Gandhinagar Accident News: ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા ઓલા ગામની સીમમાં છત્રાલ હાઈવે રોડ પર એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીંથી બાઈક પર પસાર થઈ રહેલા કડી તાલુકામાં રહેતા યુવકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. આ બનાવમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતની વિગતો અનુસાર, રવિવારે મોડી સાંજે છત્રાલ હાઈવે રોડ પર બાઈક લઈને પસાર થઈ રહેલા 35 વર્ષીય યુવક ઈમ્તીયાઝને કોઈ અજાણ્યા વાહન ચાલકેપૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારીને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક સવાર યુવક રોડ પર પટકાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો.
આ પણ વાંચો
અકસ્માત બાદ સ્થાનિકો અને પરિજનો દ્વારા યુવકને તાત્કાલિક કલોલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યોહતો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે કલોલ તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
કડી તાલુકાના દેલ્લાગામમાં સાદરવાસ વિદ્યાલયની સામે રહેતા અને ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા સોહીલ આલમ બેલીમના મોટાભાઈ ઈમ્તીયાઝ સોમાની કંપનીમાં નોકરી કરતા હતા. ઈમ્તીયાઝના પ્રથમ લગ્ન આશીફા સાથે થયા હતા, જે લગ્નથી તેમને સંતાનમાં 1 દીકરો છે. ઈમ્તીયાઝના બીજા લગ્ન રૂકસાના સાથે થયા, જે લગ્નથી તેમને 3 બાળકો છે.
આમ, અકસ્માતમાં 35 વર્ષીય ઈમ્તીયાઝનું અકાળે અવસાન થતાં તેમના 4 માસૂમ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. બનાવની જાણ થતાં જ કલોલ તાલુકા પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચી ગયો હતો અને જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરીને ફરાર વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.
