Devbhumi Dwarka: શ્રદ્ધા અને ભક્તિની કોઈ ઉંમર હોતી નથી, તેનું ઉત્તમ ઉદાહરણ જામ ખંભાળિયાના 80 વર્ષના ગીરૂભા જાડેજાએ પૂરું પાડ્યું છે. કચ્છમાં બિરાજમાન માઁ આશાપુરા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા ગીરૂભા જાડેજા છેલ્લા 30 વર્ષથી માતાના મઢ સુધી પગપાળા ચાલીને જાય છે. આજે તેમણે યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ સાથે તેમની પદયાત્રાનો પ્રારંભ કર્યો છે.
આ શુભ પ્રસંગે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) તેમજ હાલારના રાજપૂત સમાજના પ્રમુખ પી.એસ. જાડેજાએ ગીરૂભા જાડેજાની પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.
ગીરૂભા જાડેજા 400 કિલોમીટરની આ પદયાત્રા માત્ર 6 દિવસમાં પૂર્ણ કરીને માતાના મઢ પહોંચશે. આ અવસરે વિવિધ સમાજના આગેવાનોએ પણ ગીરૂભાની પદયાત્રા સુખમય નીવડે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ ઘટના દર્શાવે છે કે, ઉંમર માત્ર એક આંકડો છે અને જો મનમાં શ્રદ્ધા હોય તો કોઈ પણ કાર્ય અશક્ય નથી.
આ તકે ગીરુભા જાડેજાએ જણાવ્યું કે, માતાજીના આશીર્વાદથી હું 31માં વર્ષે માઁ આશાપુરા માતાના મઢ પગપાળા જઈ રહ્યો છો. આજે ગામના નાના-મોટા દરેક જ્ઞાતિના આગેવાનો, સમાજના પ્રમુખ સૌ કોઈએ મારું સન્માન કર્યું, તે બદલ હું સૌ કોઈનો આભાર માનું છું. સૌ કોઈને શક્તિ આપે અને ધંધામાં પ્રગતિ કરાવે, તેવી માઁ આશાપુરાને મારી પાર્થના.
આવતા વર્ષે પણ મારી પગપાળા માતાના મઢે જવાની ઈચ્છા છે. માતાજીની કૃપાથી હું નક્કી કર્યાં પ્રમાણે સમયસર માતાના મઢે પહોંચી ગયો છુ. આ માતાજીના આશીર્વાદ હોય, તો જ શક્ય છે. 80 વર્ષ 450 કિલોમીટર ચાલીને માતાના ચરણોમાં જવું કોઈ નાનીસુની વાત નથી. મને માતાજીના આશીર્વાદ છે, એટલે મારી યાત્રા સફળ થાય છે.
