Dang: દક્ષિણ ડાંગમાં ‘લખપતિ દીદી યોજના’થી આદિવાસી મહિલાઓને થઈ અધધ આવક, વર્ષ 2023-24માં કરી રૂપિયા 35 લાખની કમાણી

લખપતિ દીદી યોજના સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી ગ્રામીણ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે મદદરૂપ બને છે, જેથી તેમની વાર્ષિક આવક 1 લાખ કે તેથી વધુ થઈ શકે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Tue 22 Jul 2025 04:33 PM (IST)Updated: Tue 22 Jul 2025 04:33 PM (IST)
dang-tribal-women-in-south-dang-have-incareased-their-income-through-the-lakhpati-didi-yojana-earning-rs-35-lakh-in-the-year-2023-24-571208
HIGHLIGHTS
  • વર્ષ 2023-24માં સ્વ-સહાય જૂથોએ 8,50,000 રોપા સફળતાપૂર્વક ઉછેર્યા હતા.
  • આ પહેલથી 40 મહિલાઓએ રૂપિયા 35 લાખની કમાણી કરી હતી.

Dang News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતના નિર્માણમાં મહિલાઓને ખૂબ મહત્વનો આધારસ્તંભ ગણાવ્યો છે. વડાપ્રધાનના નેતૃત્વમાં વર્ષ 2023માં શરૂ થયેલી લખપતિ દીદી યોજના આજે અનેક મહિલાઓની આર્થિક ઉન્નતિનું માધ્યમ બની છે. લખપતિ દીદી યોજના સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી ગ્રામીણ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે મદદરૂપ બને છે, જેથી તેમની વાર્ષિક આવક 1 લાખ કે તેથી વધુ થઈ શકે.

દેશની 2 કરોડ મહિલાઓને ‘લખપતિ દીદી’ બનાવવાના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ પહેલ હેઠળ દક્ષિણ ડાંગ વન વિભાગે આદિવાસી મહિલાઓને રોપા ઉછેરમાં તાલીમ, નાણાકીય સહાય અને બજાર સાથે જોડાણ પ્રદાન કરીને ₹35 લાખની કમાણી કરવામાં મદદ કરી છે

ગ્રામીણ અર્થવ્યવસ્થામાં આવ્યું પરિવર્તન, મહિલાઓને થઈ ₹35 લાખની કમાણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત સરકારે રાજ્યમાં લખપતિ દીદી યોજનાનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કર્યું છે. આ યોજના હેઠળ દક્ષિણ ડાંગ વન વિભાગે ઉત્કૃષ્ટ કામગીરી કરીને આદિવાસી મહિલાઓને લખપતિ બનાવી છે. નાણાકીય વર્ષ 2023-24માં સ્વ-સહાય જૂથોએ 8,50,000 રોપા સફળતાપૂર્વક ઉછેર્યા હતા અને આ પહેલથી 40 મહિલાઓએ રૂપિયા 35 લાખની કમાણી કરી હતી. આ આંકડો દર્શાવે છે કે, લખપતિ દીદી યોજનાથી ગ્રામીણ અર્થવ્યવસ્થામાં સંપૂર્ણપણે પરિવર્તન આવી રહ્યું છે. આ મહિલાઓ એવા પરિવારોનું નેતૃત્વ કરે છે જેમની પાસે હવે સ્થિર આવક છે, જેમના બાળકો હવે સારું શિક્ષણ મેળવી રહ્યા છે અને સમુદાયોનું ઉત્થાન કરી રહ્યા છે.

તાલીમથી લઈને કમાણીનું અસરકારક સંચાલન કરવા અંગે મળે છે માર્ગદર્શન
લખપતિ દીદીની પહેલ હેઠળ, સ્વ-સહાય જૂથો (SHG)ની મહિલાઓને રોપાઓના ઉછેર અને વાવેતરની જવાબદારી સોંપવામાં આવે છે. વન વિભાગ આ મહિલાઓને સીધા તેમના બૅન્ક ખાતામાં ચૂકવણી કરે છે, જે પારદર્શિતા અને નાણાકીય સ્વતંત્રતા સુનિશ્ચિત કરે છે. આ મહિલાઓને નર્સરી સંબંધિત કામગીરી જેમ કે, બીજ વાવણી, કાપણી, ખાતરનો ઉપયોગ અને પાણી વ્યવસ્થાપન વગેરેમાં તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત, તેમને બૅન્કિંગ, અકાઉન્ટિંગ અને નાણાકીય આયોજનમાં પણ મૂળભૂત તાલીમ આપવામાં આવે છે, જે તેમને કમાણીનું અસરકારક રીતે સંચાલન કરવામાં મદદ કરે છે.

લખપતિ દીદી યોજનાથી મહિલાઓની ઉદ્યોગસાહસિકતાને મળ્યું પ્રોત્સાહન
લખપતિ દીદી યોજનાનો સૌથી મોટો પ્રભાવ એ છે કે, તેનાથી મહિલાઓ આત્મવિશ્વાસુ અને આર્થિક સશક્ત બની છે. આ મહિલાઓ હવે ફક્ત ગૃહિણીઓ જ નહીં, પરંતુ ઉદ્યોગસાહસિકો અને તેમના સમુદાયોમાં એક નેતા પણ છે. ભારતના હાર્દ સમા ગામડાંઓના વિકાસમાં તેમની વધી રહેલી ભૂમિકા એ દર્શાવે છે કે, તેઓ આર્થિક સશક્તિકરણ સાથે સામાજિક પરિવર્તનને પણ આગળ ધપાવી રહી છે. એટલું જ નહીં, આ યોજનાએ પર્યાવરણીય રીતે પણ નોંધપાત્ર અસર કરી છે. રોપા ઉછેરની પ્રવૃત્તિથી દક્ષિણ ડાંગ પ્રદેશ વધુ હરિયાળો બની રહ્યો છે અને તે રીતે આ પહેલ પર્યાવરણ સંરક્ષણમાં પણ મહત્વનો ફાળો આપી રહી છે.