ગુજરાત ATS ટીમના દાહોદમાં ધામા, વડોદરાથી ઝડપાયેલા આતંકીને લઈ કર્યું રિકન્સ્ટ્રક્શન; AK-47 પહોંચાડનાર શખ્સ કોણ?

આતંકી 'જૈશ-એ-મોહમ્મદ' સંગઠનના પેડલરના સંપર્કમાં હતો અને ફોન પર મળેલી માહિતીના આધારે ચોક્કસ સ્થળેથી AK-47 મેળવી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 29 Nov 2026 04:50 PM (IST)Updated: Sun, 29 Nov 2026 04:50 PM (IST)
jaish-e-mohammed-terrorist-activities-reconstruction-at-dahod-doki-village-ats-investigation

Dahod News: વડોદરાથી ઝડપાયેલા આતંકીને લઈને ગુજરાત ATS ટીમે દાહોદમાં ધામા નાખ્યા છે. આતંકીએ દાહોદ નજીકથી હથિયાર મેળવ્યા હોવાની ચોક્કસ માહિતી મળતા ATS ટીમ આતંકીને સાથે રાખી દાહોદ નજીક આવેલા ડોકી ગામ નજીક પહોંચી હતી અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

ગુજરાત ATS ટીમની તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ, આતંકીએ ડોકી ગામ પાસે આવેલા રોડની બાજુમાં ઝાડી-ઝાખરામાંથી AK-47 રાઈફલ તેમજ 23 જીવતા કારતૂસ મેળવ્યા હતા. એક પ્લાસ્ટિકની થેલીમાં સંતાડીને રખાયેલા હથિયાર અને કારતૂસ આતંકીએ કેવી રીતે અને કયા સંજોગોમાં લીધા, તેની તપાસના ભાગરૂપે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકી બસમાં બેસીને દાહોદ આવ્યો હતો અને ત્યારબાદ બસમાંથી ઉતરી રિક્ષા મારફતે ડોકી ગામ સુધી પહોંચ્યો હતો. તપાસમાં એ પણ ખુલ્યું છે કે આતંકી 'જૈશ-એ-મોહમ્મદ' સંગઠનના પેડલરના સંપર્કમાં હતો અને તેણે ફોન પર મળેલી માહિતીના આધારે ચોક્કસ સ્થળેથી AK-47 મેળવી હતી.

દાહોદ નજીક ડોકી ગામના જંગલ તેમજ રોડ સાઈડ વિસ્તારમાંથી કોઈ અજાણી વ્યક્તિ હથિયાર મૂકી ગઈ હોવાની અને આતંકીએ તે મેળવ્યું હોવાની માહિતી મળતા જ સ્થાનિક દાહોદ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ હતી. સુરક્ષા વ્યવસ્થા અને તપાસના ભાગરૂપે પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તજવીજ હાથ ધરવામાં આવી છે.

રિકન્સ્ટ્રક્શનની કામગીરી પૂર્ણ કર્યા બાદ ATS ટીમ આતંકીને લઈને સ્થળ પરથી પરત રવાના થઈ હતી. હાલ ગુજરાત ATS ટીમ સામે મુખ્ય પ્રશ્ન સામે આવ્યો છે કે ડોકી ગામ નજીક આ ઘાતક હથિયાર અને કારતૂસ કોણ મૂકી ગયું હતું અને તેની પાછળ સમગ્ર નેટવર્ક કોણ ચલાવી રહ્યું છે. આ મામલે આગામી સમયમાં વધુ મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા છે.