હવે કોલ્હાપુરમાં કેતન જેવો હત્યાકાંડઃ અન્ય યુવક સાથે સગાઈ થતાં સબંધ તોડનારી યુવતીને પ્રેમીએ ઊંડી ખીણમાં ધકેલી મોતને ઘાટ ઉતારી

કોલ્હાપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પ્રેમી શ્રીપાદે પોતાની પૂર્વ પ્રેમિકા તરન્નૂમને ઊંડી ખીણમાં ધક્કો મારીને મોતને ઘાટ ઉતારી દીધી. તરન્નૂમના અન્ય યુવક સાથે લગ્ન નક્કી થતાં તેણે શ્રીપાદ સાથે સંબંધ તોડી નાખ્યો હતો, જેના કારણે ગુસ્સે ભરાયેલા પ્રેમીએ આ કૃત્ય આચર્યું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 11 Oct 2026 07:52 PM (IST)Updated: Sun, 11 Oct 2026 07:52 PM (IST)
kolhapur-murder-case-lover-pushes-girlfriend-off-cliff-over-engagement

Kolhapur Murder Case: થોડા દિવસો પહેલા જ મહારાષ્ટ્રમાં સિયા નામની યુવતીએ પોતાના મંગેતર કેતનને લોહાગઢના કિલ્લા પરથી ધક્કો મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ કિસ્સાએ માત્ર મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં ચકચાર મચાવી મૂકી હતી. એવામાં આવો જ વધુ એક કિસ્સો મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાંથી સામે આવ્યો છે. જો કે આ કિસ્સામાં પ્રેમીએ પોતાની પ્રેમિકાને ઊંડી ખીણમાં ધક્કો મારીને મારી નાંખી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કોલ્હાપુરના ગારગોટી સ્થિત અવધૂત કૉલોનીમાં રહેતા શ્રીપાદ દિનકર વડૂ (25)ને પાડોશમાં રહેતી તરન્નૂમ બશીર નાઈક (23) સાથે પ્રેમસબંધ હતો. મહાગાંવ સ્થિત એન્જિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ કરતી તરન્નૂમની થોડા સમય પહેલા જ અન્ય યુવક સાથે લગ્ન નક્કી કરી દેવાવામાં આવ્યા હતા. જે બાદ તરન્નુમે શ્રીપાદ સાથેનો સબંધ કાપી નાંખ્યો હતો.

ગઈકાલે સવારે 11 કલાકે શ્રીપાદે તરન્નુમને મળવા માટે બોલાવી હતી. જેથી તરન્નુમ મળવા પહોંચતા શ્રીપાદ તેને નાઈકવાડી નજીક આવેલી એક ઊંડી ખીણ પાસે લઈ ગયો હતો. જ્યાં તરન્નુમે શ્રીપાદને સમજાવવાનો પ્રયાસ કર્યો કે, હવે મારી સગાઈ થઈ ગઈ હોવાથી હું તારી સાથે પ્રેમ સબંધ આગળ વધારી નહીં શકું. પ્રેમિકાની વાતથી શ્રીપાદના માથે ખૂન સવાર થઈ ગયું હતું અને તેણે તરન્નુમને ખાઈમાં ધક્કો મારી દીધો હતો.

પ્રેમિકાને ઠંડે કલેજે મોતને ઘાટ ઉતાર્યા બાદ શ્રીપાદે પોતાનું પાપ છૂપાવવા માટે સામે ચાલીને ભુદરગઢ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. જ્યાં શ્રીપાદે તરન્નુમ ગુમથઈ ગઈ હોવાનો સ્ટોરી ઘડી કાઢી હતી.

જો કે પોલીસને શ્રીપાદ પર શંકા જતાં તેની આગવી ઢબે પૂછપરછ કરી હતી. જેમાં શ્રીપાદ ભાંગી પડ્યો હતો અને તરન્નુમને ખાઈમાં ધક્કો મારીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની કબૂલાત કરી હતી.

આ ઘટના સામે આવતા તરન્નુમના સબંધીઓ ગારગોટી જિલ્લા હોસ્પિટલ પહોંચી જતાં વાતાવરણ તંગ બન્યું હતુ. હાલ તો પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને શ્રીપાદની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.