Gandhinagar: કલોલ હાઈવે પર ટ્રાફિકમાં ફસાતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અકળાયા, સીધા DySp કચેરીએ પહોંચી સ્ટાફનો ઉધડો લીધો

મહેસાણા હાઈવે પર કલોલ નજીક ડ્રેનેજ લાઈનના કામકાજને લઈને સઈજથી લઈને શેરથા સુધી લાંબી વાહનોની કતાર લાગી ગઈ હતી. આ સમયે ત્યાં કોઈ પોલીસ જવાન ના દેખાતા નીતિન પટેલે પિત્તો ગુમાવ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 24 Jun 2026 06:32 PM (IST)Updated: Wed, 24 Jun 2026 06:32 PM (IST)
gandhinagar-gujarat-former-deputy-cm-nitin-patel-reprimands-police-after-kalol-traffic-jam-ordeal

Gandhinagar: ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કલોલ ખાતે ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા. આ સમયે ત્યાં પોલીસની ગેરહાજરીથી નીતિન પટેલે પિત્તો ગુમાવ્યો હતો અને સીધા DySp કચેરીએ પહોંચી ગયા હતા અને ઉપસ્થિત સ્ટાફને રીતસરની ફટકાર લગાવી હતી.


હકીકતમાં અમદાવાદ-મહેસાણા હાઈવે ઉપર કલોલ નજીક સઈજ ગુરુકુળ પાસે ડ્રેનેજ લાઈનના કામ ચાલી રહ્યું છે. જેના કારણે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સઈજ ગુરુકુળથી માંડીને શેરથા સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. આ ટ્રાફિકજામમાં અન્ય વાહન ચાલકોની સાથે-સાથે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની કાર પણ ફસાઈ ગઈ હતી. આ સમયે સ્થળ પર કોઈ પણ પોલીસની ગેરહાજરી જોઈને અકળાયેલા નીતિન પટેલ માંડ-માંડ ટ્રાફિક જામમાંથી નીકળીને સીધા કલોલ સ્થિત DySp કચેરીએ પહોંચી ગયા હતા.

ડ્રેનેજ લાઇનના કામને પગલે પોલીસે પહેલાથી ટ્રાફિક મેનેજમેન્ટ કેમ ના કર્યું?

DySp કચેરીએ પહોંચ્યા બાદ નીતિન પટેલે ત્યાં ઉપસ્થિત સ્ટાફનો રીતસરનો ઉધડો લીધો હતો. નીતિન પટેલે સ્ટાફને ખખડાવતા જણાવ્યું કે, હાઈવે પર આટલો બધો ટ્રાફિક હોવા છતાં ત્યાં કોઈ પોલીસ જવાન હાજર નથી.

પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ રોષ સાથે સવાલ ઉઠાવ્યો કે, લોકો કલાકથી ફસાયા હોવા છતાં કેમ કોઈ પોલીસ દેખાતી નથી? એકતરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેટ્રેલ-ડીઝલ બચાવવા માટે બૂમો પાડે છે, પરંતુ લોકો ટ્રાફિક જામમાં ફસાય છે, શું આ રીતે બચાવવાનું? હાઈવે પર ડ્રેનેજ લાઈનનું કામ ચાલતું હોય, તો પોલીસે પહેલાથી ટ્રાફિક મેનેજમેન્ટ કેમ ના કર્યું? આખરે એક્શનમાં આવેલી પોલીસ તરત જ હાઈવે પર દોડી ગઈ હતી અને ટ્રાફિક પૂર્વવત કરવા ક્વાયત હાથ ધરી હતી.