ગાંધીનગરમાં ગરજશે '1111 ટ્રેક્ટર', કોંગ્રેસની ખેડૂત અધિકાર યાત્રામાં આવતા ખેડૂતોની અંકલેશ્વરમાં અટકાયત

15 જૂન, સોમવારે સાણંદથી ગાંધીનગર સુધી ગુજરાત કોંગ્રેસની 'ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલી' યોજાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 14 Jun 2026 04:02 PM (IST)Updated: Sun, 14 Jun 2026 04:02 PM (IST)
gujarat-congress-kisan-adhikar-yatra-tractor-rally-gandhinagar-ankleshwar-farmer-detention

Gujarat Farmers Tractor Rally, Congress Kisan Adhikar Yatra: ગુજરાતમાં ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને રાજકારણ ગરમાયું છે. ગુજરાતના મુખ્ય વિપક્ષ કોંગ્રેસ પક્ષ દ્વારા 15 જૂન, સોમવારના રોજ પાટનગર ગાંધીનગરમાં "ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલી" યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આયોજકોના જણાવ્યા અનુસાર સાણંદથી ગાંધીનગર તરફની આ કૂચમાં લગભગ 1,111 જેટલા ટ્રેક્ટર જોડાશે.

ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલી અને મુખ્ય માંગણી

કિસાન કોંગ્રેસ અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ રેલી સોમવારે સવારે 11 વાગ્યે સાણંદના શાંતિપુરા સર્કલથી શરૂ થશે. એક અખબારી યાદીમાં કોંગ્રેસ પક્ષે આરોપ લગાવ્યો છે કે વર્તમાન ભાજપ સરકારની નીતિઓના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

ખેડૂતો રાજ્ય સરકાર સમક્ષ પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરવાના છે, જેમાં મુખ્યત્વે પોષણક્ષમ ભાવ, જમીનનું યોગ્ય વળતર અને ખેડૂતોની દેવા માફીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સરકારી અધિકારીઓ દ્વારા ખાનગી કંપનીઓ માટે ખેતીની જમીનમાંથી પસાર થતી પાવરગ્રીડ વીજ લાઈન નાખવામાં આવી રહી છે, જેનો ખેડૂતો સખત વિરોધ કરી રહ્યા છે.

રેલીમાં જોડાવા ગુજરાતભરના ખેડૂતોને આહવાન

આ રેલી લોકશાહી ઢબે અને શાંતિપૂર્ણ રહેશે તેવો દાવો કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં અમિત ચાવડા અને તુષાર ચૌધરી જેવા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સભાને સંબોધિત કરશે તેવી અપેક્ષા છે. આ રેલીમાં જોડાવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતભરના ખેડૂતોને આહવાન કરવામાં આવ્યું છે.

naidunia_image

અંકલેશ્વરમાં ખેડૂતોની અટકાયત, ઘર્ષણનો માહોલ

ગાંધીનગર જઈ રહેલા ખેડૂતોને માર્ગમાં મોટો અવરોધ નડ્યો હતો. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકના ખેડૂતો 25 ટ્રેક્ટર અને 50 કારના કાફલા સાથે ગાંધીનગર જવા રવાના થયા હતા, જ્યાં કોંગ્રેસના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું.

naidunia_image

જોકે, અંકલેશ્વરની કડકડિયા કોલેજ નજીક પોલીસે મંજૂરી ન હોવાનું કારણ આપીને ખેડૂતોની ટ્રેક્ટર રેલીને અટકાવી દીધી હતી. પોલીસની આ કાર્યવાહીથી નારાજ ખેડૂતો રસ્તા પર બેસી ગયા હતા, અને ભારે વિરોધ નોંધાવ્યો હતો. જેના પરિણામે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.

પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે 10થી વધુ ખેડૂતોની અટકાયત કરી હતી, અને તેમને એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો અને થોડા સમય માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.