Gujarat Census 2027: વસ્તી ગણતરી માટેનું પોર્ટલ 17 મેથી ખુલશે, કેવી રીતે કરશો સ્વ-ગણતરી? જાણો 9 સરળ સ્ટેપમાં

સ્વ-ગણતરી બાદ પ્રાપ્ત થયેલ SE ID ગણતરીદારની મુલાકાત વખતે આપવાનો રહેશે. સ્વ-ગણતરી ડેટાની પુષ્ટિ કર્યા પછી, ગણતરીદાર તેને મૂળ ડેટાબેઝમાં સમાવશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 15 May 2026 05:30 AM (IST)Updated: Fri, 15 May 2026 09:53 AM (IST)
census-2027-gujarat-self-enumeration-online-process-steps-explained

Gujarat Census 2027 Self-Enumeration Process: ભારતની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના વર્ષ 2027માં યોજાશે. જેના ભાગરુપે ગુજરાતમાં આગામી 1 જૂનથી 30 જૂન દરમિયાન મકાનોની ગણતરી હાથ ધરવામાં આવનારી છે. તેમજ 9થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન વસ્તી ગણતરીનો બીજો તબક્કો હાથ ધરવામાં આવશે. 1 જૂનથી શરૂ થનારી મકાનોની ગતણતરીના 15 દિવસ પહેલા 'સ્વ-ગણતરી' (Self-Enumeration) માટેનું પોર્ટલ નાગરિકો માટે ખુલ્લું મુકવામાં આવશે, જેના દ્વારા લોકો ઘરે બેઠા સરળ અને સુરક્ષિત રીતે પોતાની વિગતો નોંધી શકશે.

17 મે 2026થી 15 દિવસ માટે પોર્ટલ શરૂ થશે

આ વખતે જનગણનામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એન્ડ્રોઇડ અને iOS એપ પર ગુજરાતી સહિત 16 ભાષાઓમાં તેમજ ઓફલાઇન ડેટા એકત્રિત કરવામાં આવશે. નાગરિકો માટે 'સ્વ-ગણતરી' (Self-Enumeration) નો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે, જેમાં ઉત્તરદાતાઓ તા. 17 મે થી 31 મે, 2026 દરમિયાન અધિકૃત પોર્ટલ https://se.census.gov.in પર પોતાની વિગતો જાતે ભરી શકશે. સ્વ-ગણતરી બાદ પ્રાપ્ત થયેલ SE ID ગણતરીદારની મુલાકાત વખતે આપવાનો રહેશે. સ્વ-ગણતરી ડેટાની પુષ્ટિ કર્યા પછી, ગણતરીદાર તેને મૂળ ડેટાબેઝમાં સમાવશે. આ પ્રક્રિયાથી ડેટા સંગ્રહ ઝડપી બનશે અને ફિલ્ડ વર્કનું ભારણ ઘટશે.

આ 9 પ્રોસેસથી કરો ઘર બેઠાં સ્વ-ગણતરી

સ્વ-ગણતરી (SE) એ જનગણનાની એવી પ્રક્રિયા છે જેમાં રહેવાસીઓ પોતાના કુટુંબની માહિતી ઓનલાઈન ભરીને સબમિટ કરે છે. રાજ્ય/સંઘ પ્રદેશ દ્વારા જાહેર કરાયેલા સમયગાળા મુજબ, ગણતરીદાર દ્વારા ઘરે-ઘરે જઈને કરવામાં આવતી ઘરયાદીની કામગીરી (HLO) શરૂ થવાના 15 દિવસ પહેલાં SE પોર્ટલ ખુલ્લું રહેશે. પોર્ટલ પર ખુલવાની તારીખ અને સક્રિય સમયગાળો દર્શાવવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ કરવા અંદાજે 15-20 મિનિટનો સમય લાગી શકે છે અને સફળ સબમિશન બાદ એક અનન્ય સ્વ-ગણતરી ID (SE ID) જનરેટ થશે.

