Gandhinagar GMC Election 2026: ગાંધીનગર મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત સવારે 7 થી સાંજ 6 વાગ્યા સુધી યોજાયેલી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે, જેમાં કુલ 59.25 ટકા મતદાન નોંધાયું છે. આ ચૂંટણીમાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના મતદારોએ લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ચૂંટણી પંચના આંકડાઓ મુજબ, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 2,59,985 મતદારો નોંધાયેલા હતા, જેમાંથી 1,32,570 પુરુષો, 1,27,406 સ્ત્રીઓ અને 9 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
આ કુલ મતદારોમાંથી સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 1,54,045 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં 82,674 પુરુષ અને 71,371 સ્ત્રી મતદારો સામેલ છે. એકંદરે મતદાનની ટકાવારી જોઈએ તો, પુરુષોનું મતદાન 62.36 ટકા અને સ્ત્રીઓનું મતદાન 56.02 ટકા નોંધાયું છે.
વોર્ડવાર મતદાનની વિગતો જોઈએ તો, વોર્ડ-1માં 71.22 ટકા, વોર્ડ-2 માં 69.70 ટકા, વોર્ડ-3 માં 59.26 ટકા, વોર્ડ-4 માં 74.78 ટકા, વોર્ડ-5 માં 48.63 ટકા, વોર્ડ-6 માં 61.98 ટકા, વોર્ડ-7 માં 66.37 ટકા, વોર્ડ-8 માં 51.88 ટકા, વોર્ડ-9 માં 51.54 ટકા, વોર્ડ-10 માં 50.80 ટકા, અને વોર્ડ-11 માં 57.69 ટકા મતદાન નોંધાયું હતું.
સમગ્ર ચૂંટણી દરમિયાન નાગરિકોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હાલ તમામ વોર્ડના ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સને સુરક્ષિત સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે, અને આગામી તા.13 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
