Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં વિવિધ રાજદ્વારીઓ અને મિશનના વડાઓ સાથેની સંવાદ બેઠકમાં ગુજરાતના વૈશ્વિક વિકાસની પ્રભાવક પ્રસ્તુતિ કરતા જણાવ્યું કે 69 બિલિયન યુએસ ડોલરના FDI અને નિકાસમાં 27%ના યોગદાન સાથે ગુજરાત સુદ્રઢ વૈશ્વિક જોડાણ ધરાવતું રાજ્ય બન્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસના પૂર્વાર્ધ રૂપે નવી દિલ્હીમાં રાજ્ય સરકાર દ્વારા ગુરુવારે મોડી સાંજે યોજાયેલી આ સંવાદ બેઠકમાં 45 જેટલા રાષ્ટ્રોના રાજદૂતો, ઉચ્ચ કમિશન અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ સંવાદ બેઠકમાં કહ્યું કે, વડાપ્રધાનની પ્રેરણાથી 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉત્તરોત્તર સફળતાને પરિણામે ગુજરાત વેપારી રાજ્યની ઈમેજથી આગળ વધીને હવે ન્યુ એઈજ ઇન્ડસ્ટ્રીનું હબ બનવા તરફ અગ્રેસર છે.
તેમણે ઉમેર્યું કે, એ.આઈ., સ્પેસટેક, ફિનટેક, સેમિકન્ડક્ટર, ડિફેન્સ એન્ડ એરોસ્પેસ, ઈ.વી. અને ગ્રીન એનર્જી જેવા ફ્યુચરિસ્ટિક સેક્ટર્સના ઉદ્યોગોના કેન્દ્ર સાથે ગુજરાત દેશનું પથપ્રદર્શક રાજ્ય બન્યું છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં પાછલા બે દશકમાં ગુજરાત ગ્રોથ, સ્ટેબિલિટી અને ઓપોર્ચ્યુનિટીઝનું ઉજ્જવળ પ્રતીક અને વૈશ્વિક રોકાણકારો માટે એક ટ્રસ્ટેડ પાર્ટનર પણ છે.
નીતિ આધારિત શાસન, રોકાણકાર મૈત્રીપૂર્ણ વાતાવરણ અને સુગ્રથિત માળખાકીય સુવિધાઓ પૂરી પાડીને ગુજરાત વિદેશી રોકાણકારો માટે બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે તેમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, કનેક્ટિવિટી અને ઔદ્યોગિક ઇકોસિસ્ટમ ગુજરાતની સ્ટ્રેન્થ છે. દેશનો સૌથી લાંબો દરિયા કિનારો, 49 પોર્ટ્સ અને પીએમ ગતિશક્તિ અન્વયે મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ નેટવર્ક સાથે લોજિસ્ટિક્સ અને નિકાસમાં ગુજરાત અગ્રણી રાજ્ય તરીકે સ્થાન પામ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં, ગુજરાત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 18 ટકાનો ફાળો આપે છે.