Gandhinagar: કલોલ-છત્રાલ હાઈવે ફરી થયો રક્તરંજિત, બે બાઇક સામસામે અથડાયા; કડીના યુવકનું ઘટનાસ્થળે જ મોત

મૃતક યુવક કડીના ચાંદરસડા ગામનો 30 વર્ષીય સુરજ દેવાજી ઠાકોર હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 26 Mar 2026 03:21 PM (IST)Updated: Thu, 26 Mar 2026 03:21 PM (IST)
gandhinagar-news-two-bikes-collided-on-kalol-chhatral-highway-kadi-man-die
HIGHLIGHTS
  • કલોલ-છત્રાલ હાઈવે પર અકસ્માત 
  • અંધારામાં બે બાઈક વચ્ચે ટક્કર થઈ
  • કડીના યુવકનું ઘટનાસ્થળે કરૂણ મોત

Gandhinagar accident news: અમદાવાદ-મહેસાણા હાઈવે પર અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગત મોડીરાત્રે કલોલ તાલુકાના છત્રાલ અને બિલેશ્વરપુરા વચ્ચે આવેલા સર્વિસ રોડ પર હેવી મેટલ કંપની પાસે બે બાઈક વચ્ચે સામસામે ભયંકર ટક્કર થઈ હતી. આ બનાવમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક ચાલકને ગંભીર ઈજા પહોંચી છે.

બે બાઈક એકબીજા સાથે અથડાયા

આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, છત્રાલ પાસે આવેલા બિલેશ્વરપુરા વિસ્તારમાં સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલા બે બાઈક સવારો અંધારામાં એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે એક બાઈક ચાલક હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો.

કડીના યુવકનું ઘટનાસ્થળે જ મોત

રોડ પર પટકાવાને કારણે યુવકને માથાના તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ તેનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. આ બનાવની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત અન્ય બાઈક સવારને તુરંત નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યો હતો.

બીજી તરફ કલોલ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યાં પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક યુવક કડીના ચાંદરસડા ગામનો 30 વર્ષીય સુરજ દેવાજી ઠાકોર હતો. પોલીસે યુવકના મૃતદેહને પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બિસ્માર રસ્તા બન્યા જીવલેણ

આ અકસ્માત પાછળ રસ્તાની દુર્દશા પણ એક મોટું કારણ હોવાનું સામે આવ્યું છે. આ બનાવ બાદ સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હાઈવે અને તેને સમાંતર આવેલા સર્વિસ રોડની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. માર્ગ પર ઠેર-ઠેર પડેલા ખાડા, ખોટી રીતે અપાયેલા ઢોળાવ અને હાઇવે પર અનેક જગ્યાએ પાડવામાં આવેલા ગેરકાયદેસર કટ અકસ્માતનું મુખ્ય કારણ બની રહ્યા છે.

આ ઉપરાંત, રોડની બંને બાજુએ થયેલા દબાણોને કારણે વાહન ચાલકોને પૂરતી જગ્યા મળતી નથી, જેના પરિણામે આવા નાના-મોટા અકસ્માત સર્જાય છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે તંત્ર દ્વારા માત્ર ટોલ વસૂલવામાં આવે છે, પરંતુ મુસાફરોની સુરક્ષા અને રોડની યોગ્ય જાળવણી બાબતે તંત્ર દ્વારા ગંભીર ઉદાસીનતા સેવવામાં આવી રહી છે.