Gujarat Rain: નર્મદા-અરવલ્લીમાં મેઘરાજાની સટાસટી, 2 કલાકમાં નાંદોદમાં 2.8 અને મોડાસામાં 2.2 ઈંચ વરસાદ તૂટી પડ્યો

આજે આખા દિવસમાં રાજ્યના 86 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. જે પૈકી 10 તાલુકામાં 1 ઈંચથી વધુ તેમજ 4 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 20 Sep 2025 09:59 PM (IST)Updated: Sat, 20 Sep 2025 09:59 PM (IST)
narmada-news-86-taluka-get-rain-across-the-gujarat-till-8-pm-on-20th-september
HIGHLIGHTS
  • આખા દિવસ દરમિયાન નાંદોદમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો
  • વીતેલા 2 કલાકમાં 24 તાલુકામાં વરસાદ નોંધાયો

Narmada | Gujarat Rain Data: હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ચોમાસાની વિદાય ટાણે મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. ખાસ કરીને ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આજે નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. આગામી 22મી સપ્ટેમ્બર એટલે કે સોમવારથી નવરાત્રિનો પર્વ શરૂ થઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં વરસાદનો તોફાની રાઉન્ડ શરૂ થતાં ખેલૈયાઓ નિરાશ બન્યા છે, તો ગરબા આયોજકો ચિંતિત બન્યા છે.

આજે આખા દિવસ દરમિયાન ગુજરાતના 86 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી નર્મદા જિલ્લાના નાંદોદમાં સૌથી વધુ 74 મિ.મી (2.9 ઈંચ) અને અરવલ્લીના મોડાસામાં 56 મિ.મી (2.2 ઈંચ) વરસાદ ખાબક્યો છે. આ સિવાય ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં 55 મિ.મી (2.17 ઈંચ), રાજકોટના ગોંડલમાં 52 મિ.મી (2.05 ઈંચ), અરવલ્લીના માલપુરમાં 50 મિ.મી (1.9 ઈંચ), સુરતના કામરેજમાં 37 મિ.મી (1.4 ઈંચ) વરસાદ નોંધાયો છે. આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 10 તાલુકામાં 1 ઈંચથી વધુ તેમજ 4 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

જ્યારે સાંજે 6 થી 8 વાગ્યા સુધીના વીતેલા 2 કલાકના સમયગાળા દરમિયાન 24 તાલુકામાં વરસાદ નોંધયો છે. જેમાં નર્મદાના નાંદોદમાં સૌથી વધુ 72 મિ.મી (2.8 ઈંચ), અરવલ્લીના મોડાસામાં 56 મિ.મી (2.2 ઈંચ), રાજકોટના ગોંડલમાં 52 મિ.મી (2.05 ઈંચ) અને અરવલ્લીના માલપુરમાં 42 મિ.મી (1.6 ઈંચ) વરસાદ વરસ્યો છે.

અરવલ્લીમાં મેઘરાજાના ધામા
હવામાન વિભાગ દ્વારા કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત કરી દેવામાં આવી છે. જો કે ગુજરાત ઉપર સર્જાયેલી અસ્થિરતાના કારણે વરસાદનો તોફાની રાઉન્ડ ચાલી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં બપોરે 4 વાગ્યાથી મેઘરાજાએ ધામા નાંખ્યા હોય તેમ મોડાસા, માલપુર અને ભીલોડા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે.

naidunia_image

માલપુરમાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબકતા નગરના મુખ્ય માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ખાસ કરીને ખાડિયા ચાર રસ્તા તેમજ લીમડા ચોક જેવા નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

નર્મદામાં નવરાત્રિ ટાણે વરસાદે ગરબા આયોજકોની ચિંતા વધારી
આજથી એક દિવસ બાદ માતાજીની આરાધનાનો પર્વ નવરાત્રિ શરૂ થવા જઈ રહ્યો છે. નવરાત્રિના ગરબા માટે શેરી, સોસાયટી, ફ્લેટો અને પાર્ટીપ્લોટોમાં તડમારા તૈયારીઓ મહિના પહેલાથી શરૂ કરી દેવામાં આવી હતી. ખેલૈયાઓ મનમૂકીને નાચી શકે, તે માટે ગરબા ગ્રાઉન્ડને મહામહેનતે સમતલ બનાવવામાં આવ્યા હતા. જો કે છેલ્લી ઘડીએ ખાબકેલા વરસાદથી ગરબા ગ્રાઉન્ડમાં કાદવ-કિચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. ગરબા આયોજકોની મહેનત પર વરસાદે પાણી ફેરવી દીધું છે. એક તરફ ગરબા આયોજકો ચિંતિત છે, તો બીજી તરફ ખેલૈયાઓ પણ વરસાદની આગાહીને લઈને મુંઝવણમાં છે.