Gandhinagar: ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા તેમજ વિવિધ પ્રોજેક્ટ્સના અમલીકરણ માટે એક મહત્ત્વનો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત શિક્ષણ વિભાગમાં વર્ગ 3 અને વર્ગ 4ની ખાલી જગ્યાઓ હવે આઉટસોર્સિંગ એજન્સીઓ મારફતે ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ગાંધીનગર સ્થિત સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ ઑફિસ દ્વારા સત્તાવાર પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ વિભાગમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ વર્ગ 3માં ડેટા ઑપરેટર અને ઑફિસ આસિસ્ટન્ટ તેમજ વર્ગ 4માં પટ્ટાવાળા, સ્વીપર અને ચોકીદાર જેવી ખાલી જગ્યાઓ પર સીધી ભરતી કરવાની જગ્યાએ આઉટસોર્સિંગ એજન્સીઓ મારફતે ભરવાની સૂચના આપવામાં આવી છે. આ ભરતી સંપૂર્ણ કરાર આધારિત અથવા આઉટસોર્સિંગ એજન્સી મારફતે ટૂંકા ગાળા માટે જ કરવામાં આવશે.
ભરતીની પ્રક્રિયા માટે જિલ્લા કલેક્ટર અથવા જિલ્લા પંચાયત દ્વારા માન્ય કરવામાં આવેલી આઉટસોર્સિંગ એજન્સીઓ કે કંપનીઓનો સંપર્ક કરી નિયમોનુસાર કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.
આ આદેશથી રાજ્યના શિક્ષણ વિભાગમાં લાંબા સમયથી ખાલી પડેલી વહીવટી જગ્યાઓ પર નવી ભરતીનો માર્ગ મોકળો થયો છે. બીજી તરફ આ પરિપત્ર બાદ શિક્ષણ વિભાગમાં સરકારી ભરતીના દરવાજા બંધ થઈ ગયા હોવાના સવાલો પણ ઉઠવા લાગ્યા છે.
