Gandhinagar accident news: અમદાવાદમાં પારિવારિક પ્રસંગ માણીને મોડી રાત્રે કલોલ પરત ફરી રહેલા પરિવારને અડાલજ પાસે અકસ્માત નડ્યો હતો. જ્યુપિટર ચાલક પુત્રએ હાઈવે પર પૂરઝડપે વાહન ચલાવી બમ્પ પર કુદાવતા પાછળ બેસેલા તેના 71 વર્ષીય માતા રોડ પર પટકાતા ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા, અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
દાવત પૂર્ણ કરી પરિવાર જઈ રહ્યો હતો કલોલ
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કલોલના પાંચ હાટડી બજારમાં રહેતા રીઝવાનભાઈ મન્સૂરી અને તેમનો પરિવાર ગત 25 એપ્રિલના રોજ અમદાવાદના દરિયાપુર ખાતે તેમના મોટાભાઈ જાવેદભાઈના ઘરે દાવતમાં ગયા હતા. આ કાર્યક્રમ પૂરો કરીને રાત્રે આશરે સાડા અગિયાર વાગે આખો પરિવાર કલોલ જવા રવાના થયો હતો. રસ્તામાં રિઝવાનભાઈ અને તેમની પત્ની એક્સેસ સ્કૂટર પર આગળ જઈ રહ્યા હતા.
શ્રીનાથ ચોકડી પાસે બંપ કૂદતા થયો અકસ્માત
જ્યારે તેમની પાછળ ઈરફાનભાઈ મન્સૂરી જ્યુપિટર પર માતા નસીમબાનુને પાછળ બેસાડીને જઈ રહ્યા હતા. દરમિયાન રાત્રે પોણા એકના અરસામાં અડાલજ ઝુંડાલ રોડ પર શ્રીનાથ ચોકડી પાસે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ઈરફાનભાઈએ બમ્પ કૂદાવી વાહન પરનો કાબૂ ગુમાવતા તેમના માતા નસીમબાનુ જ્યુપિટર પરથી નીચે પટકાયા હતા.
આ પણ વાંચો: મ્યુલ બેંક એકાઉન્ટ મારફતે સાયબર ફ્રોડના રૂ. 288 કરોડની હેરાફેરી, CID ક્રાઈમે દરોડા પાડી 8ને દબોચ્યા
અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત
આ ઘટના બનતા રિઝવાનભાઈએ પાછળ આવીને જોયું તો તેમના માતા બેભાન હાલતમાં લોહીલુહાણ પડ્યા હતા. તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ ગાંધીનગર અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ માતા નસીમબાનુનું કરુણ મોત નીપજ્યું હતું.
નાના ભાઈએ મોટા ભાઈ સામે નોંધાવી ફરિયાદ
આ મામલે નાના પુત્રએ પોતાના જ મોટા ભાઈ વિરુદ્ધ અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. બીજી તરફ વડીલ સભ્યના આવી ઓચિંતી વિદાયથી પરિવારની ખુશી માતમમાં ફેરવાઇ ગઈ છે. આ સમગ્ર બનાવ અંગે નાના ભાઈની ફરિયાદના આધારે અડાલજ પોલીસે મોટા ભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
