Rajkot: રાજકોટ મહાનગરપાલિકામાં લાંબા સમયથી ચાલી રહેલા સફાઈ કોન્ટ્રાક્ટરો દ્વારા સફાઈ કામદારોના પગાર અને બોનસમાં કૌભાંડ આચરવામાં આવતું હોવાનો રાજકોટ કામદાર યુનિયન દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કોન્ટ્રાક્ટર જી.ડી. અજમેરા હોવાનું સામે આવ્યું છે, જેણે કામદારોને લઘુતમ વેતન, પીએફ, ESI અને બોનસ જેવી સુવિધાઓથી વંચિત રાખ્યા હતા.
સ્ટિંગ ઓપરેશનથી ભ્રષ્ટાચારનો પર્દાફાશ
આ કૌભાંડને દબાવવા માટે કોન્ટ્રાક્ટર જી.ડી. અજમેરાના સુપરવાઈઝર જયદીપ આહીરે રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાને 5 લાખ રૂપિયાની લાંચ આપીને ચૂપ રહેવા માટે પ્રલોભન આપ્યું હતું. જો કે બેડિયા અને તેમની ટીમે આ પ્રલોભનને નકારી કાઢીને સમગ્ર ઘટનાનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો. જ્યારે લાંચ આપવા આવેલા યુવકને એ-ડિવિઝન પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.
આ ગરીબ કામદારોના પૈસા છે: પારસ બેડિયા
રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ જણાવ્યું કે, આ પૈસા ગરીબ કામદારોના પરસેવા અને મહેનતના છે, અમને આવા પૈસા ન ખપે. અમે ઈચ્છીએ છીએ કે, આ પૈસા કામદારોના બેંક ખાતામાં જમા થાય. સ્ટિંગ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતનો પર્દાફાશ કરવાનો હતો. આ મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
