TET પરીક્ષાના વિરોધમાં ગુજરાતના શિક્ષકોએ રણશિંગુ ફૂંક્યું, 15 જૂનથી ત્રણ તબક્કામાં આંદોલનનો કાર્યક્રમ જાહેર

સર્વોચ્ચ અદાલતના 2010 પહેલાના શિક્ષકો માટે TET પાસ કરવાનો ચુકાદો અપાયા બાદ ગુજરાતના 75 હજાર જેટલા શિક્ષકોની નોકરી જોખમમાં મૂકાઈ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 13 Jun 2026 10:08 PM (IST)Updated: Sat, 13 Jun 2026 10:08 PM (IST)
tet-controversy-gujarat-teachers-protest-announce-three-phase-agitation-program-from-june-15
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • ગુજરાતના 75 હજાર શિક્ષકોની નોકરી પર તોળાતું જોખમ
  • સંસદના ચોમાસું સત્ર દરમિયાન રાષ્ટ્રવ્યાપી આંદોલનની તૈયારી

TET Exam Protest: દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા 2010 પહેલાના શિક્ષકોને TET પાસ કરવાનો ચુકાદો આપવામાં આવ્યો છે. જેના પગલે ગુજરાતના 75 હજાર જેટલા શિક્ષકોની નોકરી પર ખતરો તોળાઈ રહ્યો છે. એવામાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા TET ફરજિયાત કરવાના નિર્ણય સામે રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરવામાં આવી છે.

આ અંગે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ (AIPTF)ના આદેશ અનુસાર, શિક્ષકોની સેવા અને વ્યવસાયિક ગૌરવની રક્ષા માટે આગામી 15 જૂનથી વિવિધ વિરોધ પ્રદર્શનો યોજવામાં આવશે.

હકીકતમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાતના 75 હજાર ઉપરાંત દેશના 25 લાખ જેટલા શિક્ષકોને ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (TET) આપવી પડશે. જો કે કોર્ટે રીવ્યુ પીટિશનની સુનાવણીમાં તમામ સેવારત શિક્ષકો માટે TET પાસ કરવાની મુદ્દત વધારીને 31 ઓગસ્ટ 2028 કરી દીધી છે.

આ નિર્ણયની અસર દેશભરના હજારો અનુભવી શિક્ષકો પર પડી રહી છે, જેમના વ્યવસાયિક ભવિષ્ય અને આજીવિકા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે.આ બાબતે દિલ્હી ખાતે મળેલી AIPTFની એક્શન કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ હવે ગુજરાતમાં પણ આંદોલન તેજ કરવામાં આવશે

ગુજરાતમાં ત્રણ તબક્કામાં શિક્ષકો આંદોલન કરશે

આ અંગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ ડી. જાડેજા અને મહામંત્રી જૈમિનકુમાર એન. પટેલે સંયુક્ત યાદીમાં આંદોલનના ત્રણ મુખ્ય તબક્કા જાહેર કર્યા છે.

  • પ્રથમ તબક્કો (15 થી 30 જૂન, 2026): જિલ્લા કક્ષાએ ધરણાં કાર્યક્રમ યોજીને જે-તે વિસ્તારના સાંસદ સભ્યો, ધારાસભ્યો અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવશે
  • બીજો તબક્કો (5 થી 20 જુલાઈ, 2026): રાજ્ય કક્ષાએ ઉગ્ર વિરોધ સાથે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આવેદનપત્ર અપાશે. આ ઉપરાંત, પ્રેસ કોન્ફરન્સ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે
  • ત્રીજો તબક્કો (1 થી 12 ઓગસ્ટ, 2026): અત્યાર સુધીની પ્રવૃત્તિઓની સમીક્ષા કરી કાનૂની અને વહીવટી પાસાઓ ચકાસવામાં આવશે. જે બાદ સંસદના ચોમાસું સત્ર દરમિયાન રાષ્ટ્રવ્યાપી આંદોલનની તૈયારીઓ કરવામાં આવશે