Devbhumi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે નરસિંગ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજિત યુવા મહોત્સવમાં ભાગ લેવામાં આવેલા 50થી વધુ વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર થતાં અફરાતફરી મચી જવા પામી છે. હાલ તો આ તમામ વિદ્યાર્થીઓને સારવાર અર્થે ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ખંભાળિયા સ્થિત નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આહિર કન્યા છાત્રાલયમાં બે દિવસના યુવક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આંતર કૉલેજ સ્પર્ધાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આવ્યા છે.
આ દરમિયાન આજે કેટલાક વિદ્યાર્થીઓને ચક્કર આવવા, ઉલટી થવી તેમજ ગભરામણના અંતે બેભાન થઈ જવાની ફરિયાદો મળી હતી. જેના કારણે 50થી વધુ વિદ્યાર્થીઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગના કારણે વિદ્યાર્થીઓની તબિયત લથડી હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં ગુજરાત હાઈકોર્ટના જાણીતા વકીલ તેમજ આહિર કન્યા છાત્રાલયના અધ્યક્ષ વી.એચ.કનારા પણ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યાહતા.
જણાવી દઈએ કે, ગઈકાલે જ કેબિનેટ મંત્રી મુળુ બેરા દ્વારા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. આ યુવા મહોત્સવમાં 950 જેટલા અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલ તો આ સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
