Vadodara News: વડોદરામાં નવરાત્રી ઉજવણી દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મોટા નિવેદન કરવામાં આવ્યું છે. લક્ષ્ય આપતા આ આયોજન હેઠળ, LVP ગરબા ગ્રાઉન્ડમાં ખાણીપીણીના સ્ટોલ પર આવેલા એક વિધર્મી યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. કાર્યકરો દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું કે, નવરાત્રીમાં વિધર્મીઓનો પ્રવેશ સહન નહીં કરીએ. તેમના નિવેદન અનુસાર, વડોદરાના તમામ ગરબા ગ્રાઉન્ડોમાં 500 થી 1000 કાર્યકરોની તૈનાતી કરવામાં આવશે.
કડક દેખરેખ રાખવામાં આવશે
હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ દ્વારા સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું છેકે, ઉત્સવ દરમિયાન ‘વિધર્મી મુક્ત નવરાત્રી’ ઉજવવા માટે કડક દેખરેખ રાખવામાં આવશે. જો કોઈ વિધર્મી અથવા અન્ય અચાનક પ્રવેશકાર દેખાશે તો તેમને કાર્યકરો તેમની પોતાની ભાષામાં જ જવાબ આપશે. આ સાથે, ગરબા ગ્રાઉન્ડની બહાર જાહેરમાં થતી અશ્લીલ હરકતો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
અશ્લીલ હરકતો કરતા યુવકો ઝડપી પાડ્યા
માંજલપુર અવધૂત ફાટક નજીક ગરબા ગ્રાઉન્ડની બહાર કેટલાક યુવકો જાહેરમાં અશ્લીલ હરકતો કરતા જોવા મળ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ તરત તેમને ઝડપી પાડ્યા. ઘટના સ્થળે યુવકોએ જાહેરમાં હાથ જોડીને માફી માંગી. ત્યારબાદ, તેમને પોલીસ હવાલે કરવામાં આવ્યા. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ થઈ છે અને યુવકો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી રહી છે.
ગરબાનના મેદાનોમાં પણ કાર્યકરોની હાજરી
આ તમામ પગલાં નવરાત્રી ઉત્સવ દરમિયાન સુરક્ષા અને શિસ્ત જાળવવા માટે લેવામાં આવ્યા છે. ગરબા ગ્રાઉન્ડોમાં મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિ અને કડક દેખરેખ દ્વારા શહેરમાં ઉજવણી મૈત્રીપૂર્ણ અને વ્યવસ્થિત રહે તે સુનિશ્ચિત કરાશે. આ માટે ગ્રામ્ય અને શહેરના તમામ લોકો પાસેથી પણ સહયોગ અપેક્ષિત કરવામાં આવ્યો છે, જેથી ઉત્સવ અનુકૂળ અને સુરક્ષિત વાતાવરણમાં ઉજવાઇ શકે.
ગરબામાં વિધર્મી દેખાશે તો બજરંગદળની ભાષામાં જવાબ અપાશેઃ કાર્યકર્તા
વિશ્વહિન્દુ પરિષદ, બજરંગદળના કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બે દિવસ પહેલાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય પર. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદે બજરંગ દળને એક સૂચના આપી હતી કે વિધર્મી મુક્ત નવરાત્રી. તો આજે એના સંદર્ભમાં લક્ષ્મી વિલાસ પેલેસ, એટલે કે એલ.વી.પી.ની અંદર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અમને માહિતી મળી કે વિધર્મીઓના સ્ટોલ પણ છે અને વિધર્મીઓને એન્ટ્રી પણ આપી છે.
અમે અહીંયા ચેકિંગ કરવા માટે આવ્યા. જ્યાં એક સ્ટોલમાં એક વિધર્મી પકડાયો, એને ખદેડીને બહાર કાઢ્યો છે. આગામી દિવસોમાં ગરબા કોઈ પણ, વડોદરા શહેરના ખૂણે ખૂણે અમારી નજર રહેશે. કમ સે કમ 500 થી 1000 કાર્યકર્તાઓ એક્ટિવ મોડમાં છે અત્યારે, અને ગરબા પણ રમે છે અને જે પણ વિધર્મી દેખાશે એને બજરંગ દળ એની યોગ્ય ભાષામાં, બજરંગ દળની ભાષામાં જવાબ આપશે.
