Gandhinagar Narmada Canal Accident: ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ફરી એકવાર કરુણાંતિકાનું કેન્દ્ર બની છે. છેલ્લા 24 કલાકમાં બનેલા બે અલગ-અલગ બનાવોમાં કુલ ચાર યુવકો કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ બંને ઘટનામાં હાલ સુધીમાં બે મૃતદેહ મળ્યા છે. જ્યારે અન્ય મૃતદેહની તપાસ ચાલુ છે.
હાથપગ ધોવા ગયેલા બે પિતરાઈ ડૂબ્યા
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ડૂબવાની પ્રથમ ઘટના લીંબડીયા અને કરાઈ વચ્ચે વલાદ પાસે બની હતી. મૂળ ધોલેરાના વતની અને હાલ અમદાવાદમાં રહેતા બે પિતરાઈ ભાઈ સુનિલ ભરતભાઈ આંબલીયા અને રોશન જયંતિભાઈ આંબલીયા એક્ટિવા લઈને કેનાલ તરફ આવ્યા હતા. ગરમી વધુ હોવાથી તેઓ કેનાલમાં હાથપગ ધોવા માટે નીચે ઉતર્યા હતા.
આ દરમિયાન એક યુવકનો પગ લપસી ગયો હતો. તેને ડૂબતો જોઈ બીજો યુવક તેને બચાવવા માટે પાણીમાં પડ્યો હતો, પરંતુ પાણીના જોરદાર પ્રવાહમાં બંને યુવકો લાપતા થઈ ગયા હતા. ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં સુનિલ આંબલીયાનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે રોશનની હજુ પણ શોધખોળ ચાલી રહી છે.
રાયપુર નજીક કેનાલમાં બે સગા ભાઈ ગરક
બીજી કરુણ ઘટના દહેગામ નરોડા હાઈવે પર રાયપુર નજીક સામે આવી છે. આ મામલે તપાસ કરનાર ડભોડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નિકુલભાઈએ જણાવ્યું હતું કે, નરોડાની પાર્શ્વનાથ ટાઉનશીપમાં રહેતા જયંતીભાઈ વાઘેલાના બે પુત્રો નિખિલ અને નીરજ વચ્ચે રવિવારે બપોરના સમયે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો.
આ તકરારથી મન પર માઠું લાગતા બંને ભાઈઓ આવેશમાં આવીને ઘરેથી નીકળી ગયા હતા, અને દહેગામ રોડ તરફ આવેલી નર્મદા કેનાલ પર પહોંચ્યા હતા. કોઈ કારણસર રિસાઈને ઘરેથી નીકળેલા નિખિલ વાઘેલાએ રાયપુર પાસેની કેનાલમાં ઝંપલાવી દીધું હતું. તેને રોકવા અને બચાવવાની લ્હાયમાં પાછળ આવેલો તેનો ભાઈ પણ કેનાલમાં કૂદી પડ્યો હતો.
આ પણ વાંચો: Gandhinagar: 'સાહિલ' બની 'અલ્તાફે' 17 વર્ષીય સગીરાને ફસાવી, હિન્દુ સંગઠનોએ રંગે હાથ પકડ્યો
જોતજોતામાં બંને ભાઈઓ આંખના પલકારે પાણીમાં અદ્રશ્ય થઈ ગયા હતા. શોધખોળ દરમિયાન ફાયર બ્રિગેડની ટીમે મેદરા ગામ પાસેની કેનાલમાંથી નિખિલ વાઘેલાનો મૃતદેહ શોધી કાઢ્યો છે, જ્યારે તેના ભાઈનો હજુ સુધી કોઇ પત્તો લાગ્યો નથી.
બે મૃતદેહ મળ્યા, બે યુવકની શોધખોળ ચાલુ
અત્યાર સુધીની ફાયર વિભાગની શોધખોળમાં બે યુવકોના મૃતદેહ હાથ લાગ્યા છે, જ્યારે અન્ય બે યુવકની શોધખોળ હજુ પણ ચાલુ છે. આ સમગ્ર મામલે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.
