ગુજરાતનું અપમાન કરનાર મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધીની મોહબ્બતની દુકાનમાં વેચાતું નફરતનું ઝેર પી ગયા છે: ભાજપ

કરોડો ગુજરાતીઓને 'અભણ અને મૂર્ખ' કહેવા એ માત્ર શબ્દો નથી, પરંતુ તે 6.5 કરોડ ગુજરાતીઓના સ્વાભિમાન પર સીધો પ્રહાર અને ગુજરાતની ગરિમા તેમજ અસ્મિતાનું ઘોર અપમાન

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 08 Apr 2026 06:29 PM (IST)Updated: Wed, 08 Apr 2026 06:32 PM (IST)
ahmedabad-news-bjp-hits-back-at-mallikarjun-kharge-over-insulting-statement-on-gujaratis
HIGHLIGHTS
  • ગુજરાતીઓને 'કૌભાંડી' કહેનારા રાહુલ ગાંધી અને હવે જનતાને 'મૂર્ખ' કહેનારા ખડગે માનસિક બીમાર
  • 30-30 વર્ષથી જનતાએ સૂઝબુઝપૂર્વક કોંગ્રેસના 'કાળા પંજા' ને તિજોરી સુધી પહોંચવા દીધો નથી

Ahmedabad: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ વિરુદ્ધ કરવામાં આવેલા અપમાનજનક નિવેદન પર ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે આક્રોશ વ્યક્ત કર્યો છે. આ સાથે જ તેમણે ખડગેના નિવેદનને 6.5 કરોડ ગુજરાતીઓના સ્વાભિમાન પર સીધો પ્રહાર અને ગુજરાતની ગરિમા તેમજ અસ્મિતાનું ઘોર અપમાન ગણાવ્યું છે.

ડૉ. અનિલભાઈ પટેલે કોંગ્રેસની માનસિકતા પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, શું કોંગ્રેસને ગુજરાતીઓથી કોઈ વેર છે? શું તેમને ગુજરાતીઓની મહેનત, બુદ્ધિક્ષમતા અને દેશપ્રેમ દેખાતો નથી?

ગુજરાતની પવિત્ર ધરતીએ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, દયાનંદ સરસ્વતી, ડૉ. વિક્રમ સારાભાઈ અને કનૈયાલાલ મુનશી જેવા મહાન સપૂતો આપ્યા છે. આજે જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં ભારત વિશ્વ સ્તરે મજબૂત સ્થિતિમાં છે, ત્યારે કોંગ્રેસથી આ સહન થતું નથી.

'જલ બિન મછલી'ની જેમ 2014થી સત્તા વિના તરફડતા કોંગ્રેસ અને તેમના યુવરાજને ઇતિહાસની કડવી યાદો સતાવે છે. નેહરુજીના સમયમાં સરદાર પટેલનો વિરોધ હોય, ઇન્દિરાજીને સત્તા વિહોણા કરનાર મોરારજીભાઈ દેસાઈ હોય કે હવે સતત ત્રણ વખતથી મોદી-શાહની જોડીએ છીનવેલી સોનિયા ગાંધીની સલ્તનત હોય, કોંગ્રેસ હંમેશા ગુજરાતીઓથી ખીજાયેલી રહી છે.

તેમણે કહ્યું કે, ખડગેજી કદાચ રાહુલ ગાંધીએ લખેલી સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે. ખડગેના દિલમાં ગુજરાત માટે નફરત હળાહળ ઝેર ભરેલું છે. હૈયે હોય તેવું હોઠે આવે. અગાઉ મોદીજીને '100 માથાવાળા રાવણ' કહેનારા ખડગે અત્યારે રાહુલની મોહબ્બતની દુકાનમાં વેચાતું નફરતનું ઝેર પી ગયા હોય તેવું લાગે છે.

naidunia_image

હજુ બે દિવસ પહેલા જ આસામમાં ભાજપા-RSS ને 'ઝેરી સાપ' કહી નમાજ પહેલા મારી નાખવાની વાત કરનાર ખડગેજીની જીભ પર જાણે 'કિંગ કોબ્રાનો ડંખ' લાગ્યો છે. ગુજરાતીઓને 'કૌભાંડી' કહેનારા રાહુલ ગાંધી અને હવે જનતાને 'મૂર્ખ' કહેનારા ખડગેજી માનસિક બીમાર હોય તેમ જણાય છે, તેમને તાત્કાલિક મનોવૈજ્ઞાનિક સારવારની જરૂર છે.

વધુમાં ડૉ. પટેલે કહ્યું કે, સરદારના સ્ટેચ્યુનો વિરોધ કોણ કરતું હતું? વાઈબ્રન્ટ ગુજરાત થકી ગુજરાતમાં વ્યવસાય શરૂ કરનાર ઉદ્યમીઓને નોટિસો કોણે મોકલી હતી? નર્મદા યોજનામાં અવરોધો કોણે નાખ્યા અને ખેડૂતોની સબસિડીમાં કાપ કોણે મૂક્યો? ગુજરાત આજે જે શાંતિ, સલામતી અને સમૃદ્ધિનો પર્યાય છે, તે કરોડો ગુજરાતીઓના પરિશ્રમનું ફળ છે, પરંતુ કોંગ્રેસને આ સફળતા ખટકે છે. રાજનીતિનું સ્તર આ હદે ઉતારી દેવું એ શાહી પરિવારની કોંગ્રેસની બૌદ્ધિક નાદારી બતાવે છે. કદાચ રાજ્યસભાના રિન્યુઅલ માટે ખડગેજી યુવરાજને ખુશ કરી રહ્યા છે.

અંતમાં તેમણે જણાવ્યું કે, દેશના GDPમાં 8 ટકા ફાળો આપતું અને ફાર્મા, કેમિકલ, જેમ્સ એન્ડ જ્વેલરીમાં અગ્રેસર ગુજરાત ક્યારેય મૂર્ખ ન હોઈ શકે. 30-30 વર્ષથી જનતાએ સૂઝબુઝપૂર્વક કોંગ્રેસના 'કાળા પંજા' ને તિજોરી સુધી પહોંચવા દીધો નથી, ગુજરાતના કોઠાસૂઝવાળા નાગરિકો સમય આવ્યે EVM માં શાંતિપૂર્ણ રીતે જડબાતોડ જવાબ આપીને કોંગ્રેસના અહંકારને ચોક્કસપણે ચૂર-ચૂર કરશે.