Vadodara News: વડોદરામાં નવરાત્રીનો થનગનાટ: ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓમાં અનોખો ઉત્સાહ, મુંબઈના 'બેરલ જમ્પ' સ્ટેપ્સની ડિમાન્ડ

તહેવાર નજીક આવતા જ શહેરમાં ગરબાના મેદાનોમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સ્થળ પર રંગીન લાઈટિંગ, સાઉન્ડ સિસ્ટમ, સ્ટેજ ડેકોરેશન અને સુરક્ષા વ્યવસ્થાઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 18 Sep 2025 02:55 PM (IST)Updated: Thu, 18 Sep 2025 02:55 PM (IST)
vadodara-navratri-2025-unique-garba-enthusiasm-with-barrel-jump-dance

Vadodara News: આસ્થા અને ઉમંગના મહાપર્વ નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. વડોદરા શહેર તથા જિલ્લામાં આગામી ૨૨મી સપ્ટેમ્બરથી શરૂ થનારા નવરાત્રી મહોત્સવને લઈને યુવાવર્ગ અને મોટેરાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માતાજીની આરાધના અને ભક્તિનો આ તહેવાર માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક રંગોથી પણ રંજાઈ જાય છે. નવ દિવસ સુધી ખેલૈયાઓ મેદાનમાં રંગબેરંગી વેશભૂષા પહેરીને માતાજીના ગીતો પર ગરબા ઘુમવા આતુર છે.

ગરબા ગ્રાઉન્ડ અને બજારોમાં રોનક

તહેવાર નજીક આવતા જ શહેરમાં ગરબાના મેદાનોમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સ્થળ પર રંગીન લાઈટિંગ, સાઉન્ડ સિસ્ટમ, સ્ટેજ ડેકોરેશન અને સુરક્ષા વ્યવસ્થાઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. બીજી તરફ બજારોમાં ખેલૈયાઓની ભારે અવરજવર જોવા મળી રહી છે. ખાસ કરીને યુવાવર્ગ પરંપરાગત ચણિયા-ચોળી, કેળિયાં ડ્રેસ તથા આધુનિક આભૂષણોની ખરીદીમાં મશગૂલ છે.

naidunia_image

ગરબા ક્લાસિસમાં નવા સ્ટેપ્સ શીખવાનો ટ્રેન્ડ

વડોદરામાં યુવા પેઢીમાં ગરબા પ્રત્યેનો જુસ્સો સતત વધી રહ્યો છે. નવરાત્રીના ત્રણ મહિના પહેલા જ ગરબા ક્લાસિસમાં જઈને ખેલૈયાઓ નવા અને અવનવા ગરબા સ્ટેપ્સ શીખી રહ્યા છે. મેદાનમાં પોતાના તાલ અને અનોખા સ્ટેપ્સથી સૌનું ધ્યાન ખેંચી શકે તે માટે ખેલૈયાઓ સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે. પરંપરાગત તેમજ ફ્યુઝન બંને પ્રકારના સ્ટેપ્સ શીખવાની ખાસ માંગણી જોવા મળે છે.

મુંબઈના 'બેરલ જમ્પ' અને 'કપલ સ્ટેપ'ની ભારે ડિમાન્ડ

આ અંગે વડોદરાની ગરબા ટ્રેનર મિતાલી શાહે જણાવ્યું કે, તેઓ છેલ્લા 12 વર્ષથી ગરબા ગ્રુપ ચલાવી રહ્યા છે. “દર વર્ષે અમે નવરાત્રિના ત્રણ મહિના પહેલા જ તાલીમ શરૂ કરીએ છીએ. આ વર્ષે મુંબઈના પ્રખ્યાત સ્ટેપ્સ જેમ કે બેરલ જમ્પ અને કપલ સ્ટેપ પર ખાસ ધ્યાન આપ્યું છે. દરરોજ ત્રણ કલાક પ્રેક્ટિસ કરવામાં આવે છે, જેમાં નાનાં બાળકો થી લઈને વડીલો અને પરિવાર સાથે લોકો જોડાઈ રહ્યા છે,” એમ તેમણે જણાવ્યું.

નવરાત્રી મહોત્સવ માત્ર ધાર્મિક ભાવનાનો જ નહીં પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક એકતાનો પણ પરિચય કરાવે છે. વડોદરામાં ચાલી રહેલી તૈયારીઓ દર્શાવે છે કે આ વર્ષે ખેલૈયાઓના પગલાંઓ સાથે માતાજીના આ અદભૂત તહેવારમાં ઉમંગ, આનંદ અને ભક્તિનો મિલન જોવા મળશે.