Census 2027: ગુજરાતમાં જનગણના-2027 નો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલે સ્વ-ગણતરી પૂર્ણ કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનગણના 2027 અંતર્ગત સ્વ-ગણતરીનો ઔપચારિક પ્રારંભ કરાવ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 17 May 2026 02:31 PM (IST)Updated: Sun, 17 May 2026 02:31 PM (IST)
cm-bhupendra-patel-and-cr-patil-complete-self-enumeration-under-gujarat-census-2027
HIGHLIGHTS
  • સ્વ-ગણતરીનો CM ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો
  • કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે કર્યું સેલ્ફ એન્યુમેરેશન

Gujarat Census 2027: ગુજરાતમાં 2027 ની વસ્તી ગણતરીની પ્રક્રિયાનો આજથી સત્તાવાર રીતે પ્રારંભ થઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનગણના 2027 અંતર્ગત ઓનલાઈન માધ્યમથી પોતાના પરિવારની વિગતો ભરીને સ્વ-ગણતરીનો રાજ્યવ્યાપી ઔપચારિક પ્રારંભ કરાવ્યો હતો. બીજી તરફ સુરતમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે પણ સેલ્ફ એન્યુમેરેશન કર્યું હતું.

પ્રથમ વખત સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી

ઉલ્લેખનીય છે કે, આ વખતે વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ મોડથી પોર્ટલ અને મોબાઇલ આધારિત કરવામાં આવી રહી છે. આ વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી આ સ્વ-ગણતરી પદ્ધતિમાં નાગરિકો આજથી એટલે કે 17 મે, રવિવારથી 31 મે, રવિવાર સુધીના નિર્ધારિત 15 દિવસમાં પોતાની માહિતી ઓનલાઇન આપી શકશે.

નાગરિકો https://se.census.gov.in/ પોર્ટલ પર જઈને જરૂરી માર્ગદર્શન દ્વારા સુરક્ષિત અને અનુકૂળ ડિજિટલ પ્લેટફોર્મ પર ગમે ત્યાંથી પોતાની સ્વ-ગણતરી પૂર્ણ કરી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોને આ રાષ્ટ્રીય સ્તરે મહત્વની કવાયતમાં સક્રિયપણે ભાગ લઈને સશક્ત, સમાવિષ્ટ અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જ્યારે પોતાની વિગતો ભરી ત્યારે રાજ્યના વસ્તી ગણતરી સંચાલન નિયામક સુજલ મયાત્રાએ તેમને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કર્યા હતા.

naidunia_image

સુરતમાં સીઆર પાટીલે સ્વ-ગણતરી પૂર્ણ કરી

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે પણ પોતાનું સેલ્ફ એન્યુમેરેશન કર્યું હતું. વધુમાં, તેમણે જણાવ્યું કે, જનગણના એ દેશના ભાવિ વિકાસ અને આયોજન માટે હાથ ધરાતી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓ પૈકી એક છે. નાગરિકો દ્વારા આપવામાં આવતી માહિતી કાયદા મુજબ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે, અને તેનો ઉપયોગ માત્ર વિકાસલક્ષી હેતુઓ માટે જ કરવામાં આવે છે.

આ વસ્તી ગણતરીના આંકડાનો ઉપયોગ સરકાર દ્વારા આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન અને વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે તેમજ નીતિ આયોગ અને સરકારને બજેટમાં યોગ્ય જોગવાઈ કરવા માટે થાય છે. નાગરિકો ઘરે બેઠા જ ઓનલાઇન માધ્યમથી જાતે નોંધણી કરાવી શકે છે.

જૂન મહિનાથી હાઉસ લિસ્ટીંગ ઓપરેશન્સ

ઓનલાઈન સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, આગામી 1 થી 30 જૂન, 2026 દરમિયાન 1 લાખથી વધુ વસ્તી ગણતરી કાર્યકર્તાઓ દ્વારા હાઉસ લિસ્ટીંગ ઓપરેશન્સ (HLO) હાથ ધરવામાં આવશે. નેતાઓએ નાગરિકોને ઘરે આવતા વસ્તી ગણતરીના અધિકારીઓ અને કર્મચારીઓને સંપૂર્ણ સહયોગ આપવા માટે પણ નમ્ર વિનંતી કરી છે.