Vadodara News: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા વડોદરા નજીકના જરોદ ખાતેથી આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલા એક 22 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ અત્યંત સંવેદનશીલ ગણાતા વડોદરા એરફોર્સ સ્ટેશનની રેકી કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ગંભીર બાબત સામે આવતા જ વડોદરા શહેર પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે અને શહેરની સુરક્ષા વ્યવસ્થા હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવી છે.
મકરપુરા વિસ્તારમાં સઘન ઓપરેશન હાથ ધરાયું
એરફોર્સ સ્ટેશનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મકરપુરા પોલીસ દ્વારા સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સુરક્ષા અભિયાનમાં ACP વી.પી. ગામિત અને મકરપુરા પોલીસ સ્ટેશનના PI એ.એમ. ગોહિલ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો જોડાયો હતો. સંભવિત જોખમને ટાળવા માટે સ્થાનિક પોલીસની સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની ટીમોને પણ તૈનાત કરવામાં આવી હતી.
હોટેલ, ગેસ્ટ હાઉસમાં શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ
સુરક્ષા એજન્સીઓ દ્વારા એરફોર્સ સ્ટેશન નજીક આવેલી તમામ હોટલો, ગેસ્ટ હાઉસ, ધર્મશાળાઓ તેમજ અન્ય શંકાસ્પદ વિસ્તારોમાં ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું. હોટલોમાં રોકાયેલા મુસાફરોના ઓળખપત્રો અને રજિસ્ટરની ચકાસણી કરીને શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ પણ કરવામાં આવી હતી.
આતંકી નેટવર્કના મૂળ સુધી પહોંચવા પોલીસ કાર્યવાહી
બીજી તરફ, તપાસ એજન્સીઓ હવે આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે કવાયત તેજ કરી રહી છે. પકડાયેલા 22 વર્ષીય યુવકને વડોદરામાં રહીને રેકી કરવા માટે કોઈ સ્થાનિક મદદ મળી હતી કે કેમ, તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, આરોપીના મોબાઈલ કોલ ડિટેલ્સ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના આધારે તેના સંપર્કમાં અન્ય કોઈ શખ્સ કે સ્લીપર સેલ સક્રિય છે કે કેમ, તે અંગે પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
