Amit Shah Gujarat Visit: ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે આજે સોનીપુર ખાતે કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં રૂ. 340 કરોડના 84 જેટલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ પૂર્વે બંને મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
આજે યોજાયેલાં આ કાર્યક્રમોમાં સરકારી વિભાગો સાથે ખાનગી સંસ્થાઓના CSR ફંડના સહયોગથી ગુડા (GUDA), પંચાયત હસ્તકના તથા માર્ગ-મકાન વિભાગના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તદુપરાંત, રેલવે હસ્તકના અન્ડરબ્રિજનાં કાર્યોનું પણ લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું.
આ પ્રસંગે ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રાજ્યમાં વહેતી વિકાસની સરવાણીનું શ્રેય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારને આપતાં કહ્યું કે, ગાંધીનગર સંસદીય મતવિસ્તારને દેશનો સૌથી વિકસિત વિસ્તાર બનાવવાના દ્રઢ સંકલ્પ સાથે વિકાસ કાર્યોની વણઝાર શરૂ થઈ ચૂકી છે.
ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આજે રૂ. 340 કરોડનાં કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ છેલ્લાં 10 દિવસમાં અંદાજે રૂ. 1200 કરોડનાં વિવિધ વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવ્યા છે. જે દર્શાવે છે કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઉદ્યોગ ગૃહોના સીએસઆર (CSR) ફંડની સહાયથી ગામડાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દરેક ગામ આત્મનિર્ભર અને સુવિધાસભર બને તેવા વિઝનનો ઉલ્લેખ કરતા ગૃહ મંત્રીએ જણાવ્યું કે, માત્ર નાણાકીય ભંડોળ જ મહત્વનું નથી, પરંતુ દરેક ગામડું આત્મનિર્ભર બને અને તમામ આવશ્યક સુવિધાઓથી સજ્જ થાય તે સરકારની પ્રાથમિકતા છે.
દરેક નાગરિક સન્માનપૂર્વકનું જીવન જીવે તે માટે ગામડાઓમાં ઉત્તમ શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા અને પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. વધુમાં વધુ યુવાનોમાં વાંચનની ટેવ કેળવાય તે માટે ગ્રામીણ પુસ્તકાલયોની સ્થાપના કરવામાં આવી છે, જેને ગાંધીનગરની લાઇબ્રેરી સાથે સાંકળવામાં આવશે. એટલું જ નહીં, વર્ષ 2029 સુધીમાં ગાંધીનગરના દરેક ગામમાં એક પુસ્તકાલય, બગીચો અને સુંદર મનોરંજન સ્થળો ઉપલબ્ધ થાય તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસલક્ષી નીતિઓને ધ્યાનમાં રાખીને જ નાગરિકોએ તેમને સત્તાનું સુકાન સોંપ્યું છે. મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં તેમણે આપેલું 'ગુજરાત વિકાસ મોડેલ' આજે કાશ્મીરથી કન્યાકુમારી અને સોમનાથથી ગંગાસાગર સુધી સમગ્ર દેશમાં સ્વીકૃત બન્યું છે.
તાજેતરમાં પશ્ચિમ બંગાળની ચૂંટણીનાં પરિણામોનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, બાંગ્લાદેશ સરહદે ફેન્સિંગનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. અગાઉની સરકારના શાસનમાં જ્યાં દરરોજ ઘૂસણખોરી થતી હતી, ત્યાં હવે ઘૂસણખોરો સ્વેચ્છાએ પરત ફરી રહ્યા છે. સરકારે ડિટેન્શન સેન્ટરો પણ બનાવ્યા છે, જે ઘૂસણખોરો પોતાની મરજીથી દેશ છોડશે તેમની સામે કાનૂની કેસ નહીં થાય અને સરકાર તેમને મદદ પણ કરશે.
વિદેશી ઘૂસણખોરોને વીણી-વીણીને દેશની બહાર કાઢવા માટે સરકાર મક્કમ
રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી, ઘૂસણખોરોને વીણી-વીણીને દેશની બહાર કાઢવા માટે સરકાર મક્કમ છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 'ડેમોગ્રાફિક ચેન્જ કમિશન'ની રચના કરવાનો નિર્ણય લેવાયો છે, જે દેશમાં થઈ રહેલા કૃત્રિમ વસ્તી વિષયક ફેરફારોની તપાસ કરી એક વર્ષમાં રિપોર્ટ આપશે અને જરૂર પડ્યે કડક કાયદો પણ બનાવવામાં આવશે, તેવું તેમણે દૃઢતાપૂર્વક કહ્યું હતું.
વીર સાવરકરજીની જન્મજયંતી નિમિત્તે તેમને ભાવવંદના કરતાં તેમણે કહ્યું કે, તેઓ એવા રાષ્ટ્રભક્ત હતા, જેમને દેશનું દરેક બાળક આદરપૂર્વક 'વીર સાવરકર' તરીકે ઓળખે છે. આઝાદીના આંદોલન દરમિયાન તેમને બે જન્મટીપની સજા થઈ હતી. કાળાપાણીની સજા દરમિયાન જેલની દીવાલો પર લોહીથી કાવ્યો લખનાર અને 1857ના સંગ્રામને 'સ્વતંત્ર સંગ્રામ'નું નામ આપનાર સાવરકરે સામાજિક ક્ષેત્રે અસ્પૃશ્યતા નિવારણ અને દલિતો માટે પતિત પાવન મંદિર નિર્માણ જેવા ક્રાંતિકારી કાર્યો કર્યાં હતાં.
