેક બસ સ્ટોપ જૂના થઈ ગયા હોવાથી મુસાફરોને વધુ સુરક્ષિત, આરામદાયક અને સુવિધાજનક અનુભવ મળી રહે તે આ પહેલનો મુખ્ય હેતુ છે. શહેરના જાહેર પરિવહનના માળખાને આધુનિક બનાવવા સાથે ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ સુવિધાઓ વિકસાવવાનું પણ આ પ્રોજેક્ટનું લાંબા ગાળાનું વિઝન છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત વિકસાવવામાં આવનારા દરેક સ્માર્ટ બસ શેલ્ટરમાં મુસાફરોની સુવિધા માટે ETA (Estimated Time of Arrival) ડિસ્પ્લે, રૂટ મેપ, સેન્સરથી સંચાલિત LED લાઇટિંગ અને બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત પસંદગીના બસ શેલ્ટર પર મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ અને Wi-Fiની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. મુસાફરોની સુવિધા અને સુગમતા માટે બસ સ્ટેન્ડ પર ચા-કોફી જેવી રિફ્રેશમેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. બસ સ્ટોપ પર વરસાદી પાણીના નિકાલ તેમજ મુસાફરોની સરળ અવરજવર માટે યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવશે.

GPS આધારિત રિયલ-ટાઇમ માહિતી અને મોબાઇલ એપની સુવિધા

મુસાફરોને બસના રૂટ, જ્યાં જવું હોય તે સ્થળ અને બસના સમયની માહિતી સરળતાથી મળી રહે તે માટે બસ સ્ટોપ પર રૂટ મેપ, બસ સમયપત્રક અને GPS આધારિત સિસ્ટમ સાથે જોડાયેલા રિયલ-ટાઇમ ETA ડિસ્પ્લે બોર્ડ લગાવવામાં આવશે. આ ડિસ્પ્લે પર બસના આગમનના અંદાજિત સમય અને બસ સેવાની રિયલ-ટાઇમ માહિતી દર્શાવવામાં આવશે. LED ડિસ્પ્લે પેનલ અને GPS આધારિત સ્માર્ટ ટેક્નોલોજીના ઉપયોગથી મુસાફરોને બસના આગમનનો સમય અને રૂટની માહિતી સરળતાથી તથા સમયસર મળી રહેશે.

આ ઉપરાંત મુસાફરોની સુવિધા માટે મોબાઇલ એપ્લિકેશન વિકસાવવાનું પણ આયોજન છે. આ એપના માધ્યમથી નાગરિકો ઘરે બેઠાં જ બસ ક્યાં છે, તેમના બસ સ્ટોપ પર બસ કેટલા સમયમાં પહોંચશે અને બસના આગમનનો અંદાજિત સમય જાણી શકશે. સાથે જ ઘરે બેઠા બસ રિઝર્વેશન કરવાની સુવિધા પણ વિકસાવવાનું આયોજન છે. આ ડિજિટલ વ્યવસ્થાના અમલીકરણથી મુસાફરોને મુસાફરીનું અગાઉથી આયોજન કરવામાં સરળતા રહેશે અને બસ સ્ટોપ પર બિનજરૂરી રાહ જોવાનો સમય ઘટાડી શકાશે.

મેટ્રો, BRTS અને AMTS માટે સિંગલ વિન્ડો ટિકિટ સિસ્ટમ

શહેરની જાહેર પરિવહન સેવાઓ વચ્ચે કનેક્ટિવિટી અને મુસાફરોની સુવિધા વધારવા મેટ્રો, BRTS અને AMTS માટે સિંગલ વિન્ડો ટિકિટ સિસ્ટમ વિકસાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલમાં મુસાફરોને આ ત્રણેય પરિવહન સેવાઓ માટે અલગ-અલગ ટિકિટ લેવી પડે છે. પ્રસ્તાવિત સિંગલ વિન્ડો વ્યવસ્થા અમલી બન્યા બાદ એક જ સ્થળેથી મેળવેલી ટિકિટનો ઉપયોગ મેટ્રો, BRTS અને AMTSની મુસાફરી માટે કરી શકાય તેવી સુવિધા વિકસાવવાનો હેતુ છે. આથી મુસાફરોને પરિવહનનાં વિવિધ માધ્યમો વચ્ચે સરળતાથી અવરજવર કરવામાં મદદ મળશે અને જાહેર પરિવહન વ્યવસ્થાનો ઉપયોગ વધુ સુવિધાજનક બનશે.

