Gir Lion Death: ગીરના જંગલોમાં બેબીસીયાનો રોગચાળો પ્રસરતા સિંહોના અકાળે થઈ રહેલા મોતના પગલે વન વિભાગ અને ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે.
અન્ય સિંહોને આ રોગથી સંક્રમિત થતાં અટકાવવા માટે વન વિભાગ દ્વારા ગીરના સિંહોનુ સ્ક્રીનિંગ કરવા માટે ટીમો ઉતારવામાં આવી છે. એવામાં આ ગંભીર મુદ્દે વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા, સંક્રમિત સિંહોની સારવાર શરૂ
આ અંગે વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, સિંહોના મોતના ચોક્કસ કારણો જાણવા માટે તેમજ અન્ય સિંહોને બચાવવા માટે વન વિભાગ અને તબીબોની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
અત્યારે મૃત્યુ પામેલા સિંહોના સેમ્પલ મેળવી લેવામાં આવ્યા છે. જેને સચોટ તપાસ માટે ગુજરાત બાયોટેક્નોલૉજી રિસર્ચ સેન્ટર (GBRC) ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત જે સિંહોમાં વાઇરસના લક્ષણો દેખાયા છે અને જે સંક્રમિત છે, તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.
10 કિલોમીટરનો વિસ્તાર આઈસોલેટ કરવામાં આવ્યો
આ વાઇરસ વધુ ના ફેલાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત વાઇરસથી અસરગ્રસ્ત 10 કિલોમીટરના વિસ્તારને સીલ કરીને ત્યાં સિંહોને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ, આ રોગ બેબીસીયા વાઇરસનો હોવાનું સામે આવ્યું છે, જે ઈતરડી નામની જીવાત કરડવાથી ફેલાય છે.વન વિભાગની ટીમો દ્વારા જંગલ વિસ્તારમાં ઈતરડીનો નાશ કરવા માટે ખાસ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી અન્ય તંદુરસ્ત સિંહોને વાઇરસની અસર ના થાય. આ ઉપરાંત જૂનાગઢ વેટરનરી કૉલેજના નિષ્ણાંત ડોક્ટરો તેમજ અન્ય અન્ય તબીબોની ટીમ હાલ ગીરના જંગલમાં સતત સિંહોની સ્થિતિ પર 24 કલાક નજર રાખી રહી છે.
PMO અને મુખ્યમંત્રીની સ્થિતિ પર સીધી નજર
આ ઘટનાની ગંભીરતાને જોતા માત્ર રાજ્ય સરકાર જ નહીં, પરંતુ કેન્દ્ર સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી આ મામલે સતત મોનિટરિંગ કરીને વન વિભાગને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને ગીર વિસ્તારમાં થયેલા સિંહ બાળ મૃત્યુ અંગેની તલસ્પર્શી વિગતો મેળવી...
— Gujarat Information (@InfoGujarat) May 27, 2026
🔹 4 સિંહ બાળના મૃત્યુ જુદા જુદા વિસ્તારોમાં થયા છે અને આ વિસ્તારના કુલ 17 જેટલા સિંહોને આઇસોલેટ કરીને તેની કાળજી લેવામાં આવી રહી… pic.twitter.com/qgaU4VTy58
ગઈકાલે જ મુખ્યમંત્રીએ આ મુદ્દે ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી અને ગીરના રાજા ગણાતા એશિયાટિક સિંહોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવા માટે કડક માર્ગદર્શન અને આદેશો આપ્યા છે.
