Vadodara News: નવરાત્રિના પ્રારંભે જ વડોદરાના જાણીતા યુનાઈટેડ વે ગરબામાં ભારે વિવાદ સર્જાયો હતો. આયોજકોની બેદરકારી અને વરસાદ બાદ ગરબા ગ્રાઉન્ડમાં થયેલા કાદવ-કીચડને કારણે ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળ્યો. આ મામલે ખેલૈયાઓએ ‘હાય હાય’ના નારા લગાવતા આયોજકોએ પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પ્રથમ દિવસનું રિફંડ આપવાની જાહેરાત કરી હતી.
કીચડને કારણે ગરબા રમવામાં મુશ્કેલી, ખેલૈયાઓએ વિરોધ કર્યો
આ પણ વાંચો
નવરાત્રિના પ્રથમ દિવસે જ યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડની સ્થિતિ અત્યંત ખરાબ હતી. વરસાદને કારણે મેદાનમાં કાદવ અને કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું, જેના કારણે ખેલૈયાઓને ગરબા રમવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી.
મોંઘા પાસ ખરીદ્યા બાદ પણ આવી અસુવિધાથી નારાજ થયેલા ખેલૈયાઓએ ગ્રાઉન્ડમાં જ આયોજકો સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો. કેટલાક ખેલૈયાઓએ તો ગરબાના ગાયક અતુલ દાદાની વાત સાંભળવાની પણ ના પાડી દીધી હતી અને સીધા જ વિરોધ પ્રગટ કર્યો. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે ઘણા ખેલૈયાઓએ મેદાન છોડીને ફૂડ કોર્ટ પાસેના વિસ્તારમાં ગરબા રમવાનું શરૂ કરી દીધું.
હજારો રૂપિયાના પાસ છતાં સુવિધાનો અભાવ: ખેલૈયાઓનો આક્ષેપ
યુનાઈટેડ વે ગરબા હંમેશાં તેના ભવ્ય આયોજન માટે જાણીતા છે, પરંતુ આ વર્ષે પ્રથમ દિવસે જ ખેલૈયાઓનો અનુભવ નિરાશાજનક રહ્યો. ખેલૈયાઓએ જણાવ્યું કે હજારો રૂપિયાના પાસ લીધા હોવા છતાં સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ મળ્યું નથી. એક મહિલા ખેલૈયાએ કહ્યું, "આટલો બધો કીચડ છે કે ચંપલ અને જૂતાં બધું જ બગડી ગયું છે. આનાથી સુરક્ષાનું પણ જોખમ ઊભું થાય છે." ખેલૈયાઓના આ આક્ષેપો બાદ યુનાઈટેડ વેના આયોજકોએ તાત્કાલિક પગલાં ભરવા પડ્યા.
આયોજકોએ રિફંડની જાહેરાત કરી
ખેલૈયાઓનો ભારે રોષ અને સતત વિરોધ જોતાં અંતે આયોજક મંડળે માફી માંગી અને પરિસ્થિતિને શાંત પાડવા માટે એક દિવસનું રિફંડ આપવાની જાહેરાત કરી. આયોજકોએ જણાવ્યું કે જે ખેલૈયાઓએ પ્રથમ દિવસ માટે પાસ લીધા હતા, તેમને રિફંડ આપવામાં આવશે. જોકે, ખેલૈયાઓએ આ જાહેરાત બાદ પણ આયોજકોની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા અને આગામી દિવસોમાં વ્યવસ્થામાં સુધારો કરવાની માંગણી કરી હતી.
યુનાઇટેડ વે ગરબામાં સર્જાયેલ આ વિવાદને કારણે વડોદરા શહેરના ખેલૈયાઓમાં ચર્ચાનો માહોલ છવાયો છે. હવે જોવાનું એ છે કે આગામી દિવસોમાં આયોજકો ખરેખર સુધારો કરે છે કે નહીં.
