આજે ગાંધીનગરમાં ખેડૂતોની વિશાળ ટ્રેક્ટર કૂચ, 20થી વધુ સંગઠનો જોડાશે; કોંગ્રેસનું આયોજન અને AAPનું સમર્થન

ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલી સોમવારે સવારે 11 વાગ્યે સાણંદથી ગાંધીનગર જશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 15 Jun 2026 08:18 AM (IST)Updated: Mon, 15 Jun 2026 09:57 AM (IST)
gujarat-congress-kisan-adhikar-tractor-rally-in-gandhinagar-aap-support

Gujarat Farmers Tractor Rally, Congress Kisan Adhikar Yatra: ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને રાજકારણ ગરમાયું છે, જેને પગલે કોંગ્રેસ દ્વારા 15 જૂન, સોમવારના રોજ પાટનગર ગાંધીનગરમાં "ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલી" યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ વિશાળ ટ્રેક્ટર કૂચમાં અંદાજે 20થી વધુ ખેડૂત સંગઠનો જોડાવા જઈ રહ્યા છે, અને આમ આદમી પાર્ટીએ (AAP) પણ સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે.

naidunia_image

સાણંદથી ગાંધીનગર "ખેડૂતોની ટ્રેક્ટર રેલી"

કિસાન કોંગ્રેસ અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ યાત્રા સોમવારે સવારે 11 વાગ્યે સાણંદના શાંતિપુરા સર્કલથી શરૂ થશે. કોંગ્રેસ પક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ રેલી સંપૂર્ણપણે લોકશાહી ઢબે અને શાંતિપૂર્ણ રહેશે, જેમાં અમિત ચાવડા અને તુષાર ચૌધરી જેવા વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહેશે.

ખેડૂતોની મુખ્ય માંગણી અને વિરોધનું કારણ

ખેડૂતો આ રેલી મારફતે રાજ્ય સરકાર સમક્ષ મુખ્યત્વે પોષણક્ષમ ભાવ, જમીનનું યોગ્ય વળતર અને ખેડૂતોની દેવા માફી માટેની માંગણીઓ રજૂ કરવાના છે. હાલમાં ખેડૂતોનો સૌથી મોટો વિરોધ એ વાતનો છે કે સરકારી અધિકારીઓ દ્વારા ખાનગી કંપનીઓ માટે ખેતીની જમીનમાંથી પસાર થતી પાવરગ્રીડ વીજ લાઈન અને થાંભલા નાખવામાં આવી રહ્યા છે.

'ખેડૂતો પર અત્યાચાર થયો' : ખેડૂત નેતા પ્રવીણ રામ

AAP ખેડૂત નેતા પ્રવીણ રામે જણાવ્યું કે, એક તરફ કુદરતી આફતો અને બીજી તરફ બિયારણ તથા ખાતરના વધતા ભાવોને કારણે ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. કેટલીક ખાનગી કંપનીઓ પોલીસ પ્રોટેક્શન સાથે ખેડૂતોના ખેતરોમાં બળજબરીથી થાંભલા નાખવાનું કામ કરી રહી છે, જેનાથી ખેડૂતો અને તેમના પરિવારજનો પર અત્યાચાર થઈ રહ્યો છે. 

અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર મળે અને ગેરરીતે નાખવામાં આવેલા થાંભલાઓનો વિરોધ કરવા રાજ્યભરના ખેડૂતો ગાંધીનગર તરફ કૂચ કરશે. પ્રવીણ રામે સ્પષ્ટ કર્યું છે કે, આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ પણ ટ્રેક્ટર રેલીમાં હાજર રહેશે. જ્યાં સુધી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી AAP પાર્ટી ખેડૂતો સાથે ખભે ખભો મિલાવીને લડત ચાલુ રાખશે.