Indigo Flight Power Bank Fire Hyderabad Emergency Landing: દિલ્હીથી ચેન્નઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક મુસાફરના પાવર બેંક ફાટતા અફરાતફરી મચી જવા પામી હતી. વિમાનમાં ધુમાડો ફેલાઈ જતાં મુસાફરો ગભરાઈ ગયા હતા. જો કે પાયલટોએ સમયસૂચક્તા વાપરીને ફ્લાઈટને હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવતા મોટી હોનારત ટળી ગઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 6115 દિલ્હીથી ચેન્નઈ જવા માટે રવાના થઈ હતી. આ દરમિયાન પેસેન્જરની સીટની ઉપર બનેલ ઓવર હેડ બિનમાં રાખેલ એક મુસાફરના પાવર બેંકમાં અચાનક ધુમાડો નીકળવા લાગ્યો. જે બાદ પાવર બેંકમાં તણખા ઝરવા સાથે બ્લાસ્ટ થયો હતો.
આ ઘટનાની જાણ થતાં ક્રૂ મેમ્બરોએ તાત્કાલિક ફાયર સેફ્ટિ ઈક્વિપમેન્ટથી આગ પર કાબુ મેળવી લીધો હતો. જે બાદ ફ્લાઈટને હૈદરાબાદ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવી હતી. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ પણ મુસાફર કે ક્રૂ મેમ્બર્સને કોઈ ઈજા નથી પહોંચી. આ સમયે ફ્લાઈટની અંદરનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં મુસાફરો ફાયર..ફાયરની બૂમો પાડતા સાંભળી શકાય છે.
હૈદરાબાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ બાદ ઈન્ડિગો એરલાઈને રઝળી પડેલા પેસેન્જરોને ચેન્નઈ મોકલવા માટે બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે જ એરપોર્ટ પર અટવાયેલા મુસાફરો માટે ખાણી-પીણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ અંગે ઈન્ડિગોના પ્રવક્તાએ પેસેન્જરોને પડેલી તકલીફ પર ખેદ વ્યક્ત કર્યો છે. આ સાથે જ મુસાફરોની સુરક્ષા અમારી પ્રાથમિક્તા હોવાનું જણાવ્યું છે.
લિથિયન-આયન બેટરીની સુરક્ષા પર ઉઠ્યા સવાલ
આ સમગ્ર ઘટનાએ ફ્લાઈટમાં લિથિયમ-આયરન બેટરીઓની સુરક્ષાને લઈને મોટો સવાલ ઉભો કર્યો છે. વધુ પડતા તાપમાન કે શોર્ટ સર્કિટના કારણે તેમાં થર્મલ રનઅવેની સ્થિતિ સર્જાય છે, જેના પરિણામે હવામાં જ આગ લાગી જતી હોય છે. આજ કારણોસર DGCA દ્વારા પાવર બેંકને ચેક ઈન બગેજમાં લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવી વસ્તુને માત્ર હેન્ડ બેગમાં લઈ જવાની મંજૂરી આપવામાં આવી છે.