પગલું 1 : વેબસાઇટમાં લોગિન કરો

  • પોર્ટલ: https://se.census.gov.in પર પ્રવેશ કરો.
  • પ્રારંભિક પસંદગી: ડ્રોપડાઉનમાંથી તમારું રાજ્ય/સંઘ પ્રદેશ પસંદ કરો અને આગળ વધવા માટે કેપ્ચા (Captcha) દાખલ કરો.
  • ઉપકરણ સૂચન: ડિજિટલ નકશા પર તમારું ઘર ચિન્હિત કરવા માટે લેપટોપ અથવા ડેસ્કટોપનો ઉપયોગ કરવો વધુ અનુકૂળ રહેશે.

પગલું 2 : કુટુંબની નોંધણી કરો

  • કુટુંબના મુખ્ય માણસનું નામ: કુટુંબના મુખ્ય માણસનું નામ દાખલ કરો. આ ફિલ્ડની બાજુમાં Tooltip આપવામાં આવેલ છે જે કુટુંબનો મુખ્ય માણસ કોણ ગણાય તે સમજવામાં મદદ કરશે.
  • મહત્વપૂર્ણ: નોંધણી પછી આ નામ બદલી શકાશે નહીં.
  • મોબાઇલ નોંધણી: કુટુંબના કોઈપણ સભ્યનો મોબાઇલ નંબર દાખલ કરો. એક કુટુંબ માટે માત્ર એક જ મોબાઇલ નંબર ઉપયોગમાં લેવો જોઈએ અને તે નંબર બીજા કોઈ કુટુંબ માટે ઉપયોગ કરી શકાશે નહીં.
  • ઈ-મેઈલ (વૈકલ્પિક): SE ID ઈ-મેઈલ દ્વારા મેળવવા માટે તમે ઈ-મેઈલ ID પણ આપી શકો છો.

પગલું 3 : ભાષા પસંદ કરો અને OTP ચકાસણી કરો

  • ભાષા પસંદગી: તમારી પસંદગીની ભાષા પસંદ કરો.
  • મહત્વપૂર્ણ: એકવાર પસંદ કરેલી ભાષા પછીથી બદલી શકાશે નહીં.
  • OTP ચકાસણી: નોંધાયેલ મોબાઇલ નંબર પર મોકલાયેલ One-Time Password (OTP) દાખલ કરીને ચકાસણી પૂર્ણ કરો.
  • સૂચન: OTP પ્રાપ્ત કરવા માટે મોબાઇલ નેટવર્ક યોગ્ય રીતે કાર્યરત હોવું જરૂરી છે.

પગલું 4 : તમારા રહેણાંક સ્થળની વિગતો ભરો

  • સ્થળની વિગતો: તમારો જિલ્લો પસંદ કરો અને PIN (વૈકલ્પિક) દાખલ કરો. ત્યારબાદ ગામ/શહેરનું નામ, વિસ્તાર અને નજીકનું ભૂચિહ્ન (Landmark) દાખલ કરીને “Search” પર ક્લિક કરો.

પગલું 5 : નકશામાં તમારુ ઘર દર્શાવવું

  • ઇન્ટરેક્ટિવ નકશો: નકશામાં લાલ માર્કર દેખાશે. આ માર્કરને ખેંચીને તમારા રહેણાંક મકાનના ચોક્કસ સ્થાન પર મૂકો. ત્યારબાદ “સેવ કરો અને આગળ” પર ક્લિક કરો. સ્થળ માહિતીની પુષ્ટિ માટે સંદેશ દર્શાવવામાં આવશે.
  • હેતુ: આ માહિતી ગણતરીદાર દ્વારા ઘરે-ઘરે મુલાકાત દરમિયાન SE માહિતીની પુષ્ટિ કરવા માટે ચોક્કસ ઘરયાદી બ્લોક (HLB) સાથે જોડવામાં મદદ કરશે.

