ગાંધીનગરમાં સચિવાલયના નિવૃત કર્મચારીની ઘાતકી હત્યા, બંધ ફ્લેટમાં લોહીથી લથપથ પિતાની લાશ જોઈ પુત્ર સ્તબ્ધ

મૃતક બાબુલાલના બે ફ્લેટ પૈકી એક ફ્લેટ રાજસ્થાની ભાડૂઆતને ભાડે આપ્યો હતો. ગઈકાલે જ ભાડુઆતે બાબુબાલને 3 મહિનાનું બાકીનું ભાડુ ચૂકવ્યું હતુ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 02 Sep 2026 10:25 PM (IST)Updated: Wed, 02 Sep 2026 10:25 PM (IST)
gandhinagar-crime-news-retired-secretariat-employee-found-murdered-in-flat
ફાઈલ ફોટો


Gandhinagar Crime News: ગાંધીનગર જિલ્લાના માણસામાં અંબોડ હાઈવે પર એક ફ્લેટમાંથી સચિવાલયના નિવૃત કર્મચારીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અંબોડ હાઈવે પર આવેલ પ્રિયંકા ગોલ્ડ સોસાયટીના પાંચમા માળે આવેલા બંધ ફ્લેટમાંથી એક આધેડ પુરુષની લોહીથી લથપથ હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં માણસા પોલીસના અધિકારીઓ સહિત FSLની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં પંચનામું કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. જે બાદ પાડોશીઓ અને પરિવારજનોની પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ બાબુલાલ ડોડીયાળ (61) તરીકે થઈ છે. જેઓ ગાંધીનગર સચિવાલયમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ 2023માં નિવૃત થઈ ગયા હતા. બાબુલાલ પરિવાર સાથે ગાંધીનગર રહેતા હતા, પરંતુ પ્રિયંકા ગોલ્ડ સોસાયટીમાં તેમના બે ફ્લેટ હોવાથી તેઓ અવારનવાર અહીં આવતા રહેતા હતા. તેમના બે ફ્લેટ પૈકી એક ફ્લેટ રાજસ્થાની ભાડૂઆતને ભાડે આપ્યો હતો. ગઈકાલે જ ભાડુઆતે બાબુબાલને 3 મહિનાનું બાકીનું ભાડુ ચૂકવ્યું હતુ.

પિતાનો ફોન બંધ આવતા ફ્લેટ ખોલીને જોતા લાશ પડી હતી

મૃતકના પુત્ર હરીશ ડોડીયાળે જણાવ્યું કે, મારા પિતા બાબુલાલનો મોબાઈલ ફોન મંગળવાર સવારથી બંધ આવતો હતો. આથી હું ફ્લેટમાં તપાસ કરવા માટે આવ્યો, પરંતુ દરવાજો બંધ હતો. આથી બીજી ચાવીથી મેં દરવાજો ખોલીને અંદર જોયું તો પિતાની લોહીથી ખરડાયેલી હાલતમાં લાશ પડી હતી.

ખીચડી રાંધેલી હોવાથી હત્યા પાછળ જાણભેદુના હાથની આશંકા

પોલીસને ઘરની તલાસી દરમિયાન, રસોડામાં ગેસ પર ખીચડી રાંધેલી મળી આવી હતી. જ્યારે અન્ય ઘરવખરી અકબંધ હોવાથી લૂંટના ઈરાદે હત્યાની શક્યતા નથી, પરંતુ હત્યારો પરિચિત હોવાની શંકા સેવાઈ રહી છે. હાલ તો માણસા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.