PM Modi Scuba Diving: પીએમ મોદીએ લક્ષદ્વીપ બાદ દ્વારકાના દરિયામાં લગાવી ડૂબકી, કહ્યું- 'પાણીમાં ડૂબેલા દ્વારકા શહેરમાં પ્રાર્થના કરવી ખૂબ જ દિવ્ય અનુભવ'

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sun 25 Feb 2024 05:05 PM (IST)Updated: Sun 25 Feb 2024 05:06 PM (IST)
pm-narendra-modi-scuba-diving-in-the-sea-of-dwarka-after-snorkeling-in-lakshadweep-289012

PM Modi Scuba Diving in Dwarka: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. આજે સવારે તેઓએ દ્વારકામાં બનેલ દેશના સૌથી મોટા કેબલ બ્રિજ 'સુદર્શન સેતુ'નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમને દ્વારકા જગત મંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરીને પૂજા પણ કરી હતી. ત્યારબાદ તેઓએ અરબ સાગરમાં સ્કુબા ડ્રાઇવિંગ કરી હતી.

પીએમ મોદી નૌસેના જવાનો સાથે સ્કુબા ડ્રાઇવિંગ કરવા માટે ગોમતી ઘાટ સ્થિત સુદામા સેતુ પાર કરીને પંચકુઈ બીચ વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ લગભગ 2 નોટિકલ માઈલ દૂર દરિયામાં સ્કુબા ડ્રાઇવિંગ કરવા માટે ગયા હતા.

પીએમ મોદીએ X પર સ્કુબા ડ્રાઇવિંગની કેટલીક તસવીરો શેર કરી છે. તેમને કેપ્શનમાં લખ્યું કે, 'પાણીમાં ડૂબેલા દ્વારકા શહેરમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દિવ્ય અનુભવ હતો. હું આધ્યાત્મિક ભવ્યતા અને કાલાતીત ભક્તિના પ્રાચીન યુગ સાથે જોડાયેલ અનુભવું છું. ભગવાન શ્રી કૃષ્ણ આપણા સૌનું ભલું કરે.'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાહસિક સ્કુબા ડાઇવિંગ કરી ઊંડા દરિયામાં ડૂબેલી પૌરાણિક નગરી દ્વારિકાના દર્શન કરી પુરાતન ભવ્યતા અને દિવ્યતાનો અનુભવ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડા દરિયામાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રાચીન નગરી દ્વારિકાના દર્શન કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન શ્રીકૃષ્ણને મોરપીંછ અર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, પુરાતત્વીય જાણકારોએ દ્વારિકા નગરી પર અનેક સંશોધનો કર્યા છે. જેને કારણે મારી પ્રાચીન દ્વારિકા દર્શન કરવાની તેમજ તેને જોવાની વર્ષોથી ઈચ્છા હતી.જે મારું સ્વપ્ન આજે પૂરું થયું છે. આજરોજ ભગવાન શ્રી કૃષ્ણની પાવન ભૂમિ પર પધારવાનો મને અવસર મળ્યો ત્યારે સમુદ્રમાં રહેલ પ્રાચીન દ્વારિકા નગરીના દર્શન કરી પુરાતન ભવ્યતા તથા દિવ્યતાનો અનુભવ કર્યો તથા ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરી મોરપંખ પ્રાચીન દ્વારિકા નગરીને અર્પિત કરી ગૌરવ અનુભવુ છું. હું દેશ કાજ કરવા સાથે દેવ કાજ કરવાનો દિવ્ય અનુભવ કરી રહ્યો છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ દર્શન દરમ્યાન 21મી સદીમાં ભારતના વૈભવની તસવીર પણ મારી આંખોમાં ઘૂમી રહી હતી.પ્રાચીન દ્વારકા નગરીના દર્શન કરી વિકસિત ભારતનો મારો સંકલ્પ વધુ મજબૂત થયો છે. સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્રના કિનારે આસ્થા અને પ્રવાસનમા વધુ એક મોતી ઉમેરાયું છે. પ્રવાસીઓ સ્કૂબા ડાઇવિંગથી મૂળ દ્વારિકાના દર્શન કરી શકે તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. સૌરાષ્ટ્રના અરબી સમુદ્રના કિનારે સોમનાથ, માધવપુર, પોરબંદર, દ્વારકા, શિવરાજપુર બીચ, નાગેશ્વર તથા સુદર્શન સેતુથી પ્રવાસન વિભાગને ઉતેજન મળી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાના ઊંડા દરિયામાં સાહસિક એવું સ્કૂબા ડાઇવિંગ કરતા જોવા મળ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, શાસ્ત્રોમાં પણ પ્રાચીન દ્વારકાનો ઉલ્લેખ છે.ભગવાન વિશ્વકર્માએ દ્વારિકા નગરીનું નિર્માણ કર્યું હતું.જે ભારતમાં શ્રેષ્ઠ નગરનું ઉત્તમ ઉદાહરણ છે.ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકાધામને શ્રદ્ધા પૂર્વક નમન કરતા તેમણે ઉમેર્યું કે, ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાધીશ સ્વરૂપે અહી બિરાજમાન છે. અહીં જે થાય છે તે દ્વારકા ઈચ્છાથી થાય છે. આદિ શંકરાચાર્યએ અહીં શારદાપીઠની સ્થાપના કરી હતી. નાગેશ્વર જ્યોતિર્લિંગ, રુકમણી મંદિર અહીંના આસ્થાના કેન્દ્રો છે.

જણાવી દઈએ કે, અગાઇ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2024ની શરૂઆતમાં લક્ષદ્વીપમાં પણ દરિયામાં ડૂબકી લગાવી હતી. જો કે, ત્યારે તેમને સ્નોર્કલિંગ કર્યું હતું. આજે તેમને સ્કુબા ડ્રાઇવિંગ કર્યું છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.