પગલું 6 : પ્રશ્નાવલી પૂર્ણ કરવી

  • માહિતી દાખલ કરવી: ઘરયાદી અને મકાનોની ગણતરીની પ્રશ્નાવલી પૂર્ણ કરો.
  • માર્ગદર્શક ઉપકરણો: સહાય માટે પ્રશ્નોની નીચે આપેલ નોંધો, “Tooltips” અને “FAQs” નો ઉપયોગ કરો.
  • એકરૂપતા: આ પ્રશ્નાવલી ગણતરીદાર દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રશ્નાવલી જેવી જ છે. મકાન નંબર, જનગણના ઘર નંબર, જનગણના ઘરનો ઉપયોગ અને કુટુંબ નંબર જેવી કેટલીક વિગતો ગણતરીદાર દ્વારા સ્થળ મુલાકાત દરમિયાન અલગથી નોંધવામાં આવશે.
  • નેવિગેશન: આગળ વધતા પહેલાં વર્તમાન સ્ક્રીન પૂર્ણ કરવી ફરજિયાત છે, પરંતુ અગાઉની એન્ટ્રીઓમાં ફેરફાર કરવા માટે તમે પાછા જઈ શકો છો.

પગલું 7 : દાખલ કરેલી માહિતીની સમીક્ષા

  • પ્રિવ્યૂ (Preview): પ્રિવ્યૂ સ્ક્રીન દ્વારા વિભાગવાર દાખલ કરેલી તમામ માહિતી તપાસો। આ તબક્કે માહિતીમાં ફેરફાર કરી શકાય છે.
  • ડ્રાફ્ટ (Draft) તરીકે સેવ (Save) કરવું: અંતિમ તારીખ પહેલાં માહિતી ડ્રાફ્ટ તરીકે સેવ કરી શકાય છે અને પછી અંતિમ સબમિટ (Final Submit) કરી શકાય છે.

પગલું 8 : તમામ માહિતીની ખરાઇ કર્યા બાદ સબમિટ કરો

  • માહિતી લોક કરવી: માહિતીથી સંતોષ થયા પછી “અંતિમ સબમિટ” પર ક્લિક કરો. ત્યારબાદ ગણતરીદાર સિવાય કોઈપણ ફેરફાર શક્ય રહેશે નહીં.
  • સબમિશનની અંતિમ તારીખ: દરેક પેજ પર અંતિમ તારીખ દર્શાવવામાં આવશે. રાજ્ય/સંઘ પ્રદેશની અંતિમ તારીખ પહેલાં અંતિમ સબમિટ (Final Submit) ન કરવામાં આવે તો સ્વ-ગણતરી (SE) અધૂરી ગણાશે.
  • ID જનરેશન: સફળ સબમિશન બાદ “H” થી શરૂ થતી અનન્ય 11 અંકની SE ID જનરેટ થશે અને સ્ક્રીન પર દેખાશે. SE ID SMS અને ઈ-મેઈલ (જો આપેલ હોય) દ્વારા પણ મોકલવામાં આવશે. તેનો Screenshot રાખવો અને નોંધ કરી રાખવી સલાહરૂપ છે.
  • SE ID પુનઃપ્રાપ્ત કરવી: નોંધાયેલ મોબાઇલ નંબર દ્વારા પોર્ટલ પરથી SE ID ફરીથી મેળવવાની સુવિધા ઉપલબ્ધ છે.

પગલું 9 : ફિલ્ડ ચકાસણી વખતે SE ID તેને આપો

  • ગણતરીદારની મુલાકાત: જ્યારે ગણતરીદાર તમારા ઘરે મુલાકાતે આવે ત્યારે તમારું SE ID તેને આપો.
  • ID મેળવણી: જો SE ID ગણતરીદારના મોબાઇલમાં ઉપલબ્ધ SE ID સાથે મેચ થતી હશે, તો તમારી માહિતીની પુષ્ટિ કરી સ્વીકારવામાં આવશે. જો SE ID મેચ ન થતી હોય, તો ગણતરીદાર ફરીથી તમારી ઘરેલું માહિતી એકત્રિત કરશે.