Gandhinagar: ગાંધીનગરમાં 'સાહિલ' બની 'અલ્તાફે' 17 વર્ષીય સગીરાને ફસાવી, શારીરિક શોષણના આરોપમાં હિન્દુ સંગઠનોએ રંગે હાથ પકડ્યો

હિન્દુ સંગઠનોએ આરોપી યુવકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 28 Mar 2026 10:40 AM (IST)Updated: Sat, 28 Mar 2026 10:40 AM (IST)
gandhinagar-love-jihad-minor-girl-exploitation-by-accused-altaf-pocso-act-arrest
HIGHLIGHTS
  • ગાંધીનગરમાં કથિત લવ જેહાદનો કિસ્સો
  • નામ બદલી સગીરાનું શારીરિક શોષણ કર્યું 
  • આરોપી અલ્તાફ લુહાર રંગેહાથ ઝડપાયો

Gandhinagar Love Jihad Case: પાટનગર ગાંધીનગરમાં પોતાની ઓળખ અને ધર્મ છુપાવીને હિન્દુ દીકરીને પ્રેમજાળમાં ફસાવવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સેક્ટર-26 માં રહેતા અલ્તાફ લુહાર નામના યુવકે 'સાહિલ દેસાઈ' બનીને સેક્ટર-24 ની એક સગીરાનું શારીરિક શોષણ કર્યું હોવાનો પર્દાફાશ થયો છે.

ઇન્સ્ટાગ્રામ પરથી શરૂ થઈ માયાજાળ

આ કિસ્સા અંગે હિન્દુ સંગઠનના જણાવ્યા અનુસાર, ધોરણ-10 માં અભ્યાસ કરતી 17 વર્ષીય સગીરાનો સંપર્ક અલ્તાફ વલીભાઈ ખાન લુહારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ મારફતે કર્યો હતો. અલ્તાફે પોતાની સાચી ઓળખ છુપાવીને પોતાનું નામ 'સાહિલ દેસાઈ' જણાવ્યું હતું, અને સગીરાને વિશ્વાસમાં લઈ પ્રેમજાળમાં ફસાવી હતી.

યુવકે કર્યું સગીરાનું શારીરિક શોષણ

આ યુવકે સગીરાની માસૂમિયતનો ગેરલાભ ઉઠાવીને સતત તેનું શારીરિક શોષણ કર્યું હતું. જોકે, આશરે છ મહિના પહેલાં સગીરાના પરિવારને આ બાબતની જાણ થઈ ગઈ હતી. તે સમયે પરિવારે યુવકને ઘરે બોલાવીને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો, અને સગીરાથી દૂર રહેવા માટે ચેતવણી પણ આપી હતી. પરંતુ, અલ્તાફ પોતાની હરકતોથી બાજ આવ્યો નહોતો.

નરાધમને હિન્દુ સંગઠનોએ રંગે હાથ પકડ્યો

બનાવના દિવસે જ્યારે સગીરા ઘરે એકલી હતી, ત્યારે અલ્તાફ ઉર્ફે સાહિલ તેના ઘરે પહોંચી ગયો હતો. આ અંગેની જાણ પાડોશીઓને થતાં જ તેમણે તાત્કાલિક વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોને માહિતી આપી હતી. આથી હિન્દુ સંગઠનના કાર્યકરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા.

મકાનના ત્રીજા માળે આવેલા ધાબાના રૂમનો દરવાજો ખોલતા અલ્તાફ અને સગીરા સાથે મળી આવ્યા હતા. કાર્યકરોએ જ્યારે યુવકનો મોબાઈલ ચેક કર્યો, ત્યારે તેમાંથી સગીરા સાથેના વાંધાજનક ફોટા અને વીડિયો પણ મળી આવ્યા હતા, જેનાથી સમગ્ર મામલો વધુ ગંભીર બની ગયો હતો.

પોક્સો એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ

આ બનાવની ગંભીરતા જોતા બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને હિન્દુ સંગઠનોના કાર્યકરો આરોપીને સેક્ટર-21 પોલીસ મથકે લઈ જઈ અને તેને પોલીસને હવાલે કર્યો હતો. આ મામલે સેક્ટર-21 પોલીસે પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી યુવકની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી સિવિલ કેમ્પસમાં આવેલી એક એસેસરીઝની દુકાનમાં નોકરી કરે છે.

લવ જેહાદનો આક્ષેપ, કડક કાર્યવાહીની માંગ

વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ સુનિલ ત્રિવેદી, બજરંગ દળના શક્તિસિંહ અને ગણપતસિંહ સહિતના આગેવાનોએ આ ઘટનાને 'લવ જેહાદ' ગણાવી છે. તેઓએ નાયબ મુખ્યમંત્રીને વિનંતી કરતા જણાવ્યું છે કે, આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આવા તત્વોની પાછળ કોનો હાથ છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે.