Solar Rooftop Installation: ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવના પગલે ઈંધણ પૂરવઠા પર પડી રહેલી અસર અંગે વડાપ્રધાન મોદીએ ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાને દેશના નાગરિકો તેમજ સરકારી સંસ્થાઓને ઈંધણ બચાવવા અને ગ્રીન એનર્જીનો વ્યાપ વધારવા માટે અપીલ કરી હતી. PM મોદીએ કરેલી અપીલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠલ ગુજરાત સરકારે ઝીલી લીધી છે.
વડાપ્રધાન મોદીની આ અપીલને હકારાત્મક પ્રતિસાદ આપતા રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કૃષિ વિભાગ હસ્તકની તમામ કચેરીઓ, બોર્ડ્સ, નિગમો અને શૈક્ષણિક સંસ્થાઓમાં તાત્કાલિક ધોરણે સોલાર રૂફટોપ લગાવવા માટેનો આદેશ આપ્યો છે.
આ અંગે વિગતો આપતા જીતુ વાઘાણીએ જણાવ્યું કે, સરકારી કચેરી-સંસ્થાઓમાં સોલર રૂફટોપ લગાવવાથી પરંપરાગત ઈંધણ દ્વારા ઉત્પાદિત થતી વીજળી પરની નિર્ભરતા ઘટશે અને સૌર ઊર્જા જેવા પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોના વપરાશને પ્રોત્સાહન મળશે.
તમામ કચેરીઓ 7 દિવસમાં દરખાસ્ત તૈયાર કરીને GEDAમાં મોકલી આપશે
મંત્રીની સૂચનાને પગલે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકની તમામ ખાતાના વડાની કચેરીઓ, કૃષિ યુનિવર્સિટીઓ, બોર્ડ્સ, નિગમો તેમજ તમામ જિલ્લા અને તાલુકા મથકોની કચેરીઓ જ્યાં હજુ સુધી સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવાનું બાકી છે, ત્યાં આ પ્રોજેક્ટ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવશે.
યુદ્ધના ધોરણે આ કામગીરી પૂર્ણ કરવા માટે તમામ સંબંધિત કચેરીઓ આગામી 7 દિવસમાં પોતાની દરખાસ્ત તૈયાર કરી ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA)ને મોકલી આપશે.
કૃષિ વિભાગની આ પહેલથી સરકારી કચેરીઓના વીજ બિલમાં મોટો ઘટાડો થશે. આ સાથે જ ગુજરાત ક્લીન અને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં દેશભરમાં અગ્રેસર રહેવાના વડાપ્રધાનના સંકલ્પને વધુ મજબૂત બનાવશે.
