Congress farmer protest: કોંગ્રેસની ખેડૂત અધિકાર યાત્રા મુદ્દે ભાજપની પહેલી પ્રતિક્રિયા; ડૉ. અનિલ પટેલે શું કહ્યું, જુઓ VIDEO

સોમવારે કોંગ્રેસની અમદાવાદમાં ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલી અને સભા યોજાઈ હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 16 Jun 2026 03:07 PM (IST)Updated: Tue, 16 Jun 2026 03:57 PM (IST)
bjp-anil-patel-criticizes-congress-on-gujarat-farmer-protest-and-tractor-rally

BJP on Congress Kisan Adhikar Yatra: ગુજરાત કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્નો અને માંગોને લઈને કરવામાં આવી રહેલા આંદોલન અને વિરોધ પ્રદર્શનો પર સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ (BJP) આકરા પ્રહારો કર્યા છે. પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે કોંગ્રેસની નીતિઓની આકરી ટીકા કરતા જણાવ્યું કે, કોંગ્રેસે હવે પોતાના સ્વાર્થ માટે ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકવાનું બંધ કરી દેવું જોઈએ.

ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ ભૂપેન્દ્ર પટેલ સરકાર 

પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે રાજ્ય સરકારની ખેડૂતલક્ષી કામગીરીના વખાણ કરતા જણાવ્યું કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને તેમની સરકાર ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે, અને હંમેશા તેમની પડખે ઊભી રહી છે. ખેડૂતોની કોઈપણ સમસ્યા હોય, મુખ્યમંત્રી તેનું યોગ્ય અને સકારાત્મક સમાધાન શોધી લાવે છે. 

ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે સ્પષ્ટ કર્યું કે, ભૂતકાળમાં જ્યારે પણ ખેડૂતોને જરૂર પડી છે, ત્યારે ભૂપેન્દ્રભાઈની સરકારે અનેક પેકેજીસ દ્વારા ખેડૂતોની માંગણી અને લાગણી કરતાં પણ વધારે આર્થિક સહાય પૂરી પાડી છે.

જમીન પાછી મેળવવા કોંગ્રેસના હવાતિયા 

ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે આક્ષેપ કર્યો કે, કોંગ્રેસ માત્ર ગુજરાતના ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું અને ભ્રમિત કરવાનું કામ કરી રહી છે. ખેડૂતોને ઉશ્કેરવા પાછળ કોંગ્રેસનો એકમાત્ર હેતુ ગુજરાતમાં પોતાની ગુમાવેલી રાજકીય જમીન પાછી મેળવવાનો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ કોંગ્રેસ પ્રેરિત આંદોલનની વાસ્તવિકતા હવે ખેડૂતો પણ સમજી ગયા છે અને તેઓ ખુદ હવે કોંગ્રેસનો વિરોધ કરી રહ્યા છે.

ખેડૂતોએ આંદોલનને આપ્યો સ્પષ્ટ જાકારો

તાજેતરમાં કિસાન કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલી અંગે વાત કરતા ડૉ. અનિલ પટેલે જણાવ્યું હતું કે, હાલની કિસાન કોંગ્રેસ પ્રેરિત રેલી અને આંદોલનથી ગુજરાતના મોટાભાગના ખેડૂતોએ પોતાની જાતને દૂર રાખી હતી, અને તેમાં જોડાયા નહોતા. મોટાભાગના ખેડૂતોએ કોંગ્રેસના આ આંદોલનને સ્પષ્ટપણે જાકારો આપી દીધો છે.