શહેરના વિવિધ વિસ્તારોમાં સ્માર્ટ બસ સ્ટોપનું આયોજન

આ પ્રોજેક્ટના આયોજન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં સ્માર્ટ બસ સ્ટોપ વિકસાવવા માટે સ્થળોની પસંદગી કરવામાં આવી રહી છે. હાલમાં પ્રાયોગિક ધોરણે પશ્ચિમ અમદાવાદમાં સિંધુભવન રોડ, સીમા હોલ નજીક આનંદનગર, સી.જી. રોડ, શુકન મોલ (સાયન્સ સિટી) અને ટીવી ટાવર સહિતના સ્થળોએ જ્યારે પૂર્વ અમદાવાદમાં પણ ચાર સ્થળોએ સ્માર્ટ બસ સ્ટોપ લગાવવામાં આવ્યા છે. આ સ્થળોએ મળેલા અનુભવ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શહેરના અન્ય વિસ્તારોમાં પણ સ્માર્ટ બસ સ્ટોપનું નિર્માણ કરવામાં આવશે.

મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે સુલભ વ્યવસ્થા

મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મુસાફરો સહિત તમામ નાગરિકો માટે બસ સ્ટોપ વધુ સુલભ બને તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. આ અંતર્ગત રેમ્પ, ટેક્સ્ચર પેવિંગ અને વ્હીલચેર માટે અનુકૂળ જગ્યા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે, જેથી તમામ વર્ગના મુસાફરો જાહેર પરિવહન સેવાનો સરળતાથી ઉપયોગ કરી શકે.

અમદાવાદની આબોહવા અને સ્થાનિક હવામાનની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સ્માર્ટ બસ સ્ટોપની ડિઝાઇન તૈયાર કરવામાં આવશે. ઉનાળાની ભારે ગરમી અને ચોમાસાના વરસાદ દરમિયાન મુસાફરોને આરામદાયક અનુભવ મળે તે માટે મજબૂત છત, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા તેમજ હવામાનની અસર સામે ટકી શકે તેવી ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે.

ફર્સ્ટ માઇલ અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી વધુ સુદૃઢ બનાવાશે

જાહેર પરિવહનની કનેક્ટિવિટી વધુ સુદૃઢ બનાવવા AMTS દ્વારા આધુનિક બસ સ્ટોપની સાથે ફીડર સેવાઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ફર્સ્ટ માઇલ અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી મજબૂત બને તે માટે વધારાની બસો અને નવા રૂટનું આયોજન કરવામાં આવશે. જેના પરિણામે અમદાવાદના નાગરિકોને મુખ્ય બજારો, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, મેટ્રો સ્ટેશનો સહિતનાં મહત્ત્વનાં સ્થળો સુધી પહોંચવામાં વધુ સરળતા રહેશે.

BOT ધોરણે અમલી બનશે પ્રોજેક્ટ; AMTSનું સીધુ મૂડીરોકાણ નહીં

આ સમગ્ર પ્રોજેક્ટ BOT (Build, Operate and Transfer) ધોરણે અમલી બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટમાં AMTS દ્વારા કોઈ સીધું મૂડીરોકાણ કરવામાં આવશે નહીં. પ્રોજેક્ટ અંતર્ગત કોન્ટ્રાક્ટરે તમામ બસ સ્ટોપના સંચાલન, સ્વચ્છતા, જાળવણી અને સુવિધાઓની ગુણવત્તા જાળવવાની રહેશે. આ કામગીરી નિર્ધારિત સર્વિસ લેવલ એગ્રીમેન્ટ્સ (SLA) એટલે કે સેવા સ્તરના કરાર અનુસાર કરવાની રહેશે, જેથી લાંબા ગાળા સુધી બસ સ્ટોપની સુવિધાઓ અને ગુણવત્તા જળવાઈ રહે.

આ સમગ્ર પહેલથી અમદાવાદના સૌ નાગરિકો તેમજ ઔડા વિસ્તારના 7 લાખથી વધુ લોકોને આધુનિક, આરામદાયક અને સુવિધાજનક જાહેર પરિવહનનો લાભ મળવાની અપેક્ષા છે. આગામી અઢીથી ત્રણ વર્ષમાં કુલ અંદાજે 800 મુખ્ય બસ સ્ટોપનું આધુનિકીકરણ કરવામાં આવશે. ત્યારબાદ જરૂરિયાત અને મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને વધારાના બસ સ્ટોપનું પણ તબક્કાવાર આધુનિકીકરણ કરી શકાશે.

આગામી સમયમાં સ્માર્ટ સુવિધાઓ, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ ટેક્નોલોજીનો સમાવેશ કરીને અમદાવાદની જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત, ટકાઉ અને નાગરિકલક્ષી બનાવવાનું આયોજન છે. આ પહેલથી આંતરરાષ્ટ્રીય રમતગમતના આયોજનોની યજમાની માટે શહેરના માળખાકીય વિકાસની સાથે-સાથે અમદાવાદના નાગરિકોને લાંબા ગાળા સુધી આધુનિક જાહેર પરિવહન સુવિધાઓનો લાભ મળી શકશે.