કોંગ્રેસની ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલી, ઓગણજ મેદાને પહોંચી; કોંગી નેતાઓએ ટ્રેક્ટરના સ્ટિયરિંગ સંભાળ્યા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

96,000 કરોડની દેવા માફી અને મફત વીજળીની માંગ સાથે ખેડૂતોની ટ્રેક્ટર રેલી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 15 Jun 2026 10:58 AM (IST)Updated: Mon, 15 Jun 2026 03:21 PM (IST)
gujarat-congress-farmers-rally-with-1111-tractor-ahmedabad-to-gandhinagar

Gujarat Congress Tractor March: ગુજરાતમાં ખેડૂતોના પડતર પ્રશ્નો અને અધિકારો માટે આજે 15 જૂન, સોમવારે કોંગ્રેસ દ્વારા વિશાળ 'ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર રેલી' નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરના ખેડૂતોની 1111 ટ્રેક્ટરો સાથે અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રામાં 20થી વધુ ખેડૂત સંગઠન જોડાયા છે.

ગુજરાત કોંગ્રેસની 'ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર રેલી'

ગુજરાત કોંગ્રેસની ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર રેલીનું સંકલન સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટીયા અને જીજ્ઞેશ મેવાણી સંભાળી રહ્યા છે. આ વિશાળ રેલીને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના નેતા ડો. તુષાર ચૌધરીએ ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યા હતા.

ગાંધીનગર સુધી નહીં જઈ શકાય, મંજૂરી ન મળી

ઝોન 1 DCP હર્ષદ પટેલે જણાવ્યું કે, ઓગણજ પાસે આવેલા શતાબ્દી મેદાનમાં સભાને મંજૂરી આપવામાં આવી છે. ટ્રેક્ટર રેલીને શાંતિપુરા સર્કલથી ઓગણજ સુધી જ મંજૂરી આપવામાં આવી છે. તેથી ત્યાંથી આગળ રેલી જશે નહીં.

બીજી તરફ કોંગ્રેસ નેતા અમિત ચાવડા અને ડૉ. તુષાર ચૌધરી 50 પ્રતિનિધિ સાથે ગાંધીનગર જવા દેવાની મંજૂરી આપવામાં આવે તે માટે સરકાર સાથે વાટાઘાટો કરી રહ્યા છે. 50 પ્રતિનિધિઓને બોલાવીને સરકાર રજૂઆત સાંભળે તે માટે ગુજરાત કોંગ્રેસનું પ્રદેશ નેતૃત્વ સરકાર સાથે વાતચીત કરી રહ્યું છે.

કોંગી નેતાઓએ ટ્રેક્ટરના સ્ટિયરિંગ સંભાળ્યા

અમદાવાદની શાંતિપુરા ચોકડીથી કોંગ્રેસની ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલી નીકળી છે. કોંગ્રેસી નેતાઓએ ટ્રેક્ટરના સ્ટિયરિંગ સંભાળ્યા છે. જેમાં અમિત ચાવડા ખુદ ટ્રેક્ટર લઈ નીકળ્યા હતા. બીજી તરફ પ્રગતિ આહિર ગેનીબેન અને કરસન ભાદરકાને ટ્રેક્ટરમાં બેસાડી નીકળ્યા હતા.  થોડીવારમાં ઓગણજ મેદાનમાં ખેડૂતોની રેલી પહોંચશે.

naidunia_image

શાંતિપુરા ચોકડી ખાતે સેંકડો ખેડૂતો ઉમટ્યા

અમદાવાદની શાંતિપુરા ચોકડી ખાતે સેંકડો ખેડૂતો ઉમટી પડ્યા છે. બધા એકસૂરે પોતાની પડતર માંગણીઓ અને રજૂઆત અંગે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આ દરમિયાન મોરબીના એક ખેડૂત આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જેઓ પોતાનું હળ લઈને આવ્યા છે. સાથે જ તેમની કાર પર "ખેડૂત મજબૂત તો દેશ મજબૂત" જેવા સ્લોગન પેઇન્ટ કરવામાં આવ્યા છે.

naidunia_image

રેલીમાં આવેલા ખેડૂતોએ શું કહ્યું?

કોંગ્રેસ દ્વારા આયોજીત ટ્રેક્ટર રેલીમાં આવેલા ખેડૂતોએ રોષ સાથે જણાવ્યું હતું કે, આ વીજનો થાંભલો એ ખેતરમાં નહીં, પરંતુ ખેડૂતની છાતી પર ખોડાતો થાંભલો છે. પોલીસને સાથે રાખી ખેડૂતો સાથે કરાતો દમન યોગ્ય નથી. સરકારે આ બાબતે યોગ્ય ઘટતું કરવું જોઈએ.

naidunia_image

ખેડૂતોની 5 મુખ્ય માંગણી અને અલ્ટીમેટમ 

ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર યાત્રા દ્વારા ખેડૂતો સરકાર સમક્ષ મુખ્ય 5 માંગણી રજૂ કરશે. આ માગણીઓમાં દેવા માફી, મફત વીજળી, અને જમીન અધિગ્રહણના મુદ્દાઓ મુખ્ય છે. જો સરકાર આ માંગણી નહીં સ્વીકારે તો ગાંધીનગર ખાતે ઉગ્ર ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

naidunia_image

સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ જણાવ્યું છે કે, સરકાર ખેડૂતને 'જગતનો તાત' કહે છે પરંતુ તેમને અવારનવાર 'સરકારની લાત' પડે છે. તેમણે માંગ કરી છે કે, ગુજરાતના 56 લાખ ખેડૂતોનું 96 હજાર કરોડ રૂપિયાનું દેવું માફ કરવામાં આવે અને ખેડૂતોને તેમના પાકના વ્યાજબી ભાવ તથા મફત વીજળી અપાય.

કંપનીઓની દાદાગીરી અંગે ગંભીર આક્ષેપ 

કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલીયાએ વીજ કંપનીઓ પર નિશાન સાધતા કહ્યું કે, ખાનગી કંપનીઓ પોલીસ રક્ષણ સાથે દાદાગીરીથી ખેડૂતોના ખેતરમાં ઘૂસીને તમામ નિયમો નેવે મૂકી પાવર લાઈન નાખી રહી છે. ગુજરાત સરકારના મિનિસ્ટર, IAS અને IPS ઓફિસરો બળજબરીથી ખેડૂતોના ખેતરમાં કંપનીની લાઈનો નખાવી રહ્યા છે.

જો સરકાર ખેડૂતોની આ વેદના નહીં સમજે તો આગામી દિવસોમાં ગુજરાતમાં ખેડૂતો ધામા નાખશે અને સરકારને જવાબ આપવો ભારે પડી જશે તેવી ચેતવણી ખેડૂત નેતાઓ દ્વારા આપવામાં આવી છે.

AAP નું સમર્થન અને નેતાઓનો જમાવડો

કોંગ્રેસના આ ખેડૂત આંદોલનને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પણ ખુલ્લું સમર્થન આપવામાં આવ્યું છે. AAP પ્રદેશ નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિતના આગેવાનો આ ટ્રેક્ટર રેલીમાં જોડાઈને ખેડૂતો સાથે ખભેખભો મિલાવી રહ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા પ્રવીણ રામે પણ ખેડૂત અધિકાર ટ્રેક્ટર યાત્રાને સમર્થન જાહેર કર્યું છે.